૨૦. વડોદરામાં સત્સંગ--પ્રચાર

સદગુરુ ગોપાળાનંદ સ્વામી સં. ૧૮૫૯માં ખુશાલ ભટ્ટ તરીકે વડોદરા આવેલા, ત્યારબાદ પાંચ વર્ષે સં. ૧૮૬૪માં ભાગવતી દીક્ષા લઈ સાધુવેશે ફરી વડોદરા પધાર્યા. આ પાંચ વર્ષ દરમ્યાન અનેક નોંધપાત્ર બનાવો વડોદરાની તવારીખે નોંધ્યા હતા. પાંચ વર્ષના એ અરસા દરમ્યાન, સૌ પ્રથમ તો દીવાન બાબાજીનાં ગુણિયલ ધર્મપત્ની તુળજાબાઈ અક્ષરનિવાસી થયાં. એના ત્રણ મહિના પછી બાબાજી પોતે અવસાન પામ્યા. બાબાજીના અવસાન બાદ તેમનો પુત્ર વિઠ્ઠલરાવ વડોદરા રાજ્યનો દીવાન બન્યો. આ સિવાય વધુ નોંધપાત્ર ઘટના તો એ હતી કે મહારાજા આનંદરાવ અચાનક અવસાન પામતાં એમના દેહાંત બાદ એમના લઘુબંધુ સયાજીરાવ (બીજા) રાજગાદી પર આવ્યા હતા.

વડોદરા આવીને સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ પોતાના અનન્ય સેવક નાથ પટેલને ઘેર ઉતારો કર્યો. નાથ પટેલ પોતાની અનન્ય ભક્તિનિષ્ઠાને લીધે સત્સંગમાં હવે નાથ ભક્ત તરીકે ઓળખાતા હતા. સત્સંગના પ્રચાર-પ્રસારના અભિનવ અભિયાન માટે સ્વામીશ્રીએ શહેરના અલગ અલગ વિસ્તારોમાં ધર્મસભાઓ યોજી ધર્મપ્રેમી મુમુક્ષુઓને અલભ્ય જ્ઞાનામૃત પીરસવા માંડ્યું. એ દરમ્યાન જન્માષ્ટમીનો દિવસ આવતાં, સ્વામીએ નાથ ભક્તના વાડામાં હિંડોળો બાંધી શ્રીકૃષ્ણ જન્મોત્સવ ઊજવ્યો. હિંડોળામાં લાલજીને પધરાવી સ્વામીએ મહારાજને સંભાર્યા, ત્યાં તો લાલજીને સ્થાને સ્વયં શ્રીહરિએ પ્રગટ થઈ પ્રત્યક્ષ દર્શન દીધાં. જેને જેને પણ આ દિવ્ય દર્શનનો લાભ મળ્યો એ સર્વેએ આખા શહેરમાં સ્વામીશ્રીની અપૂર્વ યોગશક્તિ અને ભવ્ય પ્રેમભક્તિનો મહિમા ગાયો. પરિણામે ગણતરીના દિવસોમાં જ સ્વામીશ્રીની ખ્યાતિ આખા શહેરમાં ફેલાઈ ગઈ.

દીવાન વિઠ્ઠલરાવ તેના પિતા બાબાજીની જેમ જ સ્વામિનારાયણ સંપ્રદાયનો કટ્ટર દ્વેષી હતો. સ્વામીશ્રીની વધતી જતી ખ્યાતિ એ ખમી ન શક્યો. તેજોદ્વેષને કારણે તેણે ઢુંઢુરાવ નામના એક વીરસાધનાવાળા માંત્રિકને પુષ્કળ ધનની લાલચ આપીને મલિન વિદ્યાના પ્રયોગ દ્વારા સ્વામીશ્રીની હત્યા કરવા માટે સાધ્યો. ઢુંઢુરાવ ઉર્ફે ઢુંઢુબા એક દક્ષિણી (મરાઠી) બ્રાહ્મણ હતો અને એ અરસામાં તે વડોદરામાં 'ડંગોરાવાળા મહારાજ' તરીકે ઓળખાતો હતો. તે પોતાની સાથે હમેશાં એક લાલ રંગનો ડંગોરો રાખતો હતો. આ ડંગોરાની વિશિષ્ટતા એ હતી કે જ્યારે પ્રતિસ્પર્ધીની સામે તે ડંગોરો મૂકી મંત્રોચ્ચાર કરતો ત્યારે તે ડંગોરો એની મેળે ઊઠીને સામેવાળાના કપાળમાં ધડાધડ વાગતો હતો, હકીકતમાં તેના આ ડંગોરામાં તેણે એક એવી યાંત્રિક કળ (Mechanical Device) ગોઠવી હતી, જેથી જેની સામે તે મૂકવામાં આવતો તેને અમુક ક્ષણો બાદ ઊછળીને તે વાગતો.

બીજે દિવસે જ્યારે ગોપાળાનંદ સ્વામી અડાણિયાના મેદાનમાં પીપળાના ઝાડ નીચે હજારો માણસોની સભામાં બેસીને પ્રગટ ભગવાનના મહિમાની વાતો કરતા હતા, ત્યારે એ ડંગોરાવાળો ઢુંઢુબા ત્યાં આવ્યો. તેણે હાથમાં તાંબાના ને લોઢાનાં ત્રણ-ચાર કડાં પહેરેલાં, કપાળમાં સિંદૂરનો સાથિયો કરેલો, લોહી જેવું લાલચોળ એક પિતાંબર પહેરેલું અને એક ઓઢેલું તથા માથે જરિયાની કાનટોપી પહેરી હતી. મદ્યપાન કરવાથી તેની આંખો લાલ અંગારા જેવી મહા વિકરાળ ભાસતી હતી. ક્રોધાવેશમાં સભામાં આવી તે સ્વામીશ્રી સામે ઊંધા પગે વીર આસનમાં હોઠ પીસીને બેઠો ને પછી બોલવા લાગ્યો: "આ મારો ડંગોરો જોયો છે.... તે પોતાની મેળે ઊછળીને પાખંડીઓના કપાળ ફોડે છે. માટે તમે તમારાં બધાં તૂત છોડીને અહીંથી ભાગો, નહિ તો ડંગોરો તમારો સગો નહિ થાય...." સ્વામીએ સ્મિત કરીને કહ્યું: "અમે તો ભગવાન ભજીએ છીએ ને ભજાવીએ છીએ. છતાંય તમારી ઇચ્છા હોય તો ભલે ડંગોરો....' સ્વામી આટલું બોલે છે એટલામાં તો ઢુંઢુબાએ ડંગોરો મૂકી ઠેસ દાબીને છોડ્યો. ત્યાં તો ડંગોરો સ્વામીશ્રી પાસે જવાના બદલે એ હૈયાસૂના ઢુંઢુબા પાસે જઈ તેના જ કપાળમાં ધડાધડ વાગવા લાગ્યો. દૈવયોગે ઉતાવળમાં ઢુંઢુબાએ ડંગોરાની મૂઠ સ્વામીની સામે મૂકવાને બદલે પોતાની સામે મૂકી હતી. ડંગોરો વાગવાથી તેને તમ્મર આવી ગયા, કપાળમાંથી દડ દડ લોહી નીકળવા લાગ્યું. તત્કાળ એ ત્યાંથી ભાગીને ઘેર જતો રહ્યો.

ઢુંઢુરાવની પાંચ વર્ષની દીકરી મથુરાં દૈવી આત્મા હતી. એને અનાયાસે સદગુરુ ગોપાળાનંદ સ્વામીનો દિવ્ય પ્રસાદ પ્રાપ્ત થયો, પ્રસાદ આરોગતાં જ મથુરાંને સમાધિ થઈ ગઈ. મહાતેજમાં તેને શ્રીહરિનાં દિવ્ય દર્શન થયાં. પછી તો એને નિરંતર સમાધિ થવા લાગી. સમાધિમાં નિત્ય નવીન અલૌકિક ઐશ્વર્ય એને દેખાતા. શ્રીહરિની કૃપા થતાં એનામાં સ્વયંભૂ જ્ઞાન પ્રગટ થયું. તેણે પોતાના પિતાને ગોપાળાનંદ સ્વામીનો આશ્રય કરવા માટે સમજાવ્યા. બાળકીના મુખેથી પ્રગટ થતી પ્રખર જ્ઞાનની અસ્ખલિત સરવાણી સાંભળી ઢુંઢુરાવ પ્રભાવિત થયો. બીજે દિવસે એણે સ્વામીશ્રી પાસે જઈ ક્ષમા માગી. સ્વામીએ એને વર્તમાન ધરાવી સત્સંગી કર્યો.* જેના અનુગ્રહ માત્રથી જ પાંચ વર્ષની બાળકીનો આત્મા યોગેશ્વર જેવા ઐશ્વર્ય પામી પરમાત્માના દિવ્ય ધામમાં સ્થિત થયો એ સંત કેવા હશે, એમની મહત્તા, એમનો મહિમા કેટલો અપરંપાર હશે એ આ ઉપરથી સહેજે સમજી શકાય તેમ છે!

વડોદરાના મહારાજા સયાજીરાવ (બીજા) એ વખતે વયે નાના હોવાથી દીવાન વિઠ્ઠલરાવનાં સલાહ-સૂચન પ્રમાણે રાજકારોબાર ચલાવતા હતા. પરિણામે વિઠ્ઠલરાવ મહારાજા પાસે પોતાને મનવાંછિત નિર્ણય લેવડાવતો. જો કે એ વખતે રાજદરબારમાં ભાઉ પુરાણિક ને બાબા સાહેબ જેવા સલાહકારો નારુપંત નાના જેવા ખાનગી કારભારી, ચિમણરાવ અને શોભારામ શાસ્ત્રી જેવા વિદ્વાન પંડિતો તથા બાપુરામ ગાર્દી જેવા સેનાપતિ મહારાજાની તહેનાતમાં રહેતા, છતાંય દુષ્ટ દીવાન પોતાની સત્તાની રૂએ એ બધાંયને દબાવીને પોતાનું ધાર્યું કરતો.

દીવાન વિઠ્ઠલરાવ તો શ્રીમંત સરકારને સતત કાન ભંભેરણી કર્યા કરતો કે, "મહારાજ, સ્વામિનારાયણ તો પાખંડ ધર્મી છે. એના સાધુઓ આપણા રાજ્યમાં ગામે ગામ ફરી લોકોને ભરમાવી પોતાના પંથમાં ભેળવે છે. દેવીને બલિ ચઢાવાતો એ બંધ કરાવે છે, એને પરિણામે જો દેવી કોપાયમાન થશે તો સહન તો રાજ્યને જ કરવું પડશે ને? બે વરસથી વરસાદ ક્યાં આવે છે? એનું શું કારણ છે એ વિચારો, મહારાજ! કહ્યું છે ને-- राजा कालस्य कारणम् * જો આપ ઊઠીને રાજ્યમાં આવો પાખંડ ધર્મ ચાલવા દેશો તો પછી અમારે કહેવું કોને? આ ગોપાળ બાવો ઢોંગી છે ને ઇંદ્રજાળ-વિદ્યાથી લોકોને એવું તૂત દેખાડે છે કે લોકો એની આગળ પાછળ ફર્યા કરે છે અને એને ભગવાન માને છે, માટે આપ સરકારે આ અંગે કાંઈક બંદોબસ્ત કરાવવો જોઈએ." શ્રીમંત સરકાર સયાજીરાવે વિઠ્ઠલરાવના આ પ્રસ્તાવના પ્રતિભાવરૂપે ભાઉ પુરાણિક અને નારુપંત નાનાને તથ્યની તપાસ માટે ગોપાળાનંદ સ્વામી પાસે મોકલ્યા. એ બન્ને મહાનુભાવો જ્યારે સ્વામીશ્રી પાસેથી પાછા ફર્યા ત્યારે એમના કંઠમાં તુલસીની બેવડી માળા હતી અને મુખમાં ભગવાન શ્રી સ્વામિનારાયણનું નામ!

દીવાન વિઠ્ઠલરાવનાં બધાં પાસાં ઊલ્ટા પડતાં હતાં. શ્રીમંત સરકાર પણ વિચારમાં પડી ગયા. સાચને આંચ નથી. આ સૃષ્ટિમાં સત્યનો અંચળો ઓઢીને બેઠેલા અસત્યના પૂજારીઓ હંમેશાં સત્યનો વિરોધ કરતા આવ્યા છે. એક ધર્મપ્રણાલીનો આટલો બધો વિરોધ? અને એ પણ તથાકથિત ધર્માચાર્યો દ્વારા જ?

ભાઉ પુરાણિક અને નારુપંત નાનાસાહેબ સ્વામિનારાયણ ધર્મના આશ્રિત બન્યા એટલે વિઠ્ઠલરાવ નાસીપાસ થઈ ગયો. એણે ક્રોધાવેશમાં આવી સેનાપતિ બાપુસાહેબને આદેશ આપ્યો કે ગોપાળાનંદ સ્વામીને તત્કાળ કેદ પકડીને વડોદરાની હદપાર કરવામાં આવે. બાપુરામ ગાર્દી હુકમના અમલ માટે તત્કાળ આરબોની મોટી બેરખ સાથે નાથ ભક્તના ઘેર પહોંચી ગયા. સ્વામીશ્રીએ બાપુસાહેબનું સ્વાગત કરીને નમ્રતાથી કહ્યું: "બાપુસાહેબ, મારા જેવા એક સામાન્ય સાધુ માટે આટલી મોટી ફોજ? મારા જેવા તો સ્વામિનારાયણના હજારો સાધુઓ તમારા રાજ્યમાં ગામેગામ ફરે છે, એ સૌને હદપાર કરવા માટે તમે ક્યાં ક્યાં ભટકશો? માટે મારું માનો, બે ચાર દિવસ પછી રામનવમીના સમૈયા પર અમારા ગુરુ શ્રી સહજાનંદ સ્વામી વડતાલ આવવાના છે, એ વખતે ગામેગામ ફરતા બધા સાધુઓ પણ ત્યાં આવશે. હું પણ એ પ્રસંગે ત્યાં જવાનો છું. એ વખતે તમે ત્યાં આવી શ્રી સહજાનંદ સ્વામીને તમારા રાજ્યમાંથી હદપાર કરો તો તેમની સાથે તેમના સઘળા સાધુઓ પણ તમારા રાજ્યમાંથી હદપાર થઈ જશે." બાપુસાહેબને સ્વામીશ્રીનો પ્રસ્તાવ યોગ્ય લાગ્યો, તેથી તેઓ ત્યાંથી તત્કાળ પાછા ફર્યા.

રામનવમીના સમૈયા પ્રસંગે મહારાજ વડતાલ પધાર્યા. મંદિરના પટાંગણમાં પ્રાતઃકાળે શ્રીજીમહારાજ હજારો સંત-હરિભક્તોની સભામાં બિરાજ્યા હતા, ત્યારે બાપુરામ ગાર્દી પોતાની શસ્ત્રસજ્જ ફોજ સાથે ત્યાં આવી પહોંચ્યા. મહારાજે 'આવો બાપુસાહેબ' કહી એ સ્વમાની સેનાપતિનું સ્વાગત કર્યું, પરંતુ બાપુસાહેબ તો એ વેળા લડાયક મિજાજમાં હોવાથી એમણે આવીને તરત જ ઊભા ઊભા જ હિન્દુસ્તાનીમાં બોલવા માંડ્યું: "સ્વામિનારાયણ જિન્હે કહતે હૈ વો આપ હૈ?" મહારાજે મોહક સ્મિત સાથે હા પાડી એટલે બાપુસાહેબે આગળ ચલાવ્યું: "આપ અપને આપકો ભગવાન કહલાતે હૈ, મગર શાસ્ત્રવિધાન હૈ કિ કલિયુગમેં ભગવાનકા અવતાર નહિ હોતા. અગર આપ ભગવાન હૈ-- પરમેશ્વર હૈ તો મુઝે અપના પરમ ઐશ્વર્ય દીખાઈએ." એ સાંભળી મહારાજે પોતાના જમણા હાથની ચપટી વગાડી, ત્યાં તો બાપુરામ ગાર્દી ધડામ દઈને ધરતી ઉપર ઢળી પડ્યા. પરમ રામભક્ત બાપુસાહેબને સમાધિમાં પોતાના ઇષ્ટદેવ શ્રી રામચંદ્રજીએ દર્શન દઈ ભગવાન શ્રી સ્વામિનારાયણનો યથાર્થ મહિમા સમજાવ્યો. સમાધિમાંથી જાગતાં જ એ શૂરવીર સેનાપતિ શ્રીજીચરણમાં આળોટી પડ્યા. બાપુસાહેબ શ્રીહરિના અનન્ય આશ્રિત બનીને વડોદરા પાછા ફર્યા.

બીજે દિવસે બાપુરામ ગાર્દી સરકાર વાડામાં શ્રીમંત સરકાર સયાજીરાવ ગાયકવાડની તહેનાતમાં હાજર થયા ત્યારે ત્યાં દરબારમાં દીવાન વિઠ્ઠલરાવ તથા હજારો દરબારીઓ પણ બેઠા હતા. એ સર્વેની હાજરીમાં બાપુસાહેબે શ્રીમંત સરકારને પ્રાર્થનાપૂર્વક નિવેદન કરતાં કહ્યું: "મહારાજ! મારા સ્વાનુભવને આધારે સોગંદપૂર્વક કહું છું કે ભગવાન શ્રી સ્વામિનારાયણ સાક્ષાત્ પરબ્રહ્મ છે અને એમના પટ્ટશિષ્ય સદગુરુ ગોપાળાનંદ સ્વામી પરમાત્માનું પરમ સાધર્મ્ય પામેલા સમર્થ સંત છે." પછી દીવાન વિઠ્ઠલરાવ તરફ જોઈને બાપુસાહેબ આગળ બોલ્યા: "દીવાન સાહેબ, ભગવાન સ્વામિનારાયણ તથા તેમના સંતોનો દ્રોહ કરવો એ આપણા અંગત તેમ જ રાજ્યના હિતમાં કદાપિ નથી. ઊલ્ટું એમનો આશ્રય કરવામાં જ આપણું કલ્યાણ છે એમ મને લાગે છે." આ સાંભળી દીવાન વિઠ્ઠલરાવ તો ધૂંવાંપૂંવાં થઈ ગયો. ઘુવડને સૂરજનો ગમે તેટલો મહિમા સમજાવો એ વ્યર્થ જ નીવડે છે! ફરી સયાજીરાવ સામે જોઈ બાપુસાહેબ બોલ્યા: "મહારાજ! આપ ખરેખર મહા ભાગ્યવાન છો તેથી જ ગોપાળાનંદ સ્વામી જેવા સમર્થ સંત આપણા શહેરમાં રહીને અસંખ્ય જીવોનો ઉદ્ધાર કરી રહ્યા છે." એ સાંભળી સહૃદયી સયાજીરાવ બોલ્યા: "બાપુસાહેબ, તમારા જેવા સત્યનિષ્ઠ ને વિશ્વાસપાત્ર પુરુષ આમ કહે છે એટલે એ વાતમાં જરૂર કંઈક તથ્ય હશે એમ હું સ્વીકારું છું."