૧૫. અમૃત સમીપે

સં. ૧૮૫૯ના કારતક સુદી પ્રબોધિની એકાદશીનો સપરમો દિવસ હતો. બપોરના સમયે જ્યારે ભટ્ટજી નિશાળમાં છોકરાઓને ભણાવી રહ્યા હતા ત્યારે તેમના એક વિદ્યાર્થીએ સમાધિમાં જોયું કે કોઈ વટેમાર્ગુ બ્રાહ્મણ અચલેશ્વર મહાદેવની જગ્યામાં બેઠો છે અને ખુશાલ ભટ્ટને મળવા માટે બોલાવે છે. આ જાણી ખુશાલ ભટ્ટ સમજી ગયા કે, મારા વ્હાલીડાનું તેડું આવી ગયું લાગે છે! ભટ્ટજી તત્કાળ અચલેશ્વર મહાદેવ પહોંચ્યા. આગંતુક બ્રાહ્મણે સંદેશો આપ્યો કે, "શ્રીજીમહારાજે આપને તત્કાળ જેતલપુર બોલાવ્યા છે."

ખુશાલ ભટ્ટે ઘેર જઈ માતા-પિતા તથા પત્નીની આજ્ઞા મેળવી. મોતી ઠાકરને એ વખતે આખા શરીરે દાદર થઈ હતી. જતાં જતાં ખુશાલે પિતાને પ્રણામ કરી એમના આખા ડીલે હાથ ફેરવ્યો. મોતી ઠાકરને દાદરનો દાહ તત્કાળ શમી ગયો. ખુશાલને વિદાય આપવા આખા ગામના લોકો પાદરે આવ્યા. વૃદ્ધ પિતાએ સજળ નેત્રે ખુશાલભાઈને કહ્યું: "ભાઈ, તમને વિદાય દેવા આ બધા ગામ લોકો ભેગા થયા છે, તેમનું પણ હિત કરતા જજો." ખુશાલ ભટ્ટે અમોઘ વરદાન આપતાં કહ્યું: "આ બુઢેલી નદીમાં ટોરડા ગામની હદ લાગશે ત્યાં સુધી પાણી સુકાશે નહિ." ઇતિહાસ સાક્ષી છે- બુઢેલી નદીમાં ટોરડાની હદમાં ક્યારેય પાણી સુકાયું નથી. વરસાદ પડે કે ન પડે નદીમાં પાણી બારે માસ રહે છે.

ત્યારબાદ ખુશાલ ભટ્ટ વટેમાર્ગુ બ્રાહ્મણ સાથે ટોરડાથી નીકળી જેતલપુરને રસ્તે ચાલી નીકળ્યા. રસ્તામાં ખુશાલ ભટ્ટના બાળસખા કહાનદાસ પટેલનું ટાકાટુકા ગામ આવ્યું. ખુશાલે કહાનદાસને પણ પોતાની સાથે લીધો. ત્રણેય જણ રાત્રે માણસા પહોંચ્યા. માણસામાં ખુશાલ ભટ્ટના દૂરના સગા સાંકળેશ્વર ઉપાધ્યાય રહેતા હતા. તેમનાં પત્ની પાનબા પરમ ભગવદીય હતાં. ત્રણેય મહાનુભાવો રાત્રે એમને ત્યાં રોકાઈ બીજે દિવસે બપોરે જમીને નીકળી ગયા. જતી વખતે ખુશાલ ભટ્ટે પાનબાને વર આપ્યો કે, "તમારી કુખે મહાસમર્થ મુક્ત અવતરશે.''* ત્યાંથી નીકળી તેઓ અમદાવાદ તરફ ગયા. રસ્તામાં ખુશાલ ભટ્ટને તેડવા આવેલા પેલા બ્રાહ્મણે ભટ્ટજીની બહુ બરદાસ કરી. જેતલપુર નજીક આવ્યું ત્યારે પેલો વિપ્ર શ્રીજીમહારાજ પાસે જવાનો માર્ગ દૂરથી બતાવી, "હું હમણાં આવું છું, તમે ત્યાં જાઓ" એમ કહી થોડે દૂર જઈ અદ્રશ્ય થઈ ગયો. ખુશાલ ભટ્ટ અને કહાનદાસ પટેલ એણે બતાવેલા માર્ગે દેવ સરોવરના કાંઠે આવેલા મહોલ તરફ ગયા.

એ વખતે મહોલ પાસે આસોપાલવના વૃક્ષ નીચે શ્રીજીમહારાજ ગાદી તકિયે વિરાજમાન હતા. શ્રીજી સન્મુખ સંત હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી. ખુશાલ ભટ્ટ ને કહાનદાસ પટેલ ત્યાં આવ્યા. મહારાજે આંગળીથી ઇશારો કરીને ખુશાલ ભટ્ટને પોતાની પાસે બોલાવ્યા. ભટ્ટજી નજીક આવતાં મહારાજ ઊભા થઈને એમને ભેટી પડ્યા. પછી ખબર અંતર પૂછ્યા, રસ્તામાં જે કાંઈ બન્યું હતું એ બધું શ્રીજીમહારાજે કહી બતાવ્યું. ખુશાલ ભટ્ટ સમજી ગયા કે મને લેવા આવનાર વિપ્ર બીજું કોઈ નહિ, મહારાજ સ્વયં હતા! પછી મહારાજ બોલ્યા: "બોલો યોગીરાજ.... હવે શું કરવું છે?"

"મહારાજ, મારે તો તમારી પાસે રહીને બ્રહ્મવિદ્યા શીખવી છે." બે હાથ જોડીને ખુશાલ ભટ્ટે જવાબ આપ્યો.

"બ્રહ્મવિદ્યા તો તમારામાં અનાદિ કાળથી રહેલી છે, તમે તો બ્રહ્મમૂર્તિ છો યોગીરાજ..." મહારાજે સ્પષ્ટતા કરી.

સભાના અંતે મહારાજ ખુશાલ ભટ્ટને પોતાની સાથે લઈ ગંગામાને ત્યાં જમવા પધાર્યા. જન્મે નાગર બ્રાહ્મણ ગંગામા શ્રીહરિના અનન્ય આશ્રિત હતાં. તેમનું માતૃહૃદય શ્રીહરિ પ્રત્યે પુત્રવત્ વાત્સલ્યભાવથી સભર હતું. આજે જ્યારે મહારાજે ખુશાલ ભટ્ટને પોતાની બાજુમાં પાટલા ઉપર જમવા બેસાડ્યા ત્યારે ગંગામાને એ ન રુચ્યું. એમણે તરત મહારાજને પૂછ્યું: "મહારાજ, તમારી સાથે આ પાટલે ચડીને જમે છે એ જડ જેવો વિવેકહીન બ્રાહ્મણ કોણ છે?" મહારાજ હસીને કહે, "મા, એ જડ નથી. એ તો જડને પણ ચેતન કરે તેવા મહા ચૈતન્યમૂર્તિ છે!" મહારાજના આટલા ખુલાસા પછી પણ ગંગામાને ગામોટ બ્રાહ્મણ જેવા દેખાતા ખુશાલ ભટ્ટમાં પ્રતીતિ ન આવી.

એટલામાં એવું બન્યું કે મહારાજ અને ખુશાલ ભટ્ટ જમતા હતા ત્યારે ગંગામાને ઘડીક મહારાજની જગ્યાએ ખુશાલ ભટ્ટ દેખાય ને ઘડીક ખુશાલ ભટ્ટની જગ્યાએ મહારાજ દેખાય! બન્ને દિવ્યમૂર્તિઓ જમતી રહી ત્યાં સુધી ગંગામાને એવું દેખાતું રહ્યું. કુશાગ્ર બુદ્ધિવાળાં ગંગામા હવે સમજી ગયાં કે આ સામાન્ય દેખાતો બ્રાહ્મણ તો બ્રહ્મમૂર્તિ છે, નહિ તો પરાત્પર પરબ્રહ્મ સાથે આવું તાદાત્મ્ય શીદને સંભવે?

જમીને ઊઠતાં મહારાજે ગંગામાને પૂછ્યું: "મા, હવે તો તમારો સંશય ટળી ગયો ને?" ગંગામા કહે, "હા દીકરા, તેં ખરેખરી કૃપા કરી મારો સંશય ટાળી નાંખ્યો."

જેતલપુરથી બીજે દિવસે શ્રીજીમહારાજ ખુશાલ ભટ્ટને સાથે લઈ ગઢપુર ગયા. થોડા દિવસ ગઢપુરમાં પોતાના સાંનિધ્યમાં રાખ્યા બાદ મહારાજે ખુશાલ ભટ્ટને સત્સંગના પ્રચાર અને પ્રસાર અર્થે વડોદરા મોકલ્યા.