૩૩. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી
"આ ગુણાતીતાનંદ સ્વામી મોટા સનકાદિકનો અવતાર છે" એમ સદગુરુ ગોપાળાનંદ સ્વામી ઘણીવાર કહેતા હતા.* મોટાનો મહિમા મોટા જ જાણે એ ન્યાયે ગુણાતીતાનંદ સ્વામી પણ સ્વામીશ્રીનો મહિમા અત્યંત જાણતા હતા. ગુણાતીતાનંદ સ્વામી ઘણીવાર કહેતા કે, "જે અમને ગોપાળાનંદ સ્વામી કરતા મોટા કહેશે એના મનમાં અસુર પ્રવેશ કરશે."
ગુણાતીતાનંદ સ્વામીને વાતોનું અંગ હતું. એમના આસને કથાવાર્તાનો અખંડ અખાડો ચાલતો. વચનામૃતનું એમને તલસ્પર્શી જ્ઞાન હતું. છતાં પણ તેઓ ઘણીવાર ભરી સભામાં કહેતા કે, "શ્રીજીનાં વચનામૃતો મને સદગુરુ ગોપાળાનંદ સ્વામીના સમાગમથી જ જેમ છે તેમ સમજાયાં છે ને હવે તેનો નવો ને નવો જ સ્વાદ આવે છે."
સં. ૧૮૮૩માં શ્રીજીમહારાજે જ્યારે ગુણાતીતાનંદ સ્વામીને જૂનાગઢ મંદિરની મહંતાઈનો હાર પહેરાવવા માંડ્યો, ત્યારે તેમણે મહારાજને પ્રાર્થનાપૂર્વક કહ્યું: "મહારાજ, ગોપાળાનંદ સ્વામી વર્ષે એક મહિનો મને ભગવદ્ વાર્તા સંભળાવવા જૂનાગઢ પધારે તો હું હાર પહેરું." આ સાંભળી મહારાજે એ અંગે ગોપાળાનંદ સ્વામીને પૂછ્યું અને જ્યારે સ્વામીશ્રીએ પ્રતિવર્ષે એક મહિનો જૂનાગઢ રહેવાની સંમતિ આપી ત્યારે જ ગુણાતીતાનંદ સ્વામીએ જૂનાગઢ મંદિરની મહંતાઈ સ્વીકારી.
એકવાર સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીએ ગુણાતીત મુનિને એકાંતમાં બોલાવીને પૂછ્યું: "સ્વામી, જ્યારે કોઈ અજ્ઞાની જીવો સારા-નરસા શબ્દો બોલી તમારું અપમાન કરે અથવા દેહાદિકનું સુખ-દુ:ખ આવે ત્યારે તમને વિક્ષેપ પરાભવ કરે છે?" ગુણાતીતાનંદ સ્વામીએ નિખાલસ એકરાર કરતાં કહ્યું: "હા સ્વામી, ક્યારેક થાય છે." સ્વામીશ્રી કહે, "જુઓ, તમે બાહ્ય-વૃત્તિથી મૂર્તિ સિદ્ધ કરી છે તેથી તમને વિક્ષેપ પરાભવ કરે છે. હવે તમે આત્માને શુદ્ધ સત્તારૂપ માની એની 'અક્ષરબ્રહ્મ' સંગાથે એકતા કરી એ એકરસ ચૈતન્યમાં શ્રી પુરુષોત્તમનારાયણની દિવ્ય મૂર્તિ ધારો તો સર્વે વિક્ષેપ સદાય માટે વિરામ પામી જશે.* ત્યારબાદ ગુણાતીતાનંદ સ્વામીએ એ પ્રમાણે ધ્યાન કરવા માંડ્યું એટલે દેહાદિકના ભાવ ટળી ગયા ને એમનો દિવ્ય ચૈતન્ય મહારાજની મૂર્તિમાં પ્રતિ ક્ષણ રમણ કરવા લાગ્યો.