૬. યજ્ઞોપવિત સંસ્કાર
શાસ્ત્રના વિધાન મુજબ પાંચમા વર્ષે મુડેટીના ભોલાનાથ શુકલના હસ્તે ખુશાલનો યજ્ઞોપવિત સંસ્કાર કરવામાં આવ્યો. જનોઈ ધારણ કરતી વખતે શુકલે સંકલ્પ કરાવ્યો: ‘मंत्रानुष्ठा सिधर्य्थे यज्ञोपवितम् धारयामि ।' ત્યારે ખુશાલભાઈ બોલ્યા: "घनश्यामप्रभुप्रित्यर्थे यज्ञोपवितम् धारयामि ।' એક પાંચ વર્ષનું બાળક વિદ્વાન શાસ્ત્રીના સૂચનમાં હિંમતભેર સ્વેચ્છાએ યથાયોગ્ય ફેરફાર કરી પ્રભુ પ્રિત્યર્થે યજ્ઞોપવિત ધારણ કરવાનો સંકલ્પ લે એ જોઈને શુકલનો અહંકાર ઘવાયો. એમણે ખુશાલે કરેલા સંકલ્પની ટીકા કરી. ખુશાલને થયું: "શુકલજીની ગેરસમજ દૂર કરવી જરૂરી છે." એટલે ખુશાલે શુકલ સામે મેષોન્મેષ જોયું ત્યાં તો શુકલબાપા મૂર્છિત થઈને ઢળી પડ્યા. યજ્ઞમંડપમાં હો હા થઈ ગઈ. થોડી વારે શુકલબાપા જાગ્યા. ઊઠીને એમણે પહેલાં ખુશાલની ક્ષમા યાચતા પ્રાર્થના કરી: "ભાઈ, મને ક્ષમા કરજે. હું તને ઓળખી ન શક્યો ને અજ્ઞાનવશ તારી ટીકા કરી બેઠો. મેં જીવનભર વૈદિક કર્મ કરાવ્યું પણ તારા ઘડીભરના સહવાસથી જે અનુભૂતિ થઈ એવી ક્યારેય નથી થઈ!" એ વખતે મોતીરામ અને દત્તરામ પણ ત્યાં જ ઊભા હતા. મોતી ઠાકરે પૂછ્યું: "શુકલજી, શું થયું?" શુકલ મોતી ઠાકરને ખભે હાથ મૂકી બોલ્યા: "મોતી ઠાકર, આવા દૈવી પુત્રને જન્મ આપવાનું સદભાગ્ય તમને મળ્યું માટે તમે ધન્ય છો! હમણાં ખુશાલના પ્રતાપે મને સમાધિ થઈ હતી. એમાં મને કૈલાસમાં સદાશિવ ભોળાનાથનાં દર્શન થયાં. ભોળાનાથે મને ઠપકો આપતાં કહ્યું:
ખુશાલ તો મહામુક્ત છે, એમને તું શું ઉપદેશ કરે છે? આ બીલીપત્ર લઈ જઈ એમના મસ્તકે ચડાવી દેજે એટલે ઉપવિત સંસ્કાર પૂર્ણ થશે." આમ કહી શુકલજીએ એ પ્રસાદીભૂત બીલીપત્ર ખુશાલના મસ્તકે ચડાવ્યું ને પછી બે હાથ જોડી પ્રાર્થનાપૂર્વક નમસ્કાર કરીને બોલ્યા: "હે પ્રણવ પ્રભુ, મારું કલ્યાણ કરજો." બાળ ખુશાલ અત્યંત નમ્રતાપૂર્વક શુકલજીના બે હાથ પકડી લઈ આંખે સ્પર્શ કરતાં બોલ્યા: "શુકલબાપા, તમે તો મારા ઉપવિત સંસ્કારના ગુરુ છો, તમારે મને આવું કહેવું ન ઘટે! હું પ્રણવ પ્રભુ નથી, પ્રણવ પ્રભુ તો અયોધ્યા પાસે છપૈયામાં પ્રગટ થઈ ચૂક્યા છે. હું તો એમનો સેવકમાત્ર છું." યજ્ઞમંડપમાં બધા આ સાંભળતા હતા, પરંતુ કોઈને આ વાત યથાર્થ સમજાઈ નહિ, પરંતુ બધાંએ ટૂંકમાં એમ જરૂર જાણ્યું કે આ છોકરો ખુશાલ જરૂર કોઈ ઊંચો આત્મા છે!