૧૧. ગરીબોના બેલી
એ વખતે ટોરડાના જાગીરદાર તરીકે પહાડસિંહજી હતા. તેઓ ઇડરના મહારાજા ગંભીરસિંહના સામંત હતા. એ જમાનામાં બ્રાહ્મણો મોટેભાગે કર્મકાંડ કરતા યા તો ભિક્ષા માગી ગુજારો કરતા. જે બ્રાહ્મણો લોટ ઉઘરાવતા તેના ઉપર મહારાજાએ વટલોઈ વેરો નાંખ્યો. તેથી ઇડર રાજ્યનાં ૪૪૪ ગામોના હજારો બ્રાહ્મણોએ ભેગા મળી રાજાને વેરો નાબૂદ કરવા ઘણી આજીજી કરી, પણ રાજા ન માન્યા. એ અરસામાં આખાય ઇડર પંથકમાં ખુશાલ ભટ્ટ એક પ્રખર પંડિત, સિદ્ધ યોગી તથા પ્રતાપી મહાપુરુષ તરીકે પ્રખ્યાત થઈ ચૂક્યા હતા. તેથી હતાશ થયેલા હજારો બ્રાહ્મણો ખુશાલ ભટ્ટના શરણે આવ્યા અને મદદ માટે પ્રાર્થના કરવા લાગ્યા. ખુશાલ ભટ્ટ તો ગરીબોના બેલી હતા, તેઓ તત્કાળ ભૂદેવો સાથે ઇડર ગયા ને મહારાજને મળી વેરો નાબૂદ કરવા સમજાવ્યા. પરંતુ મહારાજાએ સત્તાના મદમાં આ મહત્ પુરુષને ન ઓળખ્યા અને એમના પ્રસ્તાવને ઠુકરાવી દીધો.
ખુશાલ ભટ્ટે સઘળા બ્રહ્મસમાજ સહિત ગામ બહાર વાવને કિનારે ઝાડ નીચે ઉતારો કર્યો. સ્નાન-સંધ્યા પતાવી સર્વે પ્રભુસ્મરણ કરવા લાગ્યા, એટલામાં તો રાજકુટુંબનાં સર્વે સભ્યોનાં મળમૂત્ર બંધ થઈ ગયાં. રાજાને અંતઃપ્રેરણા થઈ: આ કોઈ અકસ્માત નથી, ભટ્ટજી દુભાયા તેથી જ આમ બન્યું છે! રાજા તત્કાળ ખુશાલ ભટ્ટ પાસે આવ્યા અને એણે ગદગદ કંઠે માફી માગી વટલોઈ વેરો નાબૂદ કરવાનું વચન આપ્યું. ખુશાલ ભટ્ટના ઐશ્વર્ય પ્રતાપથી પ્રભાવિત થઈ ગંભીરસિંહજી એમના શિષ્ય બન્યા. એમણે ખુશાલ ભટ્ટ પાસે પોતાનું દિલ ખોલ્યું: "મહારાજ! મારે સોળ રાણી છે. છતાંય ઘેર શેર માટીની ખોટ છે. મારો વંશ ચાલુ રહે એવી કૃપા કરો. આપના આશીર્વાદથી જો મને પુત્ર થાય તો આપને મારા રાજગુરુ બનાવી આપના માટે અહીં એક હવેલી બંધાવું અને ખર્ચ સારુ એક ગામની જાગીર આપું." રાજાનો પ્રસ્તાવ સાંભળી ખુશાલ ભટ્ટ હસીને બોલ્યા: "રાજન્! અમે તો ઘરનું જે ઝૂપડું છે તે પણ મૂકી દેવાના છીએ, ત્યાં વળી તમારી હવેલી અને ગામ ગરાસને અમારે શું કરવાં છે? અમારે રાજગુરુ થવાની કોઈ મહત્ત્વકાંક્ષા નથી. અમે તો ગરીબોના બેલી છીએ અને રહીશું. તમારે પુત્રની ઇચ્છા છે ને જો મારા વચનમાં વિશ્વાસ હોય તો માણસાના દરબાર ભારતસિંહ રાઓલની દીકરી ફૂલકુંવર સાથે લગ્ન કરો. એ થકી તમારે ત્યાં એક પુત્ર થશે." આમ રાજા ગંભીરસિંહજીને પુત્ર પ્રાપ્તિ અંગેના અમોઘ આશીર્વાદ આપીને ખુશાલ ભટ્ટ ત્યાંથી તત્કાળ નિસ્પૃહ્યપણે ચાલી નીકળ્યા.
ખુશાલ ભટ્ટના આશીર્વાદથી ગંભીરસિંહજીને ફૂલકુંવરબાથી જુવાનસિંહ નામના કુંવર થયા. જુવાનસિંહજી સ્વામિનારાયણ ભગવાનના એકાંતિક ભક્ત હતા. તેમણે ઇડરમાં રાજમહેલની સામે જ ત્રણ શિખરનું મોટું મંદિર બંધાવ્યું છે. આ પ્રસંગને ઇડર રાજ્યના સત્તાવાર ઇતિહાસનું પણ સમર્થન સાંપડે છે.*