૪૨. 'કળવું, કહેવું ને રહેવું'

યોગાભ્યાસને કારણે પાછળની અવસ્થામાં સ્વામીશ્રીનું શરીર અત્યંત કૃશ થઈ ગયું હતું. સં. ૧૯૦૪માં સ્વાસ્થ્ય બગડતાં સ્વામીશ્રીને અઠ્ઠાવીસ ઉપવાસ થયા. સ્વામીશ્રીથી ખોરાકમાં બિલકુલ કાંઈ જ લઈ શકાતું નહોતું. મંદિરમાં સર્વે સંતો ચિંતાતુર હતા. વડતાલ મંદિરના મહંતે સમાધિવાળા સાધુ વિજ્ઞાનદાસજીને વિનંતી કરી કે તમે અક્ષરધામમાં શ્રીહરિને પૂછી આવો કે યોગેશ્વર સ્વામીશ્રી અંગે આપની શી મરજી છે? વિજ્ઞાનદાસજીને મહારાજે સમાધિમાં કહ્યું કે, "સ્વામીને કહો કે સ્વધામ પધારતી વખતે અમે એમને અમારી સર્વોપરી ઉપાસના તથા એકાંતિક ધર્મ પ્રવર્તાવવાનો જે આદેશ આપ્યો છે એ કાર્ય જ્યારે પૂરું થશે ત્યારે જ અમે તેમને ધામમાં તેડી જઈશું." સ્વામીશ્રીને સોંપવામાં આવેલું આ કાર્ય ઘણું કપરું હતું. મોટા મોટા નંદ સંતો પણ મહારાજને અવતારના અવતારી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ માનવા તૈયાર નહોતા. શિક્ષાપત્રી અને સત્સંગી જીવનની સાખ્ય લઈને તેઓ મહારાજને શ્રીકૃષ્ણનો જ અવતાર ગણાવતા હતા. આવી અત્યંત સંવેદનશીલ પરિસ્થિતિમાં સ્વામીશ્રીએ મહારાજના આદેશ અનુસાર ભગવાન સ્વામિનારાયણની સર્વોપરી ઉપાસના અને એકાંતિક ધર્મનો સત્સંગમાં ગૂઢ રીતે દ્રઢ પ્રચાર આદર્યો. સ્વામીશ્રી એમની ધર્મસભામાં સૂત્રાત્મક શૈલીમાં જ મર્મભરી વાતો કરતા. સ્વામીશ્રી કહેતા કે, "જેને કલ્યાણનો ખપ હોય તેણે કળવું, કહેવું ને રહેવું." ત્યારે કોઈકે પૂછ્યું: "સ્વામી, કળવું, કહેવું ને રહેવું એટલે શું?" સ્વામીશ્રીએ એ સૂત્રનો ગૂઢાર્થ સમજાવતાં કહ્યું: "કળવું એટલે ભગવાનને ઓળખવા. શ્રીકૃષ્ણની સામર્થી જોવી અને અન્ય અવતારોની સામર્થી સાથે સરખામણી કરી પૂર્વાપર વિચાર કરવો. પછી શ્રીકૃષ્ણ અને શ્રીજીમહારાજની સામર્થી તપાસી શ્રીજીમહારાજ સર્વ અવતારોના પ્રેરક અવતારી અને પૂર્ણ પુરુષોત્તમ પરમાત્મા છે એમ દ્રઢ નિશ્ચય કરવો. આ રીતે સમજણપૂર્વક જે જાણવું તેને 'કળવું' કહેવાય. શ્રીજીમહારાજના મોટા એકાંતિક સાધુને ઓળખી એમની સાથે હેત કરવું તેને 'કહેવું' કહેવાય. હવે 'રહેવું' એટલે એવા મોટા સાધુની અનુવૃત્તિ રાખવી, તેમની સેવા કરવી, ભગવાનની આજ્ઞામાં ફેર ન પાડવો તથા શિર સાટે સત્સંગનો પક્ષ રાખવો."

ઉપાસનાની વ્યાખ્યા કરતાં સ્વામીશ્રી કહેતા કે, "નિરંતર ભગવાનનો સંબંધ રાખવો પણ તેમાં જો કાંઈક અંતરાય આવે તો ય પણ જે અંતરાયનો રોક્યો રોકાય નહિ ને નિરંતર ભગવાનનું સમીપપણું રાખે તેને ઉપાસના કહીએ.''*