૧૧ પ્રખર બુદ્ધિશાળી

શાળામાં કોઈ રમતું ન હતું. શાળા સાવ શાંત હતી. પરીક્ષાઓ નજીક હતી. વિદ્યાર્થીઓ વાંચવામાં પડ્યા હતા. નારાયણ ભગવાનનું ધ્યાન કરે, કીર્તન ગાય. મિત્રો નારાયણ પાસે આવ્યા, નારાયણને કહે, 'નારાયણ, પરીક્ષા નજીક છે. અને તમે તો વાંચતા જ નથી.' નારાયણ કહે, 'મારે તેની જરૂર નથી.' મિત્રો કહે, 'પછી પરીક્ષા કેવી રીતે આપશો? તમારો દર વખતે પહેલો નંબર આવે છે. વાંચ્યા વગર કેવી રીતે આવડે?' નારાયણ કહે, 'શિક્ષક જ્યારે ભણાવે, ત્યારે હું બરાબર એક ચિત્તે સમજી લઉં. ઘરે જઈ મારી રીતે તેની નોંધપોથી બનાવું. તે નોંધપોથી એક વખત વાંચું એટલે મને બધું જ યાદ રહી જાય. મારે બીજી વખત વાંચવાની જરૂર રહેતી નથી.'

બધા મિત્રો એક સાથે બોલ્યા, 'બસ! એક જ વખત!!' નારાયણ કહે, 'હા, ભગવાનને સંભારી એક વખત વાંચું એટલે મને બધું યાદ રહી જાય.' મિત્રો કહે, 'નારાયણ, અમને તમારી બનાવેલી નોંધપોથી વાંચવા આપશો?' બીજો એક મિત્ર કહે, 'અત્યારે પરીક્ષાના સમયે કોઈ આપતું હશે? તેમને વાચવું ન હોય?' નારાયણ કહે, 'ના રે ના મારે નથી વાંચવાનું. તમે લઈ જાવ. મને તો બધું મોઢે છે.' મિત્રો ખુશ થઈ ગયા. નારાયણની નોંધપોથી જોઈ એક મિત્ર કહે, 'અરે નારાયણ! આવું ક્યાંથી લખ્યું? આવું તો શિક્ષકે નથી શિખવાડ્યું.' નારાયણ કહે, 'એ તો મેં મારી મેળે નોંધપોથી બનાવી છે. બધા વિષયોને મારી સમજ પ્રમાણે સમજાવ્યા છે.' મિત્રો આશ્ચર્યમાં પડી ગયા. એક મિત્ર પૂછવા લાગ્યો, 'નારાયણ, તમે પરીક્ષામાં પેપર કેવી રીતે લખો છો, કે તમારો દર વખતે પહેલો જ નંબર આવે છે?' નારાયણ કહે 'મેં ધ્યાન રાખી બરાબર વાચ્યું હોય, પછી પેપર લખતી વખતે સૌથી પહેલા સ્વામિનારાયણ ભગવાનને પ્રાર્થના કરું.' મિત્રો કહે, 'કેવી પ્રાર્થના? પ્રાર્થનામાં શું કરો?' નારાયણ કહે, 'હું પ્રાર્થના કરું કે, હે મહારાજ! આપ મારી સાથે પેપર લખવા આવો. આવી પ્રાર્થનાથી મહારાજ દિવ્યભાવે ભેળા ભળે. પછી મારાથી સારામાં સારું લખાય. ભગવાન ભળે એટલે પહેલો નંબર જ આવે.'

એક મિત્ર કહે, 'આ વર્ષે મેં બહુ વાચ્યું નથી. હું ભગવાનને પ્રાર્થના કરીશ તો ભગવાન મને પાસ કરી દેશે?' નારાયણ કહે, 'પુરુષાર્થ તો કરવો જ પડે. તો જ ભગવાન ભેળા ભળે અને સારું ફળ આપે. મહેનત કર્યા વગર ભગવાન પાસે માંગીએ તો ભગવાન આપે નહીં. બરોબર મહેનત કરવાની. પછી ભગવાનને પ્રાર્થના કરીએ તો ભગવાન પ્રાર્થના સ્વીકારે.' નારાયણની આવી વાત સાંભળી બધા મિત્રો પરીક્ષાની તૈયારીમાં લાગી ગયા.

---------

અઘરા શબ્દો

સંભારવું = યાદ કરવું.

ભેળા = સાથે

→ મુક્તરાજ શીખવે છે કે, શાળામાં શિક્ષક ભણાવે ત્યારે એક ચિત્તે ભણી, ઘરે તેની નોંધ રાખવી.

→ મેહનત વગર ભગવાન કાર્યમાં ભળતા નથી. મહેનત કર્યા પછી ભગવાનને પ્રાર્થના કરવાથી ભગવાન પ્રાર્થના સ્વીકારે છે.

સ્વાધ્યાય

પ્રશ્નોના ઉત્તર આપો.

(૧) શાળામાં શા માટે કોઈ રમતું ન હતું?

(૨) નારાયણ શું કરતા હતા?

(૩) નારાયણ કેમ વાંચતા નહોતા?

(૪) નારાયણનો પરીક્ષામાં દર વખતે પહેલો નંબર કેવી રીતે આવતો હતો?

ખાલી જગ્યા પૂરો.

(૧) નારાયણ ---------- નું ધ્યાન કરે અને ---------- ગાય.

(૨) શિક્ષક જ્યારે ભણાવે ત્યારે બરાબર ---------- સમજી લઉં, ઘરે જઈ તેની ---------- બનાવું.

(૩) ભગવાનને સંભારી---------- વાચું એટલે બધું ---------- રહી જાય.