૩૮. સર્વોપરી ઉપાસનાનું પ્રવર્તન

ભગવાન શ્રી સ્વામિનારાયણનાં વચનામૃતોનું સંપાદન સંપ્રદાયના પાંચ પ્રમુખ સંતો-- સદ્. મુક્તાનંદ સ્વામી, સદ્. ગોપાળાનંદ સ્વામી, સદ્. નિત્યાનંદ સ્વામી, સદ્. શુકાનંદ સ્વામી તથા સદ્. બ્રહ્માનંદ સ્વામીએ કરેલું છે. પરંતુ શ્રીહરિનાં એ અમૃત વચનોનો ગૂઢાર્થ તો એ સર્વે મોટેરા સંતોને પણ જ્યારે ગોપાળાનંદ સ્વામીએ સમજાવ્યો ત્યારે જ એ સંતો સમજ્યા હતા. સ્વામીશ્રીએ શ્રીજીમહારાજના સિદ્ધાંતોને આધારે ઉપનિષદો, બ્રહ્મસૂત્રો અને શ્રીમદ્ ભગવદગીતા ઉપર ઉત્તમ ભાષ્યો સંસ્કૃત ભાષામાં રચ્યાં હતાં. મહારાજ સ્વધામ પધાર્યા પછી સ્વામીશ્રીએ મહારાજની આજ્ઞા પ્રમાણે સંપ્રદાયનું સુવ્યવસ્થિત બંધારણ ઘડ્યું, તેમ જ શ્રીહરિની સર્વોપરી ઉપાસનાનું પ્રવર્તન કરવાનો પ્રારંભ કર્યો, પરંતુ સર્વોપરી ઉપાસનાનું એ લક્ષ્યાર્થ જ્ઞાન કેટલાક તત્કાલિન સંતો પચાવી ન શક્યા, એમને સદગુરુ ગોપાળાનંદ સ્વામીનો અતિ અભાવ આવ્યો. અમદાવાદ દેશના મોટા ભાગના સંતો તેમ જ વડતાલ દેશના અમુક સંતોને સ્વામીશ્રી પ્રત્યે વિશેષ અભાવ હતો. તેઓ એમ માનતા કે ગોપાળિયું જ્ઞાન ખુણિયું છે, એ ન સંભળાય. સ્વામીશ્રી એ વખતે મોટા ભાગે વડતાલમાં જ રહેતા હતા.

સં. ૧૯૦૨માં અમદાવાદ દેશના આચાર્યશ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજે અમદાવાદથી પુરાણી નિર્ગુણદાસજી તથા સાધુ વૃંદાવનદાસજી સ્વામીને વડતાલ સદગુરુ ગોપાળાનંદ સ્વામી પાસે સૂત્રભાષ્યની ટીકા ભણવા માટે મોકલ્યા. એ વખતે આચાર્યશ્રીએ પણ સંતોને ટકોર કરી હતી કે, "જો જો હોં, સૂત્રભાષ્યની ટીકા ભણતાં ભણતાં ગોપાળિયું જ્ઞાન તમારા અંતરમાં ઊતરી ન જાય!" બન્નેય સંતો સ્વામીશ્રી પાસે રહી સૂત્રભાષ્યની ટીકા શીખ્યા. સ્વામીશ્રીએ ટીકા ભણાવતાં ભણાવતાં સર્વોપરી ઉપાસનાનું લક્ષ્યાર્થ જ્ઞાન એ બન્ને મહાનુભાવોના અંતરમાં દ્રઢ કરાવી નાખ્યું. પારસમણિના સંપર્કમાં આવે અને લોઢું સુવર્ણ ન બને એવું બને ખરું? એ બન્નેય સંતો જ્યારે અમદાવાદ પાછા ફર્યા ત્યારે સંપૂર્ણત: સ્વામીશ્રીના અંતરંગ શિષ્ય બની ચૂક્યા હતા. સદગુરુ નિર્ગુણદાસજી સ્વામીએ પોતાની વાતોના પુસ્તકમાં સદગુરુ ગોપાળાનંદ સ્વામીના રહસ્ય જ્ઞાનની તથા સ્વામીશ્રીના યથાર્થ મહિમાની નિડરપણે સ્પષ્ટ રજૂઆત કરી છે.