૧. મહારાજ અને મુક્ત

સં. ૧૮૬૯ની સાલમાં સમગ્ર ગુજરાત તેમ જ સૌરાષ્ટ્રમાં કારમો દુષ્કાળ પડ્યો હતો. સ્વામિનારાયણ સંપ્રદાયની તવારીખમાં તેને 'અગણોતેરો કાળ' તરીકે વર્ણવવામાં આવ્યો છે. એ અરસામાં વરસાદ ન વરસતાં ટીપું પાણી માટે ટળવળતાં ઢોરઢાંખરને બટકું રોટલા માટે રઝળતાં બાળકો બહુ કરુણ દ્રશ્ય સર્જતાં હતાં. દામ દેતાં પણ અન્નપાણીની જોગવાઈ થતી નહોતી.

આવા વિકટ કાળમાં શ્રીજીમહારાજની પ્રેરણા તથા આદેશથી સંતો ગામડે ગામડે ફરી તરસ્યાને જળ ને ભૂખ્યાને અન્ન મળે તે માટે અન્નપાણીની વ્યવસ્થા કરી સદાવ્રત ચલાવતા હતા. આ સમય દરમ્યાન એકવાર સદગુરુ ગોપાળાનંદ સ્વામી ફરતા ફરતા સૌરાષ્ટ્રના એક ગામડામાં આવી ચડ્યા.

અંધારી મેઘલી રાતે ભરદરિયે તોફાનમાં આભને આંબવા મથતાં મોજાંઓને કારણે જ્યારે નાવ ડગમગવા લાગે ત્યારે અચાનક દરિયામાં દૂર સુદૂર દેખાતી દિવાદાંડીનો દિવો જોઈને તોફાનમાં સપડાયેલા મુસાફરોના અંતરમાં જેવી આશા પ્રગટે, જેવી જિજિવિષા જન્મે-- એવી આશાને અંતરની પટારીમાં પૂરી ગ્રામવાસીઓ સ્વામીશ્રી પાસે દોડી આવ્યા.

સ્વામીનાં ચરણોમાં આળોટી ગામધણીએ પ્રાર્થના કરી: "બાપજી, જીવતરનાં અમી આ ધરતી પરથી સાવ સૂકાઈ જાય એ પહેલાં કૃપા કરી ઇંદ્રને આદેશ આપો તો વરસાદ પડે... નહિતર ભક્તિના ઉત્તમ સાધનરૂપ આ મનખો હવે ઝાઝું ટકે એમ નથી." સંતહૃદય તો નવનીત સમાન હોય છે. ભક્તોનો આર્તનાદ સાંભળી સ્વામીનું અંતર પીગળી ગયું. તેમણે કરુણાસભર નેત્રે સૂના આકાશ ભણી મીટ માંડી ત્યાં તો આકાશની અટારીએ અચાનક વાદળીઓનાં તોરણ બંધાવા માંડ્યાં અને ઘડી બે ઘડીમાં તો મુશળધાર વરસાદ તૂટી પડ્યો.

સ્વામીશ્રીના કૃપા-પ્રસાદથી ધન્યભાગી બનેલા ભક્તો એમના ચરણારવિંદમાં લેટી પડ્યા. અહોભાવથી અભિભૂત થયેલા એ દીનદુઃખીઓના અંતરમાંથી અનાયાસે સ્વામીશ્રી માટે પ્રશસ્તિના બે શબ્દો સરી પડ્યા: "સ્વામી, આપે આવા કપરા કાળમાં મેઘ વરસાવી ભારે મહેર કરી.... આપનો પ્રતાપ અદભુત છે, આપનો મહિમા અપરંપાર છે. આપ તો...." ભક્તોને આગળ બોલતા અટકાવી સ્વામીશ્રીએ નિખાલસતાપૂર્વક કહ્યું: "ભાઈઓ, આ મહેર બધી શ્રીજીમહારાજની જ છે, મેં કાંઈ નથી કર્યું. મેં તો ફક્ત તમારા બધાની પ્રાર્થના મહારાજ સુધી પહોંચાડી છે! મારા દ્વારા જે કાંઈ થાય છે તે બધું શ્રીહરિ સ્વયં જ કરે છે. હું તો માત્ર એમનો એક દાસાનુદાસ ભક્ત છું!" સ્વામીશ્રીની વિનમ્રતા એ અબોધ ગ્રામ્યજનોના અંતરને સ્પર્શી ગઈ.

આ પ્રસંગનું સમર્થન કરીને સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી 'ભક્ત ચિંતામણિ'માં અંતે નોંધે છે:

"સત્સંગી કુસંગીએ જાણ્યું,
થયો પર્ચો સહુએ પ્રમાણ્યું.
લાગ્યા ગોપાળ સ્વામીને પાય,
ધન્ય ધન્ય તમે મુનિરાય.
બોલ્યા ગોપાળ સ્વામી તે પ્રત્યે,
જે થયું તે શ્રીજીને સામર્થ્યે.
બીજા થકી તે કાંઈ ન થાય,
ઠાલો ભુલો ફોગટ ફુલાય."*

આમ સ્વામીશ્રીનું સમગ્ર વ્યક્તિત્વ મહારાજમય હતું. આત્યંતિક સ્થિતિમાં મહારાજ અને મુક્ત એ બે જ સનાતન ભેદ (Eternal Entities) રહે છે. મુક્ત સ્થિતિની ચરમ અવસ્થામાં આત્મા, પરમાત્મા સમાકાર ભાગવતી તનુ ધારણ કરી અર્થાત્ પરમાત્માનું સાધર્મ્ય પ્રાપ્ત કરી પરમાત્માના સાકાર સ્વરૂપમાં રસબસ ભાવે તદાકાર રહે છે. મુક્તની આ સ્થિતિને 'અનાદિમુક્ત' કે 'કૈવલ્યમુક્ત' એવી સંજ્ઞા આપવામાં આવી છે.

અનાદિમુક્તની સ્થિતિ એ ભગવાન શ્રી સ્વામિનારાયણ અને તેમના સર્વોત્કૃષ્ટ કક્ષાના ભક્ત વચ્ચેના પ્રગાઢ તાદાત્મ્યની ચરમ અવસ્થા છે. આ સ્થિતિમાં ભગવાન અને ભક્ત વચ્ચે નિત્ય નવીન દિવ્ય આનંદના આદાનપ્રદાનની રસાત્મક અનુભૂતિ કાયમ રહે છે. વળી એ દિવ્યાનંદના આદાનપ્રદાનમાં ભગવાન સુખદાતા અને ભક્ત સુખભોક્તા રહેતા હોવાથી બન્ને વચ્ચે સ્વામી-સેવકભાવ યથાવત્ રહે છે.

પોતાના અનાદિમુક્તો દ્વારા પુરુષોત્તમનારાયણ પૂર્ણપણે પ્રકાશે છે, જ્યારે બીજે બધે પાત્રની તારતમ્યતા પ્રમાણે પ્રકાશે છે. તેથી આવા અનાદિમુક્તોનો પ્રતાપ પુરુષોત્તમનારાયણના પ્રતાપ જેવો જ હોય છે. કહ્યું છે ને કે જેટલું રાજાનું રાજ એટલું જ રાણીનું રાજ!*