૩૭. સર્વોત્કૃષ્ટ પરમહંસ
સ્વધામ જવાનો સંકલ્પ કરીને શ્રીજીમહારાજે સં. ૧૮૮૬ના પોષ સુદ બીજથી ગઢડામાં મંદવાડ ગ્રહણ કર્યો. દરેક વસ્તુઓમાંથી વૃત્તિ પાછી ખેંચી; અત્યંત ઉદાસીનતા ગ્રહણ કરી, શ્રીહરિ અત્યંત નિઃસ્પૃહપણે વર્તવા લાગ્યા. એ દિવસથી માંડીને શ્રીજીમહારાજે એવી લીલા કરવા માંડી કે ક્યારેક અન્ન જમે તો ક્યારેક ફળ જમે, ક્યારેક પાંદડાં જમે તો ક્યારેક દિવસો સુધી નિરાહાર ઉપવાસ કરે! કાંઈ જ નિશ્ચિત નહિ. એ સિવાય મહારાજ અક્ષરઓરડીમાં રાતદિવસ ઢોલિયા પર માથે ચાદર ઓઢીને સૂઈ રહેતા. નહિ કોઈને મળવાનું, નહિ કોઈ સાથે બોલવાનું. સંતો રાતદિવસ મહારાજની તહેનાતમાં મહારાજ પાસે બેસી રહેતા ને જ્યારે મહારાજ આંખો ખોલી જુએ ત્યારે એમને કંઈક આહાર લેવાની આજીજી કર્યા કરતા. આમ ને આમ પાંચ મહિના વીતી ગયા. સત્સંગમાં ચારેકોર ગ્લાનિ છવાઈ ગઈ હતી. સં. ૧૮૮૬ના જેઠ સુદ ૯, સોમવારની મધ્યરાત્રિએ અક્ષરઓરડીમાં મહારાજની સામે સદગુરુ ગોપાળાનંદ સ્વામી તથા સદગુરુ નિત્યાનંદ સ્વામી, શુક મુનિ અને એક હરિભક્ત બેઠા હતા. ત્યાં તો મહારાજે મુખારવિંદ પરથી ચાદર હટાવી સ્વામીશ્રી સામે જોયું એટલે શુક મુનિએ મહારાજને થોડાંક ફળ ધર્યાં. એ જોઈ મહારાજ બોલ્યા: "હવે અમારે જમવું નથી ને દેહ પણ રાખવો નથી. શા સારુ કનડો છો?" ત્યારે ગોપાળાનંદ મહામુનિ બે હાથ જોડીને પ્રાર્થના કરતાં બોલ્યા: "ભલે મહારાજ, જેવી આપની મરજી! અમારું તો જે થવાનું હશે તેમ થાશે." સ્વામીશ્રીની આવી વિષાદમય વાણી સાંભળીને મહારાજ ઢોલિયામાં બેઠા થઈ ગયા ને સજળ નેત્રે બોલ્યા: * "સ્વામી, તમારા ઉપર તો અમે બહુ રાજી છીએ. આપણે તો અખંડ ભેળા જ છીએ. તમે ઊઠીને આમ બોલશો એ કેમ ચાલશે? અમારા અંતર્ધાન થયા પછી તમારે જ અમારા પ્રતિનિધિ તરીકે રહી સત્સંગમાં સાધુ, સત્સંગી અને આચાર્યોને સ્વધર્મમાં પ્રવર્તાવવાના છે. ખરું કામ તો અમારા ગયા પછી જ તમારે કરવાનું છે. સંપ્રદાયનું બંધારણ સુવ્યવસ્થિત કરી અમારા સર્વોપરી સ્વરૂપની દ્રઢ ઉપાસના સત્સંગમાં પ્રવર્તાવવાની છે. એ વિના અમારો આ દાખડો સુફળ કેમ થાશે? અને સ્વામી, જ્યાં સુધી આ મહત્ કાર્ય પૂરું ન થાય ત્યાં લગી ધામમાં આવવાનો સંકલ્પ ન કરતા."
શ્રીજીમહારાજે સં. ૧૮૮૬ના જેઠ સુદ ૧૦, મંગળવારના મધ્યાહ્ને દેહોત્સર્ગ કર્યો એ પહેલાં, એ દિવસે સવારે, અક્ષરઓરડીમાં બન્ને આચાર્યો તથા સર્વે સંત હરિભક્તોને બોલાવી અંતિમ ભલામણ કરતાં સર્વેને કહ્યું: "આ ગોપાળાનંદ સ્વામી બહુ મોટા સાધુ છે, એમને અમે બન્ને દેશના મધ્યસ્થી તરીકે સ્થાપીએ છીએ. અમારા આશ્રિત એવા તમો સર્વેએ એમની આજ્ઞામાં રહેવું, અને જે એ રીતે નહિ રહે તે અમારો ભક્ત નથી એમ જાણવું." આમ કહી મહારાજે બન્ને દેશના આચાર્યોના કાંડા પકડીને સ્વહસ્તે સ્વામીશ્રીને એ સોંપ્યા. પછી મહારાજે સદગુરુ મુક્તાનંદ સ્વામી આદિક મોટેરા સંતો, મૂળજી બ્રહ્મચારી ઇત્યાદિ બ્રહ્મચારી સંતો તથા ભગુજી, દાદાખાચર વગેરે હરિભક્તોને વ્યક્તિગત બોલાવી સર્વેને સદગુરુ ગોપાળાનંદ સ્વામીની આજ્ઞામાં રહેવાની ભલામણ કરી. એ સર્વેએ મહારાજને પ્રતિજ્ઞાપૂર્વક ખાતરી આપી કે, "હે પ્રભુ, અમે સર્વે આપની આજ્ઞાનું શબ્દશઃ પાલન કરીશું." ત્યારે મહારાજે પ્રસન્ન થઈને કહેલું: "જો એમ જ કરશો તો તમારું અવશ્ય કલ્યાણ થશે." આ આખોય પ્રસંગ સ્વામીશ્રીનું સર્વોત્કૃષ્ટ પરમહંસપણું બહુ સમ્યક્ રીતે સિદ્ધ કરે છે.
સ. ગુ. મંજુકેશાનંદ સ્વામી 'નંદમાલા'માં સ્વામીશ્રી વિષે નોંધતાં લખે છે:
"ગોપાળાનંદ મુનિ ગંભીર, પૂરવના યોગી, અતિ શૂરવીર; ત્યાગી ને તપસ્વી ધરે હરિ ધ્યાન, હરિની ભક્તિ કરે બુદ્ધિવાન. જાણે વેદશાસ્ત્ર પુરાણના અર્થ, કરી શ્રીમદભાગવત ટીકા સમર્થ. જેણે કર્યું ભગવદ્ ગીતાનું ભાષ્ય, અતિ ગૂઢાર્થ કિધા પ્રકાશ."
સ્વામીશ્રીનું વિશદ્ વ્યક્તિત્વ કવિએ અહીં સંક્ષિપ્તમાં બહુ સુંદર રીતે અભિવ્યક્ત કર્યું છે.