૩૯ સંકલ્પમાં સામર્થ્ય
એક યુવક હંમેશાં મામાની સેવામાં આવે. ભણવામાં તેને રસ નહીં. ભગવાનનું ધ્યાન કરવામાં. તેને વિશેષ આનંદ આવે. તેના મનમાં મામાને રાજી કરવાનું એક જ તાન. તેની સેવાથી મામા પણ ઘણા રાજી થાય. પરીક્ષાઓ પૂરી થઈ યુવક મામા પાસે સેવામાં હાજર થઈ ગયો. મામાએ તેને સેવા કાર્ય સોંપી દીધું. મામાએ જોયું કે કાર્યમાં યુવકનું ચિત્ત નથી. મામાએ પૂછ્યું, 'ક્યાં ખોવાયેલો છે? તારું ધ્યાન કામમાં નથી. તું કોઈ ચિંતામાં લાગે છે.' યુવક કહે, 'હા મામા, હું વિચારોમાં જ હતો. મામાએ પૂછ્યું, 'કોઈ તકલીફ છે? મને કહે.' યુવક કહે, 'મામા, મારું ભણવાનું છેલ્લું વર્ષ હતું. પરીક્ષા પૂરી થઈ ગઈ છે. મને થાય છે કે હું પાસ થઈશ કે નહીં?'
મામાએ પૂછ્યું, 'કેમ પેપરો સારા નથી ગયા? બરાબર મહેનત નથી કરી કે શું?' યુવક નીચું જોઈ ગયો. કહે, 'મામા, મને ભણવામાં રસ પડતો નથી. ભગવાનનું ધ્યાન કરવું મને બહુ ગમે છે. તમારી પાસે આવીને સેવા કરવામાં આનંદ આવે છે.' મામા કહે, 'જેવો ઉત્સાહ સેવા કરવામાં દાખવો છો તેવો ભણવામાં પણ રાખવો જોઈએ. જીવનમાં ભણતરનું ઘણું મહત્ત્વ છે. બરાબર ભણો નહીં તો નોકરી ન મળે. જીવન વ્યવહાર ચલાવવો મુશ્કેલ પડે.' યુવક મામાના પગમાં પડી ગયો. કહે, 'મામા, જો હું નપાસ થઈશ તો આખું વર્ષ પાછું એનું એ ભણવું પડશે. જે મને નથી ગમતું. તમે કોઈ માર્ગ કાઢો. તમે મારા તારણહાર છો. હું તમારે શરણે આવ્યો છું.' મામા કહે, 'તમે ભગવાનના સાચા ભક્ત છો. સેવા પણ ખૂબ સરસ કરો છો. ભગવાન તમારા પર ઘણા રાજી છે, પરંતુ ભણવામાં પૂરતી મહેનત તો કરવી જ જોઈએ.' યુવક કહે, 'મામા, હું પાસ થઈ જાઉં તેવા આશીર્વાદ આપો. તમારા આશીર્વાદથી હું જરૂરથી પાસ થઈ જઈશ. મારા પર આટલી કૃપા કરો.' યુવક ગદગદ થઈ મામાને પ્રાર્થના કરવા લાગ્યો. મામાને યુવક પર દયા આવી. કહે, 'સારું. હું ભગવાનને પ્રાર્થના કરીશ. તમારો પરીક્ષાનો સીટ નંબર શું છે?' યુવક કહે, '૪૩૫.' મામા મહારાજની મૂર્તિ પાસે ગયા. થોડીવાર આંખો બંધ કરી ઊભા રહ્યા. યુવકને આશીર્વાદ આપ્યા અને સાકર આપી.
દિવસો વીતતા ગયા. યુવકનું સેવા કાર્ય ચાલતું રહ્યું. રિઝલ્ટનો દિવસ આવી ગયો. યુવકને મામાના વચનમાં સંપૂર્ણ શ્રદ્ધા હતી. તેને વિશ્વાસ હતો હું પાસ થઈ જવાનો છું. કૉલેજમાં રિઝલ્ટ જોવા ગયો. તેને વધારે માર્ક્સની આશા નહોતી. તેણે પાસ ક્લાસમાં નંબર જોવા માંડ્યો. તેમાં નંબર નહોતો એટલે ધ્રાસકો પડ્યો. એક ક્ષણ ધબકારો ચૂકી ગયો. તેને મામા યાદ આવ્યા. ને હિંમત આવી ગઈ. તેણે આગળ જોવા માંડ્યું તો સેકન્ડ ક્લાસમાં તેનો નંબર હતો. તેના આનંદની સીમા ન રહી. મનોમન મામાને વંદી રહ્યો. અચાનક તેને વિચાર આવ્યો. બીજા વર્ષોના ૪૩૫ નંબરોનું શું રિઝલ્ટ આવ્યું હશે? જોયું તો પ્રિપ્રેટરી, એફ.વાય., એસ.વાય. ત્રણેય વર્ષના ૪૩૫ નંબર પણ સેકન્ડ ક્લાસથી પાસ હતા. તેના આશ્ચર્યનો પાર ન રહ્યો. યુવક મામા પાસે આવ્યો. મામાને પગે લાગ્યો. મામાએ પૂછ્યું, 'કેમ? પાસ થઈ ગયા ને?' યુવક આશ્ચર્યચકિત થઈ મામાને કહે, 'મામા, આપ તો પહેલેથી જ બધું જાણો છો. કેવળ આપના આશીર્વાદથી જ હું તો પાસ થયો છું. મને તો પાસ થવાનીએ આશા નહોતી આપે મને સેકન્ડ ક્લાસ અપાવી દીધો.' મામા કહે, 'તમે ભગવાનના ખરા ભક્ત છો. હૃદયના સાચા ભાવથી સેવા કરો છો. આથી ભગવાને તમારી પ્રાર્થના સાંભળી.'
યુવક કહે, 'હું તો આ બધો આપનો જ પ્રતાપ માનું છું. મામા, મને એક વાતે અનહદ આશ્ચર્ય થયું કે, દરેક વર્ષમાં ૪૩૫ નંબર સેકન્ડ ક્લાસથી પાસ થયો છે. કોઈ નપાસ નથી થયું.' મામા કહે, 'મુક્ત કોઈ પણ સંકલ્પ કરે પછી તે સંકલ્પ બધાને માટે ફળદાયક બને. કોઈ એક વ્યક્તિ પૂરતો સીમિત ન રહે. અનાદિમુક્તના સંકલ્પમાં એવું બળ રહેલું જ હોય છે.' યુવક કહે, 'અહો! અનાદિમુક્તના સંકલ્પમાં આટલું બધું સામર્થ્ય હોય છે તે મને આજે ખબર પડી.' યુવક ભાવવિભોર થઈ કૃતજ્ઞતાપૂર્વક મામાને પગે લાગ્યો. મામાએ રાજી થઈ તેને આશીર્વાદ આપ્યા.
---------
→ અનાદિમુક્તના સંકલ્પ કોઈ એક વ્યક્તિવિશેષ પૂરતા સીમિત ન રહેતા દરેકને લાભપ્રદ બને છે.
સ્વાધ્યાય
પ્રશ્નોના ઉત્તર આપો.
(૧) યુવકને ભણવા કરતાં શામાં વધુ આનંદ આવતો હતો?
(૨) મામાએ યુવકને ભણતર વિશે શું સમજાવ્યું?
(૩) યુવકને કઈ બાબત પર અનહદ આશ્ચર્ય થયું?
(૪) અનાદિમુક્તના સંકલ્પ કેવા હોય છે?
ખાલી જગ્યા પૂરો.
(૧) મામા મને ---------- માં બહુ રસ પડતો નથી. મને તો ---------- નું ધ્યાન કરવું બહુ ગમે છે.
(૨) જેવો ---------- સેવા કરવામાં દાખવો છો તેવો ઉત્સાહ ---------- માં પણ રાખવો જોઈએ.
(૩) મુક્ત એક ---------- કરે પછી એ સંકલ્પ બધાને માટે ---------- બને.