૨૮. અનુવૃત્તિમાં અગ્રેસર
ગઢપુરમાં એકવાર શ્રીજીમહારાજે દાદાખાચરના દરબારમાં નાના-મોટા સૌ સંતોને બોલાવીને પૂછ્યું: "સંતો, દાદાખાચરના એક વ્યવહારિક કામે મુંબઈ જવું પડે તેમ છે. જો તમારામાંથી કોઈ સાધુ જાય તો અમારે જાવું ન પડે." આ સાંભળી બધા સંતો આઘાપાછા થવા લાગ્યા. કોઈ કહે 'મારે ભણવું છે' તો કોઈ કહે 'મારે લખવાનું બાકી છે' અંતે બ્રહ્માનંદ સ્વામીએ મહારાજને કહ્યું: "મહારાજ, એક યોગી જાય એવા છે." મહારાજ કહે, "બોલાવો તેમને!" ઘેલાના ઉગમણે ખળખળિયે બેસીને યોગ સાધના કરતા યોગેશ્વર ગોપાળાનંદ સ્વામીને બોલાવવામાં આવ્યા. મહારાજે ગોપાળાનંદ સ્વામીને પૂછ્યું: "સ્વામી, તમે દાદાખાચરના વ્યવહારિક કામે મુંબઈ જશો?" સ્વામીએ તરત હા પાડી. મહારાજે વળી પૂછ્યું: "સ્વામી, તમારા મંડળમાં કેટલા સાધુ છે?" સ્વામી કહે, "ત્રીશ સાધુ છે, મહારાજ!" "એમાંથી કેટલા તમારી સાથે મુંબઈ આવવા તૈયાર છે?" મહારાજે આગળ પૂછ્યું. "ફક્ત સાત સાધુ!" સ્વામીએ જણાવ્યું. મહારાજે અઠવાડિયા સુધી એ સાત સાધુ સમેત ગોપાળાનંદ સ્વામીને પોતાનો પ્રસાદીનો થાળ જમાડી ખૂબ રાજીપો જણાવ્યો. જ્યારે પણ સ્વામીશ્રી મુંબઈ જવા માટે મહારાજની આજ્ઞા માગે ત્યારે મહારાજ અત્યંત પ્રસન્નતા જણાવી એમને રોકી લેતા. અંતે મહારાજે એ કામ માટે લાધા ઠક્કરને મુંબઈ મોકલ્યા ને સ્વામીશ્રીને પ્રસન્નપણે પોતાની સમીપમાં જ રાખ્યા. આમ સ્વામીશ્રીને પોતાની અનુવૃત્તિમાં બહુ વર્તતા જોઈને મહારાજ એમના પર અત્યંત રાજીપો દર્શાવતા.