૪. બાલ્યકાળ

જન્મના ત્રણ મહિનાથી જ ખુશાલ ક્યારેક બાળ-સહજ ભાવે તો ક્યારેક અલૌકિક ભાવે એવા ચરિત્ર કરતા કે જોનાર અને સાંભળનાર બન્નેયને એ ચમત્કૃતિ જેવા લાગતા! હકીકતમાં દિવ્યાત્માઓ ક્યારેય લૌકિક ચમત્કારો સર્જતા નથી, પરંતુ તેઓ એવી દિવ્યતમ ઉચ્ચ ભૂમિકા પર વસતા હોય છે કે ક્યારેક એમની સ્વાભાવિક ચેષ્ટાઓ પણ સામાન્ય જીવોને અલૌકિક અને અગમ્ય પ્રભાનાં દર્શન કરાવે છે જેને ચમત્કાર માનવામાં આવે છે.

એકવાર ત્રણ મહિનાના બાળ ખુશાલને ઘોડિયામાં સુવડાવી જીવીબા પાણી ભરવા ગયાં હતાં, ઘરમાં બીજું કોઈ નહોતું. જીવીબા પાછાં આવ્યાં ત્યારે એમણે જોયું કે એક નાગ ફેણ ચડાવી ખુશાલના માથા ઉપર છત્રછાયા કરીને બેઠો હતો અને નિજાનંદમાં મસ્ત ખુશાલ જમણા પગનો અંગૂઠો ચુસતા હતા. જીવીબા આવ્યાં એટલે નાગ ધીમેથી ચાલ્યો ગયો.

ખુશાલ એક વર્ષના થયા ત્યારે એકવાર રાત્રે ચોર મોતી ઠાકરના ઘરમાં ખાતર પાડી અંદર ઘૂસ્યા, ત્યાં તો પ્રચંડ ધડાકા સાથે ખુશાલના મુખારવિંદમાંથી તેજ નીકળ્યું. ચોર તો ગભરાઈને એવા ભાગ્યા કે પાછા વળીને ક્યારેય ટોરડા ગામમાં પણ આવ્યા નહિ.

બાળ ખુશાલ ગૌર વર્ણના હતા. અણિયાળી નાસિકા, ઝીણી વેધક આંખો ને તેજસ્વી મુખાકૃતિ! શરીરનો બાંધો એકવડિયો હતો, પરંતુ પહેલેથી ઊંચાઈ સારી હતી. મોતી ઠાકરને પ્રસંગોપાત આ તેજસ્વી પુત્ર અંગે ગાયત્રીદેવીએ જે અગમવાણી ઉચ્ચારેલી તેની એંધાણી મળ્યા કરતી, છતાં પણ માયાના આવરણને લીધે ફરી પુત્રભાવ આવી જતો.*