૨૯. ઉદાર મતવાદી
સ્વામીશ્રી ઘણીવાર એમ કહેતા કે, "શ્રીહરિજીની પ્રસન્નતા માટે એમની આજ્ઞા અનુસાર સર્વેએ ધર્મનિયમનું અણિશુદ્ધ પાલન કરવું જ જોઈએ. એમાં શિથિલતા જરાય ન ચાલે, પરંતુ જો ક્યારેક કોઈનાથી કોઈ વર્તમાનનો ભંગ થઈ જાય તો એનું યથોચિત પ્રાયશ્ચિત્ત કરાવી તેને સુધરવાની તક અવશ્ય આપવી જોઈએ." આમ સ્વામીશ્રી ઉદાર મતવાદી હતા.
એકવાર હમીર નામના એક ભક્તથી વર્તમાન ભંગ થવાથી એને સત્સંગમાંથી વિમુખ કરવામાં આવ્યો. હમીરે સાચા હૃદયથી પ્રાયશ્ચિત્ત કર્યું ને પોતાને પુન: સત્સંગમાં અપનાવવા પ્રાર્થના કરી, ત્યારે બધાના સખત વિરોધ વચ્ચે પણ સદગુરુ સ્વામીશ્રીએ હમીરને ક્ષમા અપાવી સત્સંગમાં પાછો આણ્યો.
સ્વામીશ્રીનું કહેવું એમ હતું કે, "પાપનું પ્રાયશ્ચિત્ત કરાવ્યા પછી પણ જો આપણે હમીરને સત્સંગમાં નહિ અપનાવીએ તો એ નિરાશ થશે અને અંતે કુસંગીઓના સંગથી કલ્યાણના માર્ગથી ભ્રષ્ટ થશે. એને બદલે આપણે તેને અપનાવી આપણી વચ્ચે રાખીને સુધારીએ એ જ યોગ્ય નિર્ણય છે." સ્વામીશ્રીના આવા સમયસૂચક વ્યવહારુ નિર્ણયો મહારાજને બહુ રુચતા!