૨૬ શિક્ષા કરતાં પ્રેમ અધિક
એક વખત ભાઈ શાળાની લોબીમાં ઊભા હતા. એક શિક્ષક એક છોકરાને ફૂટપટ્ટીથી મારતા હતા. ભાઈથી આ ન જોવાયું. શિક્ષક પાસે ગયા. શિક્ષકને કહ્યું, 'કેમ આને મારો છો?' શિક્ષક કહે, 'સાહેબ, આ બહુ મસ્તીખોર છોકરો છે,' ભાઈ કહે, 'છોકરા તો મસ્તી કરે, તેમાં મારવાનું ન હોય.' શિક્ષક કહે, 'આ સામાન્ય છોકરો નથી. દરરોજ નવા-નવા તોફાન કર્યા કરે છે. બે-ચાર દિવસે મારા હાથનો માર ખાય છે, છતાં સુધરતો નથી.' ભાઈએ છોકરા તરફ જોયું. છોકરો કહે, 'હવે તમે પણ મને મારશો? બધા મને મારીને પછી જ મારી સાથે વાત કરે છે.' ભાઈ કહે, 'હું તને નહીં મારું. તું મારી વાત સાંભળીશ?' છોકરો કહે, 'તમે મને નહીં મારો? હું તમારી વાત માનીશ.'
ભાઈ કહે, 'તું શાળામાં શા માટે આવે છે?' છોકરો કહે, 'ભણવા.' ભાઈ કહે, 'ભણવાના સમયમાં ભણવાનું અને રમવાના સમયમાં રમવાનું. આવું કરે તો બન્ને કાર્ય સરસ થાય.' છોકરો કહે, 'મને વર્ગમાં કાંઈ સમજાતું નથી. એટલે ભણવાનો કંટાળો આવે છે.' ભાઈ કહે, 'તું ભણવાના સમયમાં રમવાના વિચારો કરે છે. ભણવામાં ધ્યાન નથી આપતો. એટલે નથી આવડતું. તું મસ્તી કરવા નવા-નવા નુસ્ખા શોધે છે ને?' છોકરો કહે, 'હા.' ભાઈ કહે, 'એ બધા માટે વિચારવું તો પડે છે ને? મસ્તી કરવા જેમ મગજ ચલાવે છે, તેમ ભણવાનું શીખવા મગજ ચલાવે તો બધું આવડે. શિક્ષક ભણાવે ત્યારે ધ્યાન ભણવામાં રાખવાનું. બીજા વિચારો નહીં કરવાના. જો બરાબર ધ્યાન રાખીશ તો ભણવાનું આવડી જશે. ન સમજાય તો શિક્ષકને પૂછી લેવાનું.' છોકરો કહે, 'તો પછી બધાની જેમ મારા પણ સારા માર્ક્સ આવશે?' ભાઈ કહે, 'કેમ નહીં? જો તું બરાબર મહેનત કરીશ તો જરૂરથી આવશે. તારા માતા પિતા પૈસા ખર્ચી તને શાળામાં મોકલે છે. તું પરીક્ષામાં સારા માર્ક્સ ન લાવે તો તેઓને કેટલું બધું દુઃખ થાય! તું પણ જીવનમાં આગળ ન વધી શકે. સારું ભણે તો જીવનમાં સફળતા મળે બરાબરને!' છોકરો કહે, 'સાહેબ, આજે મને માર્યા વગર તમે સરસ રીતે સમજાવ્યું. મને બહુ ગમ્યું. તમારી જેમ શાંતિથી મને કોઈ સમજાવતું નહોતું. બધા મને મસ્તીખોર કહી મારતા જ હતા. સાહેબ, હવેથી હું ભણવામાં પૂરતું ધ્યાન આપીશ.'
છોકરો પોતાના વર્ગમાં ગયો. ભાઈએ શિક્ષકને કહ્યું, 'આવી રીતે બાળકોને મરાય નહીં. તેમના માનસ પર ખોટી અસર પડે. શિક્ષક કહે, 'સાહેબ, આ તો બહુ તોફાની છે. કેટલીયે વાર માર ખાધો, પણ સુધરતો નથી.' ભાઈ કહે, 'તમે જ કબૂલ કરો છો કે ઘણીવાર માર્યો, એનો અર્થ એમ કે, મારવાથી છોકરાઓ સુધરતા નથી. છોકરાઓને તો પ્રેમથી સમજાવવા જોઈએ. તેઓ નાના છોડ જેવા હોય છે. જેમ વાળીએ તેમ વળે. બહુ મારીએ તો જક્કી થઈ જાય. પછી વધુ તોફાન કરે. અવળે રસ્તે પણ ચડી જાય. મારવું એ સમસ્યાનું નિરાકરણ નથી. બાળકોને મુશ્કેલી ક્યાં છે તે સમજવું જોઈએ. ત્યાર પછી તેમને પ્રેમથી સમજાવીએ તો જરૂરથી સમજી જાય.' શિક્ષક કહે, 'સાહેબ, 'આજે તમે મારી પણ ભૂલ સુધારી. હું તમારો ઋણી છું. હવેથી હું પણ બાળકોને મારીશ નહીં. પ્રેમથી સમજાવવા પ્રયત્ન કરીશ.'
---------
→ ભાઈ શિખવાડે છે કે, ભણવાના સમયે એકાગ્ર ચિત્તે ભણવું ને રમવાના સમયે રમવું.
→ વ્યક્તિના દોષને કાઢવા, પ્રેમ અને સમજાવટ અમોઘ શસ્ત્રો છે.
સ્વાધ્યાય
પ્રશ્નોના ઉત્તર આપો.
(૧) શિક્ષક છોકરાને શા માટે મારતા હતા? શેનાથી મારતા હતા?
(૨) ભાઈએ છોકરાને કેવી રીતે સમજાવ્યો?
(૩) ભાઈએ શિક્ષકની કઈ ભૂલ બતાવી?
ખાલી જગ્યા પૂરો.
(૧) છોકરા તો ---------- કરે, તેમાં ---------- ન હોય.
(૨) મને વર્ગમાં કાંઈ ---------- નથી.
(૩) સારું ભણે તો જીવનમાં ---------- મળે.
(૪) બહુ મારીએ તો ---------- થઈ જાય.
વાક્ય પૂર્તિ કરો.
(૧) તું પરીક્ષામાં સારા માર્ક્સ ન લાવે.............. જીવનમાં સફળતા મળે.
(૨) છોકરાઓને પ્રેમથી ............... વધુ તોફાન કરે.
(૩) આજે તમે મારી પણ ............... ઋણી છું.