૩૬. સહજ અષ્ટાંગ યોગ
યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા ને સમાધિ એ અષ્ટાંગ યોગનાં આઠ અંગો છે. શ્રીજીમહારાજે વચનામૃતમાં અષ્ટાંગ યોગને સાધનરૂપ માન્યો છે અને નિર્વિકલ્પ સમાધિને એના ફળરૂપ કહી છે.* જ્યારે નિર્વિકલ્પ સમાધિ થાય છે ત્યારે પ્રાણનાં નિરોધ દ્વારા ચિત્તનો નિરોધ થાય છે, પરંતુ જો ચિત્ત નિર્વાસનિક થઈને ભગવાનના સ્વરૂપમાં જોડાય તો તે ચિત્તના નિરોધ દ્વારા પ્રાણનો નિરોધ થાય છે. માટે ભગવાનના સ્વરૂપમાં અખંડ ચિત્તવૃત્તિ જોડવાથી અષ્ટાંગ યોગ વગર સાધે સધાઈ જાય છે. તેથી જ ગોપાળાનંદ સ્વામીએ પોતે સ્વતઃસિદ્ધ યોગી હોવા છતાં ક્યારેય અષ્ટાંગ યોગનું પ્રવર્તન સંપ્રદાયમાં કર્યું નહોતું. તેઓશ્રીએ હંમેશાં પોતાના શિષ્યોને પ્રતિલોમ ધ્યાન પ્રણાલિ દ્વારા જ શ્રીહરિની મૂર્તિમાં જોડ્યા હતા.