૪૭ ફાજલ સમયનો સદુપયોગ

બપોરનો સમય હતો. મામા આરામ કરી રહ્યા હતા. બહાર બાળકો અવાજ કરતા હતા. મામા બહાર જોવા નીકળ્યા. જોયું તો બાળકો મિશનના હૉલની બહાર હતા. કુંડાના ઝાડમાંથી ફૂલો તોડતા હતા. બીજા બાળકો તે ફૂલની પાંખડી આમ-તેમ વેરતા હતા. મામાએ બાળકોને પાસે બોલાવ્યા. મામાએ પૂછ્યું, 'શું કરતા હતા?' બાળકો કહે, 'કાંઈ નહિ ઊભા હતા. વાતો કરતા હતા.' મામા કહે, 'આ ફૂલોનો કચરો કોણે કર્યો?' બાળકો કહે, 'વાતો કરતા-કરતા અમે તોડી નાંખ્યા.' મામા કહે, 'એ ફૂલ ઝાડ પર હતા ત્યારે સુંદર લાગતા હતા કે અત્યારે નીચે વેરાયેલા સુંદર લાગે છે?' બાળકો કાંઈ બોલ્યા નહીં. મામા કહે, 'ફૂલો ઝાડની શોભા છે. તે ઝાડ પર સારા લાગે. નહીં તો ભગવાનના ચરણોમાં. ફૂલ ભગવાનને અર્પણ કરવાથી છોડમાં રહેલા જીવનું કલ્યાણ થાય. તે પોતાને કૃતાર્થ માને.'

બાળકો કહે, 'ભલે મામા, હવે અમે ફૂલો નહીં તોડીએ.' મામાએ પૂછ્યું, 'તમારે કાંઈ કરવાનું નથી?' બાળકો કહે, 'શું કરીએ? એટલે જ કંટાળો આવે છે.' મામા કહે, 'કોઈ રમત રમો.' બાળકો કહે, 'બપોરના સમયમાં કોઈ રમવા દેતું નથી.' મામા કહે, 'તો બેઠા-બેઠા રમો.' બાળકો કહે, 'શું રમીએ?' મામા કહે, 'વાર્તા લખી શકાય, કવિતા લખી શકાય, સારા પુસ્તકો વાંચી શકાય. કીર્તન ગાતા શીખાય, સંગીત શીખાય. બપોરના સમયમાં શરીરને કસરત ન આપી શકાય તો મગજને સતેજ કરાય. સારા ચિત્રો દોરી શકાય. એક બીજાને ભગવાનની વાતો કહી શકાય. કોઈ નવીન શોધ થઈ હોય તો તેની ચર્ચા કરી શકાય. આડી અવળી વાતો કરી સમય શું બગાડવો? કોઈ પણ રચનાત્મક કાર્ય કરી શકાય. દરેકમાં કોઈક શક્તિ રહેલી હોય છે. ફાજલ સમયમાં તે શક્તિને ખીલવવાનો પ્રયત્ન કરવાનો. રચનાત્મક કાર્યથી આત્મસંતોષ મળે. બીજાને ઉપયોગી પણ થઈ શકાય.' એક બાળક કહે, 'મને આવું બધું ન ગમે.' મામા કહે, 'તું અંગ્રેજી માધ્યમમાં ભણે છે ને? તો ગુજરાતી માધ્યમમાં ભણતો હોય તેને અંગ્રેજી શીખવાડી શકે?' બાળક કહે, 'હા. મને ભણાવવું બહુ ગમે.' ગુજરાતી માધ્યમમાં ભણતા બાળકને કહે, 'ચાલ હું તને અંગ્રેજી શીખવાડું.' બીજા બાળકો કહે, 'અમે ચિત્રો દોરીશું.' એક બાળક કહે, 'હું વાર્તા લખીશ. મામા, તમે મારી વાર્તા વાંચશો?' મામા કહે, 'જરૂરથી. સરસ મઝાની વાર્તા લખી લાવજો. તમારા દરેકનું કાર્ય હું જોઈશ.' બાળકો ખુશ થઈ ગયા. મામા આપણું કાર્ય જોશે. આપણે સારામાં સારું કામ કરી મામાને રાજી કરીશું. એટલે આપણને આશીર્વાદ મળશે.

બધા બાળકો પોતાને મનગમતા વિષય પર કામ કરવા લાગી ગયા.

---------

→ છોડ જેવા નાના જીવનો પણ ઉદ્ધાર થાય તેવું બાળકોને મામા શીખવે છે.

→ બાળકો રચનાત્મક કાર્યો કરી પોતાની શક્તિ ખીલવે તેનું મામા ધ્યાન રાખતા.

સ્વાધ્યાય

પ્રશ્નોના ઉત્તર આપો.

(૧) બાળકો ક્યા સમયે અવાજ કરતા હતા?

(૨) મિશનના હૉલ પાસે બાળકો શું કરતા હતા?

(૩) ફૂલો કઈ જગ્યાઓએ શોભે?

(૪) ફાજલ સમયમાં મામાએ બાળકોને કઈ પ્રવૃત્તિ કરવાનું કહ્યું?

વાક્ય પૂર્તિ કરો.

(૧) બપોરના સમયમાં શરીરને ............. ભગવાનની વાતો કહી શકાય.

(૨) ફાજલ સમયમાં તે ............. આત્મસંતોષ મળે.