૨૮ વિદ્યાદાન
વર્ગમાં ભાઈ હાજરી લઈ રહ્યા હતા. બે-ત્રણ દિવસથી સોળ નંબર ગેરહાજર હતો. તેની બાજુમાં બેસતા વિદ્યાર્થીને ભાઈએ પછ્યું, 'તારો મિત્ર કેમ આવતો નથી?' છોકરો કહે, 'સાહેબ, તેની મા બીમાર છે, એટલે નથી આવતો.' ભાઈએ પૂછ્યું, 'કેમ! ઘરમાં બીજું કોઈ નથી?' વિદ્યાર્થી કહે, 'ના. તેઓ બન્ને જણાં જ ઘરમાં રહે છે.' ભાઈ કહે, 'શાળા છૂટ્યા પછી તું મને તેના ઘરે લઈ જઈશ?' વિદ્યાર્થીએ હા પાડી.
સાંજે ભાઈ છોકરાના ઘરે ગયા. છોકરો માતાની સેવા કરતો હતો. આ જોઈ ભાઈને આનંદ થયો. ભાઈને જોઈ છોકરો એકદમ ઊભો થઈ ગયો. કહે, 'સાહેબ, તમે! મારા ઘરે!!' ભાઈ કહે, 'તું સ્કૂલે આવતો નહોતો, મને થયું ખબર કાઢી આવું. આ ભગવાનની પ્રસાદીની ચરણરજ છે. થોડીક પાણીમાં બોળી તારા બાને પીવડાવજે. ભગવાન તેમને જરૂરથી સારું કરી આપશે.' છોકરાની મા કહે, 'સાહેબ, તમે સમય કાઢી ઘર સુધી આવ્યા. મારા માટે પ્રસાદીની ચરણરજ પણ લાવ્યા. આપનો ખૂબ-ખૂબ આભાર. અમારા ગરીબના ઘરે કોઈ આવતું નથી. મારો દીકરો તમારી ઘણી વાતો કરે છે. તમે બહુ મોટા પુરુષ છો, દયાળુ છો. મને આશીર્વાદ આપો હું જલદી સાજી થઈ જાઉં. મારા સિવાય મારા દીકરાનું કોઈ નથી.' ભાઈ કહે, 'ભગવાનની ચરણરજનું પાણી પીજો. હું ભગવાનને પ્રાર્થના કરીશ. ભગવાન તમને જરૂરથી સારું કરી આપશે.' ભાઈએ છોકરાને કહ્યું, 'તું બહું સુંદર કામ કરે છે. માતા-પિતાની સેવા દરેકે કરવી જોઈએ. તેમની સેવા કરવાથી ભગવાન આશીર્વાદ વરસાવે છે.'
છોકરો કહે, 'પણ સાહેબ, મારું ભણવાનું બગડે છે. શાળામાં મારી ગેરહાજરી રહે છે.' ભાઈ કહે, તું તેની ચિંતા ન કરતો. હું આચાર્ય સાહેબને વાત કરીશ તેઓ તારી રજા મંજૂર રાખશે. ભણવાની પણ ચિંતા ન કરતો. જેટલું ભણવાનું બગડશે. તે પછી હું તને ભણાવી દઈશ.' છોકરાની મા કહે, 'ના-ના સાહેબ, એ તો જાતે ભણી લેશે.' ભાઈ કહે, 'પણ શાળામાં શીખ્યા વગર કઈ રીતે આવડે?' છોકરાની મા કહે, 'એ તો ગમે-તેમ ભણી લેશે.' ભાઈ કહે, 'પરંતુ વધારાના સમયમાં હું તેને ભણાવું તો આપને શો વાંધો છે?' છોકરાની મા કહે, 'વધારાના સમયમાં એટલે બીજા વધારાના પૈસા આપવાના. હું પારકા ઘરના કામ કરી ગુજરાન ચલાવું છું. દીકરાની ફી જ માંડ-માંડ ભરું છું. ટ્યુશનના પૈસા તો કઈ રીતે આપી શકું? ના સાહેબ, એ તો હોશિયાર છે. ગમે-તેમ ભણી લેશે.' ભાઈ કહે, 'તમે આ શું કહો છો? તમારો દીકરો હોશિયાર છે. ભણવામાં તે પાછળ રહી ન જાય. પરીક્ષામાં તેના સારા માર્ક્સ આવે માટે જ હું તેની મદદ કરવા માગું છું અને હું ક્યાં પૈસા માગું છું? હું તો પૈસા વગર તેને ભણાવીશ.' છોકરાની માને આશ્ચર્ય થયું કહે, 'શું કહો છો સાહેબ! તમે પૈસા લીધા વગર મારા દીકરાને ભણાવશો!!' ભાઈ કહે, 'ચોક્કસ શાળા છૂટ્યા પછી થોડો સમય ભણાવીશ.'
છોકરાની માને હજુ વિશ્વાસ આવતો નહોતો એટલે ફરી કહેવા લાગી. 'પણ વધારાના પૈસા તો.....' ભાઈ કહે, 'બહેન, હું એક પણ પૈસો માંગતો નથી. અત્યારે તેનું ભણવાનું બગડે છે. જ્યારે તે શાળામાં આવશે, ત્યારે દરરોજ તેને બેસાડીશ. થોડા દિવસ બેસશે તો બધું આવડી જશે.' છોકરાની માની આંખોમાં આંસુ આવી ગયા. કહે, 'સાહેબ, તમારો સમય બગડશે.' ભાઈ કહે, 'હું તો શિક્ષક છું. કોઈને ભણાવવામાં મારો સમય બગડતો નથી. વિદ્યાદાન તો બહુ મોટું પુણ્ય કહેવાય!' છોકરાની મા રડી પડી. કહે, 'સાહેબ, તમારા જેવા બધા શિક્ષક હોય તો કેવું સારું. અમારા જેવાના ગરીબ છોકરાઓ પૂરું ભણી શકે. નહીં તો આમ રજા પડે ને નપાસ થાય. પછી ભણવાનું છૂટી જાય.'
ભાઈ કહે, 'તમારો દીકરો હોશિયાર છે. તેને ભણાવજો. છોકરાની મા કહે, 'સાહેબ, હું એના માટે જ આટલી બધી મહેનત કરું છું. તમારા જેવા સાહેબ છે એટલે હવે મને તેની ચિંતા નથી. બીજા શિક્ષકો તો બસ પૈસાના જ લાલચુ હોય છે. સાહેબ, હું તમારો આ ઉપકાર ક્યારેય નહીં ભૂલું!' ભાઈ કહે, 'હું કોઈ ઉપકાર કરતો નથી. આ તો મારું કર્તવ્ય છે. જે હું બજાવું છું.' ભાઈ છોકરાને કહે, 'તારા મા સાજા થાય પછી શાળાએ આવજે.' છોકરો ગદગદભાવ સાથે ભાઈના પગમાં પડી ગયો. ભાઈએ જવાની રજા લીધી. મા-દીકરો બન્ને અહોભાવથી ભાઈને જતા જોઈ રહ્યા!
---------
અઘરા શબ્દો
કર્તવ્ય = ફરજ
→ માતા-પિતાની સેવા આગળ બીજું બધું ગૌણ છે.
→ ભાઈ શીખવે છે કે, પોતાનું કર્તવ્ય બજાવવામાં પૂરી ઈમાનદારી રાખવી. પૈસાની લાલચ કરવી નહીં.
સ્વાધ્યાય
પ્રશ્નોના ઉત્તર આપો.
(૧) વિદ્યાર્થી શાળામાં શા માટે ગેરહાજર હતો?
(૨) ભાઈ વિદ્યાર્થીના ઘરે ગયા ત્યારે છોકરો શું કરતો હતો?
(૩) ભાઈએ છોકરાને શું આપ્યું?
(૪) ભાઈએ વિદ્યાર્થીને ક્યા સમયે ભણાવવાનું કહ્યું?
(૫) વધારાના સમયનું ભણવાનું જાણી છોકરાની માતા શા માટે આશ્ચર્યમાં પડી ગઈ?
ખાલી જગ્યા પૂરો.
(૧) છોકરો તેની માતાની---------- કરતો હતો.
(૨) આ ભગવાનની પ્રસાદીની ---------- છે.
(૩) ---------- ની સેવા દરેકે કરવી જોઈએ.
(૪) હું ક્યાં ---------- માગું છું.
સંદર્ભ સહિત સમજાવો.
(૧) તમે સમય કાઢી આવ્યા. પ્રસાદીની ચરણરજ પણ લાવ્યા. આપનો ખૂબ-ખૂબ આભાર.
(૨) હું ક્યાં પૈસા માગું છું. હું પૈસા લીધા વગર જ વધારાના સમયમાં ભણાવીશ.