૧૧ નાનપણમાં મોટી સમજણ
દિવાળીનું પર્વ આવ્યું.
બધા નવાં કપડાં પહેરી ફરવા નીકળ્યા.
દેવબા ઉદાસ થઈ ઘરમાં બેઠાં હતાં.
અબજીભાઈ રમતા-રમતા ત્યાં આવ્યા.
દેવબાને પૂછ્યું, 'મા, કેમ ઉદાસ દેખાઓ છો?'
દેવબા કહે, 'આજે બધા નવાં કપડાં પહેરી મંદિરે જાય છે, પણ તમારી પાસે નવાં કપડાં નથી.'
અબજીભાઈ કહે, 'મારા કપડાં ધોયેલાં અને સ્વચ્છ છે. મારે નવાં કપડાં નથી જોઈતાં.'
પાંચાભાઈ કહે, 'બેટા! તમે સમજુ અને ડાહ્યા છો તેથી માંગતા નથી. મારી પાસે પૈસા હોત તો, હું તમને જરૂરથી નવાં કપડાં ને મીઠાઈ લાવી આપત.'
અબજીભાઈ માતા-પિતાને કહેવા લાગ્યા, 'પૈસાથી જ સુખ નથી મળતું. મોટા રાજાને ત્યાં કેટલા બધા પૈસા હોય છે, છતાં બધા રાજા ક્યાં સુખી હોય છે? સાદગીમાં જ સુખ છે.'
અબજીભાઈ દેવબાને કહેવા લાગ્યા, 'માતા, તમે ચિંતા ન કરો ઉપરના કપડાંથી માણસ સુંદર નથી બની જતો. તે અંદરથી સ્વચ્છ હોવો જોઈએ. તો જ ભગવાન રાજી થાય. ઉપરની ટાપ-ટીપથી કોઈ સારું નથી બની જતું.'
દેવબાને હર્ષના આંસુ આવી ગયાં.
અબજીભાઈએ માતાના આંસુ લૂછ્યા અને કહેવા લાગ્યા, 'મા, ઘરમાં કાંઈ ન હોય એટલે ભગવાન ભજવામાં કાંઈ આડું આવે નહિ. આથી ભજન-ભક્તિમાં બહુ સુખ આવે.'
પાંચાભાઈ અને દેવબાને અબજીભાઈના વચનોથી શાંતિ થઈ.
અબજીભાઈ રોજના સ્વચ્છ અને ધોયેલાં કપડાં પહેરી મિત્રો સાથે મંદિરે ચાલ્યા ગયા.
માતા-પિતા પણ આવા સમજુ અને સંસ્કારી પુત્ર પ્રાપ્ત થવાથી ગર્વ અનુભવવા લાગ્યાં.
---------
→ જીવનમાં ખરું સુખ પૈસાથી નથી પ્રાપ્ત થતું.
→ અબજીભાઈ શીખવે છે કે માતા-પિતા પાસે સગવડ ન હોય તો જીદ કરી વસ્તુ માંગવી નહિ.
→ જો મન સ્વચ્છ ન હોય તો ઉપરની ટાપ-ટીપથી માણસ સારો બની જતો નથી. જીવનમાં જેટલી વસ્તુ ઓછી હોય તેટલી ભગવાન ભજવામાં સુગમતા રહે.
સ્વાધ્યાય
નીચેના પ્રશ્નોના ઉત્તર આપો.
૧. દેવબા શા માટે ઉદાસ હતાં?
૨. અબજીભાઈએ દેવબાને શું કહ્યું?
૩. સાચું સુખ શેમાં છે?
૪. દેવબા અને પાંચાભાઈને શાંતિ કેવી રીતે થઈ?
નીચેની ખાલી જગ્યા પૂરો.
૧. કેમ ----------- દેખાવો છો?
૨. બેટા તમે -------- અને ---------- છો તેથી માંગતા નથી.
૩. ઉપરની --------- થી માણસ ----------- નથી લાગતો.
૪. અંદરથી --------- હોય તો ---------- રાજી થાય.