૨૬. શેઠ હેમરાજશા
એકવાર સ્વામીશ્રી ભાલ દેશના સુંદરિયાણા ગામે પધાર્યા હતા. ડોસા ખાચરના દરબારમાં એમનો ઉતારો હતો. ડોસા ખાચરના કારભારી વનાશા વીસા મોઢ વૈષ્ણવ વાણિયા હતા. વનાશા અને પૂંજાશા બન્ને ભાઈઓ શ્રીજીમહારાજના પ્રસંગથી દશેક વર્ષથી સત્સંગી થયા હતા. એમના પિતા શેઠ હેમરાજશા ધર્મે ચુસ્ત વૈષ્ણવ અને વ્યવહારે વણિક જ્ઞાતિના આગેવાન હતા. એ એમ માનતા કે, સ્વામી તો એક વલ્લભ સ્વામી જ, બીજા તો બધા બાવા, ભેખ ને ફકીર. સ્વામિનારાયણના સાધુઓ તો એમને દીઠાય ન ગમતા. આ કારણે જ વનાશા સત્સંગી થયા પછી પણ એમને આંગણે સંતોની કે શ્રીહરિની પધરામણી નહોતી થઈ, અને એ વાતનો એમના અંતરમાં હંમેશાં અજંપો રહેતો હતો. એક દિવસ વનાશાએ સદગુરુ ગોપાળાનંદ સ્વામીને પોતાના અજંપાની આ વાત કરી, ત્યારે સ્વામીશ્રીએ કહ્યું: "વનાશા, તમારા બાપુને મારી પાસે અહીં લઈ આવો તો વાત બને...'
"સ્વામી, બાપુ અહીં આપની પાસે તો કોઈ સંજોગોમાં ન આવે, હું એમને બરાબર ઓળખું છું." વનાશાએ દલીલ કરી.
"ભલે....ભાઈ, એમ કરો....બાપુને કહેજો કે સ્વામીને શરીરે કસર જેવું છે માટે તમને ઔષધ કરાવવા સારું બોલાવે છે, એટલે એ જરૂર આવશે." સ્વામીએ તોડ પાડ્યો.
હેમરાજશા નિપુણ નાડીવૈદ્ય હતા. વનાશાએ સાંજે એમને વાત કરી: "બાપુ, સ્વામીને શરીરે કસર જેવું જણાય છે. તમે જો આવો તો ઠીક; નહિ તો અટાણે ધંધુકાથી વૈદ્ય બોલાવવો પડશે." આ સાંભળી વૈદ્યરાજનું અંતર પીગળ્યું ને એ વનાશા સાથે સહસા ડોસા ખાચરના દરબારમાં આવ્યા. સ્વામી એ વખતે ઢોલણી ઉપર બેસીને વાતો કરતા હતા. હેમરાજશા 'જય શ્રીકૃષ્ણ' કહી સ્વામી પાસે બેઠા. સ્વામી કહે, "શેઠ, અમારા શરીરે કસર જેવું જણાય છે. તમે તો રાજવૈદ્ય છો તો અમારી નાડી જોઈ નિદાન કરો." આમ કહી સ્વામીએ પોતાનો હાથ આગળ ધર્યો, એટલે વૈદ્યે તરત સ્વામીની નાડી ઉપર આંગળી મૂકી. પરંતુ એ સાથે જ એ નિપુણ નાડીવૈદ્ય અચંબામાં પડી ગયા. આ શું? હાથમાં નાડી જ ગાયબ! એટલામાં વૈદ્યરાજને સ્વામીના કંઠમાં નાડી જણાઈ, પણ કંઠ ઉપર આંગળી મૂકી ત્યાં તો ત્યાંથી પણ નાડી છટકી. પછી તો વૈદ્યે સ્વામીના સાથળ, ચરણ, કાન જ્યાં પણ નાડી તપાસવા પ્રયત્ન કર્યો ત્યાં એકે જગ્યાએ નાડી ન મળી. અને છતાંય સ્વામી તો સ્વસ્થતાથી વાતો કર્યા કરતા હતા! હેમરાજશાને હવે કપાળે પરસેવો વળી ગયો. એમને થયું: "યોગવિદ્યાના અભ્યાસુ હઠયોગીઓ શરીરની ક્રિયાઓ ઉપર કાબૂ મેળવે છે એ તો સમજ્યા, પરંતુ આ સ્વામીશ્રીની સિદ્ધિ તો વિરલ છે. અષ્ટાંગ યોગની આવી અભૂતપૂર્વ સિદ્ધિ શ્રીકૃષ્ણ પ્રભુ સિવાય કોઈની સાંભળી નથી. માટે નક્કી આ સંત ઈશ્વરાવતાર જ હોવા જોઈએ."
હેમરાજશાએ સ્વામીનાં ચરણોમાં માથું મૂકી નિર્વિકલ્પ શરણાગતિ સ્વીકારતા પ્રાર્થના કરી: "સ્વામિન્! આપ તો મને સાક્ષાત્ શ્રીકૃષ્ણ જ ભાસો છો. માટે દયાળુ, કૃપા કરી મને આપના શરણમાં લો અને 'બ્રહ્મસંબંધ' આપો." સ્વામીએ હેમરાજશાને ઊભા કરી પાસે બેસાડતાં કહ્યું: "શેઠ, ભગવાન તો એક સહજાનંદ સ્વામી જ છે, હું તો એમનો દાસ છું. તેઓ હાલમાં ગઢડા બિરાજે છે. આપ તેમને શરણે જાઓ. શ્રીહરિજી આપને જરૂર 'બ્રહ્મસંબંધ' આપશે."
શ્રીજીમહારાજ પાસે 'બ્રહ્મસંબંધ' લઈને શેઠ હેમરાજશા સત્સંગી બન્યા. સમય જતાં પોતાની અનન્ય નિષ્ઠા અને પ્રજ્ઞા વડે એ સંપ્રદાયના નોંધપાત્ર સત્સંગી બન્યા. મહારાજે એમની નિષ્ઠાની પ્રશંસા વચનામૃતમાં પણ કરી છે.