૩૨. પ્રાગટ્યના ગર્ભિત હેતુઓ

સં. ૧૮૭૮માં મહારાજે કારિયાણીમાં સમૈયો કર્યો હતો.* એ વખતે મહારાજે એક દિવસ સદગુરુ ગોપાળાનંદ સ્વામીને અક્ષર ઓરડીમાં એકાંતે બોલાવી પોતાના પ્રાગટ્યના છ હેતુઓ સમજાવતાં કહ્યું: "સ્વામી, આ બ્રહ્માંડમાં મારું અને તમારું પ્રાગટ્ય કેમ થયું છે તે જાણો છો? આ બ્રહ્માંડ સર્જાયાને ઘણો કાળ થવા છતાં અહીંથી કોઈ જીવો અક્ષરધામમાં આવ્યા નહિ, એટલે અમે દત્ત તથા કપિલ આદિક અવતારોને પૃથ્વી પર મોકલ્યા. પરંતુ તેમને ભજીને પણ કોઈ ધામમાં ન આવ્યું. પછી ત્રેતાયુગમાં રામચંદ્રજીને મોકલ્યા. તે અગિયાર હજાર વરસ આ પૃથ્વી પર રહ્યા છતાં એકાંતિક ધર્મ પ્રવર્તાવી ન શક્યા. કળિયુગમાં શ્રીકૃષ્ણને મોકલ્યા, તે સવા સો વરસ રહ્યા, છતાંય અમારી ઉપાસના પ્રવર્તાવી ન શક્યા. અક્ષરધામમાં એકવાર તમે અમને કહ્યું: પ્રભુ, આપ સ્વયં આ બ્રહ્માંડમાં પધારો તો જ આ બ્રહ્માંડના જીવો આપને ભજીને આત્યંતિક કલ્યાણ પામી અક્ષરધામમાં આવે ત્યારે અમે તમને કહેલું: મુક્તરાજ, જ્યારે અમે આ બ્રહ્માંડમાં પ્રગટ થઈશું ત્યારે તમારે પણ ત્યાં આવવું પડશે. ત્યાં અમારી સર્વોપરી ઉપાસના પ્રવર્તાવવાનું કામ તમારે કરવાનું છે. માટે સ્વામી, આપણે અહીં એકાંતિક ધર્મ પ્રવર્તાવી સર્વનું આત્યંતિક કલ્યાણ કરવા માટે આવ્યા છીએ." એ દિવસથી સ્વામીશ્રીએ મહારાજની આજ્ઞા અનુસાર એમની સર્વોપરી ઉપાસનાનું પ્રવર્તન શરૂ કર્યું.

નિષ્કુળાનંદ સ્વામી મહારાજની આ રહસ્યવાર્તા સાંભળી ગયા હતા, તેથી એમણે પણ પોતાના 'પુરુષોત્તમપ્રકાશ' ગ્રંથમાં અંતે લખી નાખ્યું કે, 'આનંદ આપ્યો અતિ ઘણો રે, આ સમામાં અલબેલ પુરુષોત્તમ પ્રગટી રે...'