૨૩. યજ્ઞનારાયણનાં પ્રત્યક્ષ દર્શન

એકવાર વડોદરામાં વિષ્ણુયાગ થતો હતો, ત્યાં અનાયાસે ગોપાળાનંદ સ્વામી પધાર્યા. કોઈકે સ્વામીશ્રીને કુતૂહલવશ પૂછ્યું: "સ્વામી, યજ્ઞનારાયણ કોઈને પ્રત્યક્ષ દર્શન દેતા હશે કે નહિ?" સ્વામીએ કહ્યું: "આહુતિ આપનાર પુરુષ સમર્થ હોય તો યજ્ઞનારાયણ અવશ્ય પ્રત્યક્ષ પ્રગટ થઈને આહુતિ લે!" આ સાંભળી સૌએ સ્વામીશ્રીને પ્રાર્થના કરી કે, આપ કૃપા કરીને યજ્ઞમંડપમાં બિરાજી આહુતિ આપો તો આજ અમને યજ્ઞનારાયણનાં પ્રત્યક્ષ દર્શનનો દુર્લભ લ્હાવો મળે. સૌની લાગણીને માન આપી સ્વામીશ્રીએે યજ્ઞમંડપમાં બિરાજી વેદમંત્રના ઉચ્ચાર સાથે આહુતિ આપવાનો પ્રારંભ કર્યો. સૌના આશ્ચર્ય વચ્ચે યજ્ઞનારાયણ યજ્ઞકુંડની અગનજ્વાળાઓમાં પ્રગટ થઈ સૌને પ્રત્યક્ષ દર્શન દેવા લાગ્યા. યજ્ઞપુરુષની તેજરૂપ પ્રતિમા જ્વાળા વધે ઘટે તેના પ્રમાણમાં તેવડી ભાસતી હતી. સ્વામીશ્રી જ્યાં સુધી સ્વયં આહુતિ આપતા હતા ત્યાં સુધી યજ્ઞનારાયણે સ્વહસ્તે એ આહુતિ સ્વીકારી. સ્વામીશ્રીએ આહુતિ પૂર્ણ કરી એ સાથે જ યજ્ઞનારાયણ અદ્રશ્ય થયા.

આમ સ્વામીશ્રી પોતાના અપાર સામર્થ્યના પ્રતાપે શાસ્ત્રોક્ત માન્યતાઓનો સમ્યક્ સાક્ષાત્કાર કરાવી મુમુક્ષુ સત્સંગીઓની ધર્મનિષ્ઠા અને ઈશ્વરશ્રદ્ધાને વધુ સઘન ને બળવત્તર બનાવતા હતા.