૧૩. પ્રભુતામાં પગલાં
ખુશાલ ભટ્ટની પચ્ચીસ વરસની વયે એમના પિતાશ્રી મોતી ઠાકરે એમના વિવાહ મહા સુદ વસંત પંચમીના શુભ દિવસે ચિત્રોડા ગામના વ્યાસ કુટુંબની કન્યા કુશળબા સાથે નક્કી કર્યાં. ભટ્ટજીને આ વાતની ગંધ આવી જતાં તેઓ ધારેશ્વરના ડુંગરોમાં કોઈ અગમ્ય સ્થળે ભૂગર્ભમાં ચાલ્યા ગયા. ઘણે દિવસે તેમની ભાળ એક ભરવાડ દ્વારા મળતાં મોતી ઠાકર તથા જાગીરદાર પહાડસિંહજી ત્યાં જઈને તેમને સમજાવીને ઘેર લઈ આવ્યા.
બે મહિના બાદ ખુશાલ ભટ્ટનાં લગ્ન થયાં. લગ્ન પછી શ્વસુરગૃહે કુશળબાનું નામ બદલીને આદિત્યબા રાખવામાં આવ્યું. લગ્ન પ્રસંગે ટોરડાના જાગીરદાર પહાડસિંહજીએ ખુશાલ ભટ્ટને પાંચ વીઘા જમીન કૃતાર્થભાવે અર્પણ કરી.