૯. અલૌકિક ઐશ્વર્ય

ઇડર પાસેના બડોલી ગામનો એક બ્રાહ્મણનો અનાથ છોકરો જન્મથી મૂંગો અને લંગડો હતો. ગામના બે ચાર સદગૂહસ્થોને મૂઢ અને જડ જેવા એ છોકરાની દયા આવવાથી એને ગાડામાં નાખીને ટોરડા ખુશાલ ભટ્ટ પાસે લઈ આવ્યા. ભટ્ટજીએ છોકરા તરફ કૃપા-કટાક્ષ ફેંકી એને હાથ પકડી ઊભો કર્યો ને તુલસી-ક્યારાની પ્રદક્ષિણા કરાવી. એટલામાં તો છોકરો એની મેળે ચાલતો થઈ ગયો. પછી ખુશાલ ભટ્ટે એની પાસે યજુર્વેદનો મંત્ર બોલાવ્યો. છોકરો ફટાફટ સંસ્કૃતમાં વેદની ઋચાઓ બોલવા લાગ્યો. યોગેશ્વર ખુશાલ ભટ્ટના આશીર્વાદથી એ અપંગ છોકરો સર્વાંગ સ્વસ્થ અને પ્રકાંડ પંડિત બન્યો ને આગળ જતાં ગૌરીશંકર ધનપાઠી નામે ખ્યાતનામ થયો.

સં. ૧૮૭૮માં શ્રીજીમહારાજે અમદાવાદમાં શ્રી નરનારાયણ દેવની પ્રતિષ્ઠા કરી ત્યારે યજ્ઞમંડપમાં વરૂણીમાં ગૌરીશંકરભાઈ બેઠા હતા, તેમને જોઈને શ્રીજીમહારાજે ટકોર કરેલી: "મોટા પુરુષ તો જડને ય ચેતન અને પશુને પણ દેવ કરે એનું જીવંત દ્રષ્ટાંત છે આ ગૌરીશંકર પંડિત!"

मूकं करोति वाचालम्

એ સંસ્કૃત સુભાષિતના ગૂઢાર્થને ખુશાલ ભટ્ટે આવા તો કેટલાંય દ્રષ્ટાંતો દ્વારા સાર્થક કરી બતાવ્યો હતો.

ખુશાલ ભટ્ટનું મોસાળ સુવેર ગામ હતું. એ સમયે ઇડરથી સાપવાડા થઈને સુવેર જવાતું. સાપવાડા ગામ હિંમતનગરથી ઇડર જતાં રસ્તામાં આવે છે. સાપવાડાને નાગભૂમિ પણ કહે છે. એ ગામના પાદરે વાવ પાસે એક પુરાતન શિવાલય છે. એની પાસે એક પીપળાનું વૃક્ષ હતું. એમાં એક મોટો સર્પ રહેતો હતો. એકવાર ખુશાલ ભટ્ટ સુવેર જતા હતા ત્યારે તેમણે સાપવાડાના એ પુરાતન શિવાલયમાં રાતવાસો કરેલો. સવારે વાવમાં સ્નાન-સંધ્યા પતાવી નિત્યકર્મ કરતા હતા એ વખતે એ સાપ ભટ્ટની સામે આવી ફેણ ચડાવી બેસી ગયો. ખુશાલે જળની અંજલિ ભરી સાપ પર છાંટી એટલે એને પૂર્વજન્મની સ્મૃતિ થઈ. એ સાપ પૂર્વજન્મમાં બ્રાહ્મણ હતો, પરંતુ એનાં કુકર્મોને કારણે એની આવી અવદશા થઈ હતી. ખુશાલ ભટ્ટે એને વર્તમાન ધરાવી સર્પયોનિમાંથી મુક્ત કરાવ્યો.*

ટોરડાના જાગીરદાર તરફથી મોતી ઠાકરને એક મહુડો ઉપભોગાર્થે મળ્યો હતો. એનાં મહુડાં કડવાં ઝેર જેવાં હતાં. એકવાર જીવીબાએ ખુશાલને કહ્યું: "ભાઈ, તમારા વિદ્યાર્થીઓને લઈને શેઢાવાળી મહુડીએ જાઓ અને જેટલાં વિણાય એટલાં મહુડાં વિણજો, ત્યાં લગી હું આવું છું." ખુશાલભાઈ તો બે મોટા ટોપલા લઈ વિદ્યાર્થીઓ સાથે મહુડે પહોંચ્યા. ત્યાં જઈ મહુડી ઉપર ચડી ખુશાલ ભટ્ટ તો મસ્તીથી ડોલરિયા રાગમાં કીર્તનો ગાવા માંડ્યા. વિદ્યાર્થીઓ મહુડાં વીણતા હતા. એ બધા ગુરુજીનું ગાયન સાંભળવા માટે ત્યાં દોડી આવ્યા. એ જોઈને ખુશાલ ભટ્ટ કહે: "અલ્યા છોકરાઓ, તમે અહીં મહુડાં ચૂસવા આવ્યા છો?" ખુશાલભાઈનો મિત્ર હરિદત્ત પણ સાથે આવ્યો હતો, એ બોલ્યો: "છોકરાં બિચારાં શું કપાળ મહુડાં ચૂસે? આ મહુડી તો કડવી ભહ છે!" આ સાંભળી ખુશાલભાઈ હસતા હસતા કહે: "હરિયા, તુ ચાખી તો જો.... આ મહુડી કડવી નથી...' હરિદત્તે એક મહુડું ચાખ્યું તો મીઠું મધ જેવું લાગ્યું. તેણે બૂમ પાડી કહ્યું: "અલ્યા ખુશાલ, આ મહુડાં આગળ તો શેરડીનો પણ કાંઈ હિસાબ નથી." આ સાંભળી બધા છોકરાઓ પણ મહુડાં ચૂસવા માંડ્યા.

એટલામાં જીવીબા આવી ગયાં. એમણે છોકરાઓને મહુડાં ચૂસતા જોયા એટલે નવાઈ પામી હરિદત્તને પૂછ્યું: "હરિયા, આ મહુડી તો કડવી ઝેર જેવી છે, આ છોકરાં બિચારા...." હરિદત્ત ગેલમાં આવી બોલ્યો: "બા, આ મહુડી કડવી હતી, પણ હવે નથી. તમે ચાખો તો ખરાં એનાં મહુડાં...." જીવીબાએ મહુડાં ચાખ્યાં તો એમના આશ્ચર્યનો પાર ન રહ્યો. આ શું? આટલાં મીઠાં!! જીવીબા કહે, "હરિયા, ખુશાલ ક્યાં છે?" હરિયો કહે, "બા, એ તો મહુડી ઉપર ચડીને ડોલરિયો ગાતો હતો. લો આ...આવે." ત્યાં તો ખુશાલભાઈ આવી ગયા. જીવીબા કહે: "ભાઈ, તમે આટલા મોટા થયા તો ય હજી છોકરમત જતી નથી? આ હરિયો કહે છે તમે મહુડી ઉપર ચડી ડોલરિયો ગાતા હતા.... તે અહીં તમને મેં ડોલરિયો ગાવા મોકલ્યા હતા કે મહુડાં વીણવા?" ખુશાલભાઈ કહે, "બા, આ હરિયો કે દિ'નો સાચો છે? જુઓ..... મહુડાં વીણીને બે ટોપલા ભરીને અહીં રાખ્યા છે..." જીવીબાએ જોયું કે મહુડી નીચે બે ટોપલા મીઠા મધ જેવા મહુડાંથી ભરેલા પડ્યા હતા. પોતાના અપૂર્વ ઐશ્વર્ય પ્રતાપથી ખુશાલ ભટ્ટે કડવી મહુડીને મીઠી બનાવી અને ખાલી ટોપલા વગર વીણ્યે મહુડાંથી ભરી દીધા!