૪૦. સારંગપુરમાં શ્રી કષ્ટભંજન દેવની પ્રતિષ્ઠા

એકવાર સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી સંતમંડળ સાથે બોટાદ પધાર્યા હતા. સારંગપુરના દરબાર વાઘા ખાચરને સ્વામીશ્રી બોટાદ પધાર્યા છે એવા વાવડ મળતાં તેઓ સ્વામીશ્રીના દર્શને બોટાદ આવ્યા. સ્વામીશ્રીએ જ્યારે દરબારને ક્ષેમકુશળના સમાચાર પૂછ્યા ત્યારે દરબારે ઊંડો નિઃસાસો નાંખતાં હૃદયની વ્યથાને વાચા આપી: "સ્વામી, લાગલગાટ ત્રણ ત્રણ વરસથી પડતા દુષ્કાળને કારણે પૈસે ટકે તો અમે સાવ ઘસાઈ ગયા છીએ. એમાંય વળી અમારી એક તરફ બોટાદ ને બીજી તરફ કારિયાણી છે. બોટાદના હરિભક્તો સુખી અને કારિયાણીના વસ્તા ખાચર પણ બહુ ભાવિક એટલે સંતો સારંગપુર સુધી પહોંચતા જ નથી. આમ ધર્મલાભની બાબતમાં પણ અમારે ત્યાં તો દુષ્કાળ જ વર્તે છે!" આ સાંભળી સ્વામીશ્રી વિચારમાં પડી ગયા. વાઘા ખાચરના દિલની વાત એમને સ્પર્શી ગઈ.

થોડીવાર પછી સ્વામીશ્રી બોલ્યા: "વાઘા ખાચર, મૂંઝાશો મા! તમને બધી રીતે સુવાણ કરી આપે એવો એક ભાઈ અમે તમને આપીશું." દરબાર તો સ્વામીશ્રીનાં આવાં માર્મિક વચનો સાંભળી વધુ મૂંઝાયા. એટલે તરત જ સ્વામીશ્રીએ હસીને સ્પષ્ટતા કરતાં કહ્યું: "દરબાર, અમે અહીં સારંગપુરમાં કષ્ટભંજન હનુમાનજીની સ્થાપના કરીશું, એ તમારા કમાઉ ભાઈ તરીકે કામ કરશે. પછી તમારે કોઈ વાતે વ્યાધિ નહિ રહે!" એ સાંભળીને વાઘા ખાચરના હર્ષનો પાર ન રહ્યો.

થોડા દિવસ બાદ સ્વામીશ્રી સારંગપુર પધાર્યા. સ્વામીશ્રીએ પોતે હનુમાનજીની આબેહૂબ મૂર્તિ કાગળ ઉપર દોરી બોટાદના કાનજી કડિયાને એ પ્રમાણે પથ્થરમાંથી મૂર્તિ તૈયાર કરવાની આજ્ઞા આપી. કાનજી કડિયાએ ગોપાળાનંદ સ્વામીના માર્ગદર્શન નીચે હનુમાનજીની ભવ્ય પ્રતિમા તૈયાર કરી. મૂર્તિને અનુરૂપ નાનકડું મંદિર પણ તૈયાર કરવામાં આવ્યું. સં. ૧૯૦૫ આસો વદ પાંચમે સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીએ સારંગપુરમાં શ્રી કષ્ટભંજન હનુમાનજીની પ્રાણપ્રતિષ્ઠા કરી. સ્વામીશ્રીની આજ્ઞાથી શુકમુનિ તથા ગોવિંદાનંદ સ્વામીએ પ્રતિષ્ઠાની આરતી ઉતારી. પ્રાણ પ્રતિષ્ઠાની વેળાએ સ્વામીશ્રી પોતાની લાકડી દાઢી નીચે ટેકવી હનુમાનજીની મૂર્તિ સામે ઊભા રહ્યા અને એકાગ્ર દ્રષ્ટિએ મૂર્તિને જોઈ રહ્યા. સ્વામીશ્રી મેષોન્મેષ દ્રષ્ટિ દ્વારા જેમ જેમ મૂર્તિમાં ઐશ્વર્ય ઉતારતા ગયા તેમ તેમ મૂર્તિ વધુ ને વધુ દેદિપ્યમાન થવા લાગી. પવનપુત્ર મહાબલિ હનુમાનજી સાક્ષાત્ સાકાર સ્વરૂપે એ મૂર્તિમાં પ્રતિષ્ઠિત થવાથી મૂર્તિ થર થર કંપવા લાગી. ત્યાં તો ધોલેરાના હરિભક્ત દરબાર પૂંજાભાઈએ સ્વામીશ્રીને પ્રાર્થના કરતાં કહ્યું: "સ્વામી, આપ આ મૂર્તિમાં આપનું અમાપ ઐશ્વર્ય મૂકી એને સંપૂર્ણપણે ચેતનવંતી બનાવી દેશો તો સારંગપુરની બાજુમાં આવેલા આપણાં ગૌરવવંતાં ધામો ગઢડા અને ધોલેરાનો મહિમા નિઃશેષ થઈ જશે. માટે સ્વામી, ક્ષમા કરો." એ સાંભળી સ્વામીશ્રીએ પોતાની ઐશ્વર્ય દ્રષ્ટિ પાછી ખેંચી લેતાં કહ્યું: "દરબાર, અમે તો આ મૂર્તિને પ્રત્યક્ષ વાત કરે એવી ચેતનવંતી બનાવવા માગતા હતા, પરંતુ તમારી પ્રાર્થનાએ અમને એમ કરતાં રોક્યા છે. છતાંય આ મૂર્તિમાં દિવ્ય ચૈતન્ય તો પ્રસ્થાપિત થઈ જ ચૂક્યું છે. આ હનુમાનજી સત્સંગમાં સર્વેનાં કષ્ટ હરશે. ભૂત-પ્રેત, ભૈરવ-ભૈરવીના ત્રાસથી ભક્તોની રક્ષા કરશે અને એ રીતે પોતાનું 'કષ્ટભંજન દેવ' નામ સાર્થક કરશે." વાઘા ખાચરને સ્વામીશ્રીએ આપેલો આ પ્રતાપી ભાઈ ફળ્યો અને એમને બધી રીતે કુશળ મંગળ થઈ રહ્યું. મોટા પુરુષની કૃપાદ્રષ્ટિ થાય ત્યારે ત્રિવિધ તાપ તો જેમ સૂર્ય ઊગતાં ઝાકળ ઊડી જાય એમ સહેજમાં ટળી જાય છે!