૨૧. મહારાજાને મહત્સંગ

બાપુરામ ગાર્દીના સ્વાનુભવ પછી પણ એ મૂઢ દીવાનના દિલમાં દીવો ન થયો. પરંતુ સદગુણી સયાજીરાવે તો દીવાનને બાજુએ રાખીને ગોપાળાનંદ સ્વામીને મળવાનો નિર્ણય કરી લીધો.

બીજે દિવસે બપોરે ચાર વાગે મહારાજા સરકાર થોડાક અંગત માણસો સાથે વાડીમાં નાથ ભક્તને ઘેર સ્વામીને મળવા માટે આવ્યા. સ્વામીશ્રીએ સરકારને યોગ્ય આવકાર આપી રેશમી ગાદી તકિયાની બેઠકે બેસાડ્યા. મહારાજાએ આવીને પ્રથમ લાલજીની પૂજા કરી ને પછી સ્વામીશ્રીને હાર પહેરાવી એમનું અભિવાદન કર્યું. થોડીક ઔપચારિક વાતચીતના અંતે શ્રીમંત સયાજીરાવે સ્વામીશ્રીને સરકારવાડામાં (રાજમહેલમાં) પધારવાનું આમંત્રણ આપી વિદાય લીધી. ગોપાળાનંદ સ્વામીની રાજમહેલમાં પધરામણી થવાની છે તેવા સમાચાર મળતાં જ દીવાન વિઠ્ઠલરાવના પેટમાં તેલ રેડાયું. તેણે શ્રીમંતને આમ ન કરવા ઘણું સમજાવ્યા, પરંતુ શ્રીમંત તો હવે જે સમજવાનું હતું તે બરાબર સમજી ચૂક્યા હતા.

અનુકૂળતાએ એક દિવસ બપોરે ચાર વાગે ગોપાળાનંદ સ્વામી રાજમહેલના દેવઘરમાં પધાર્યા. દેવઘરના પ્રવેશદ્વાર સુધી સામે જઈને મહારાજા સયાજીરાવે સ્વામીશ્રીનું ભાવભીનું સ્વાગત કર્યું, અને પછી દેવઘર સુધી સાથે ચાલીને દોરી ગયા. ત્યાં સ્વામીશ્રીને ગાદી તકિયે બેસાડી શ્રીમંત એમની સામે ગાલિચા ઉપર બેઠા. હજારો દરબારીઓ તથા સાધુ સંતો પણ સભામાં હાજર હતા. સભામાં સ્વામીશ્રીએ શ્રીહરિના મહિમા સંબંધી ઘણી વાતો કરી. અંતે શ્રીમંત સરકારે બે હાથ જોડીને પ્રાર્થનાપૂર્વક સ્વામીશ્રીને કહ્યું: "સ્વામીજી, આપે આજે મારો મનુષ્ય જન્મ સફળ કર્યો. આજે આપની વાતો સાંભળીને શ્રી સહજાનંદ સ્વામી પરબ્રહ્મ પરમાત્મા છે એવો મારા અંતરમાં નિશ્ચય થયો છે, માટે હવે મને સત્વરે ભગવાન શ્રી સ્વામિનારાયણનો આશ્રિત બનાવી એમનાં દર્શન કરાવવાની કૃપા કરો." ગોપાળાનંદ સ્વામીએ મહારાજા સયાજીરાવને વર્તમાન ધરાવી તુલસીની બેવડી માળા પહેરાવતાં કહ્યું: "રાજન્! સંપ્રદાયના આશ્રિત થવાની આ પ્રાથમિક વિધિ છે. પરમાત્માને જે કૃષ્ણાર્પણ કરવામાં આવે છે તેની ઉપર તુલસીપત્ર મૂકવામાં આવે છે, એ જ રીતે તુલસીની આ બેવડી કંઠી ધારણ કરવાનું તાત્પર્ય એ છે કે એ ધારણ કરીને ભક્ત પોતાનું તન, મન અને આત્મા પરમાત્માને અર્પણ કરી દે છે. પોતાના સર્વસ્વનું સમર્પણ એ જ ભક્તિની પહેલી શરત છે. તમારા અંતરમાં શ્રીહરિનાં દર્શનની જે તીવ્ર ઉત્કંઠા જન્મી છે તે તમારું પરમ સૌભાગ્ય સૂચવે છે. શ્રીહરિ જરૂર વડોદરા પધારી તમારા મનોરથ પૂર્ણ કરશે." આમ મહારાજાને મહત્સંગ કરાવી મહામુનિ ગોપાળાનંદ સ્વામી પોતાના ઉતારે પધાર્યા. એ વખતે સયાજીરાવની ઉંમર માત્ર એકવીસ વર્ષની હતી.