૨૪. પ્રગાઢ તાદાત્મ્ય

મહારાજ અને એમના અનાદિ મુક્ત વચ્ચે કેવું પ્રગાઢ તાદાત્મ્ય હોય છે એ સ્વામીશ્રીના જીવનના એક પ્રસંગ ઉપરથી સહેજે સમજાય છે.

આ પ્રસંગ પણ સ્વામીશ્રીના વડોદરાના વસવાટ દરમ્યાનનો છે.* વડોદરામાં સ્વામીશ્રીનો અલૌકિક પ્રતાપ જોઈ અજ્ઞાની ને આસુરી જીવો બળી ઊઠ્યા. તેથી એે વિઘ્નસંતોષી દુરાત્માઓએ કેટલીક મુસ્લિમ સ્ત્રીઓને સમજાવ્યું કે, "આ સાધુ પરોઢિયે અંધારામાં નહાવા નીકળે ત્યારે તમારે એમની નજીક જઈ હો હા કરી એમની ફજેતી કરવી, જેથી એ વિવશ થઈને ગામ છોડી ભાગી જાય." એકવાર વહેલી સવારે જ્યારે સ્વામીશ્રી નહાવા જતા હતા ત્યારે એ નિર્લજ્જ કુલટાઓ હો હા કરતી સ્વામીશ્રીની પાછળ દોડી. સ્વામીશ્રી તો તરત જ નાડી-પ્રાણ સંકેલીને સમાધિમાં ચાલ્યા ગયા. સ્વામીશ્રીને આમ અચાનક અચેતન થઈને પડી જતા જોઈને એ દુષ્ટ સ્ત્રીઓ ગભરાઈને ભાગી ગઈ, પરંતુ પેલા વિઘ્નસંતોષી દુરાત્માઓએ સ્વામીશ્રીના નિશ્ચેતન દેહને એક કપડામાં બાંધીને બંધ ઓરડામાં પૂરી દીધો.

સ્વામીશ્રી નાહીને કલાકો સુધી પાછા ન ફરતાં તેમના મંડળના સંતોને ચિંતા થવા લાગી. સાંજે એ આખું મંડળ વડતાલ શ્રીજીમહારાજ પાસે આવ્યું. ગોપાળાનંદ સ્વામીના લાપત્તાના સમાચાર સાંભળી મહારાજ પણ ઉદાસ થઈ ગયા. એમણે અન્નજળનો સદંતર ત્યાગ કરી દીધો. મહારાજને આમ અત્યંત શોકાતુર થતા જોઈને મંદિરમાં સર્વે સંત હરિભક્તો પણ અત્યંત ઉદાસ થઈ ગયા.

આમ ને આમ ત્રણ ચાર દિવસ વીતી ગયા. પેલા દુરાત્માઓએ જોયું કે સાધુ હજી જાગ્યો નથી એટલે નક્કી એ મરી ગયો લાગે છે, માટે હવે કોઈ જાણે નહિ તેમ એની લાશને ઠેકાણે પાડી દઈએ. આમ વિચારી એ લોકોએ રાતના અંધારામાં સ્વામીશ્રીના દેહને તળાવમાં ફેંકી દીધો. પ્રાતઃકાળે સ્વામીશ્રી સમાધિમાંથી જાગૃત થતાં તળાવમાંથી બહાર નીકળી સીધા વડતાલ તરફ ચાલી નીકળ્યા. સ્વામીશ્રી વડતાલ નજીક આવી પહોંચ્યા ત્યારે શ્રીજીમહારાજે એ વાત અંતર્યામીપણે જાણી લઈને સભામાં હર્ષભેર કહ્યું: "સંતો! ચાલો, સ્વામી આવે છે." આમ કહીને મહારાજ સ્વામીશ્રીનું સામૈયું કરવા ઉતાવળે સામે દોડ્યા. મહારાજની પાછળ સર્વે સંત હરિભક્તો પણ જોડાયા. માર્ગમાં દૂરથી સ્વામીશ્રીને આવતા જોઈને મહારાજે દંડવત્ કરવા માંડ્યા, સ્વામીશ્રી પણ સામા મહારાજને દંડવત્ કરે. પછી મહારાજે ઉતાવળા દોડીને સ્વામીશ્રીને ઉપાડી લીધા ને બાથમાં ઘાલીને મળી ઘણું હેત જણાવ્યું. બે મરમીઓના એ અભૂતપૂર્વ મિલનને જોઈ ત્યાં ઊભેલા સઘળા સંત હરિભક્તોનાં નેત્રો સજળ થયા વિના ન રહ્યાં. પછી મહારાજે સૌને કહ્યું: "બધા એક પછી એક સ્વામીને મળો, આ તો અમારું તન છે." મહારાજના દિલમાં સ્વામીશ્રીનું આવું અપૂર્વ સ્થાન જોઈ સર્વે સંત હરિભક્તો સ્વામીશ્રીનો યથાર્થ મહિમા સુપેરે સમજી ગયા.