૧૭ માનવ ધર્મ

એક વખત નારાયણ અને તેમનો મિત્ર રસ્તા પર જતા હતા. નારાયણ ચાલતા-ચાલતા મિત્રને ભગવાનની વાતો કરે. મિત્ર રસપૂર્વક સાંભળે. એવામાં બાજુના મકાનના ધાબા પરથી એક કિશોરવયનો છોકરો નીચે પડી ગયો. લોકો ભેગા થઈ ગયા. છોકરાના માથામાંથી પુષ્કળ લોહી વહેવા માંડ્યું. લોકો બહુ વાગ્યું-બહુ વાગ્યું એમ વાતો કરતા રહ્યા. નારાયણ અને તેમનો મિત્ર ત્યાં પહોંચ્યા. છોકરો બેભાન થઈ ગયો હતો. નારાયણે તરત છોકરાને ઊંચક્યો. મિત્ર કહે, 'નારાયણ, રહેવા દોને આટલા બધા લોકો ઊભા જ છે ને. કોઈ ક્યાં કાંઈ કરે છે. પછી તમે શા માટે માથાકૂટ કરો છો?' નારાયણ કહે, 'મુસીબતમાં મદદ કરવી તે તો માનવ ધર્મ છે. તારે મારી સાથે આવવું હોય તો આવ.' મિત્ર નારાયણની પાછળ ગયો. રિક્ષા કરી નારાયણ છોકરાને હૉસ્પિટલમાં લઈ ગયા. ડૉક્ટરે ઘા જોયો. બીજા ડૉક્ટરને સારવારની ભલામણ કરી. ડૉક્ટરે નારાયણને પૂછ્યું, 'આ કેવી રીતે બન્યું?' નારાયણ કહે, 'મને કાંઈ ખબર નથી. કદાચ રમતા-રમતા ધાબા પરથી પડી ગયો હશે.' ડૉક્ટરે પૂછ્યું, 'તમે છોકરાના શું સગા છો?' નારાયણ કહે, 'હું કોઈ સગો કે સંબંધી નથી. હું તો આને ઓળખતો પણ નથી. મેં તો ફક્ત માનવ ધર્મ બજાવ્યો છે.' વાત ચાલતી હતી ત્યાં બીજા ડૉક્ટર આવ્યા અને ડૉક્ટરને કહે, 'છોકરાના માથામાંથી લોહી ઘણું વહી ગયું છે. એને લોહીની જરૂર પડશે. તાત્કાલિક લોહી નહીં મળે તો જીવનું જોખમ થઈ જશે.' નારાયણ કહે, 'મારું લોહી તપાસી જુઓ.' નારાયણનો મિત્ર કહે, 'નારાયણ, હવે હદ થાય છે. છોકરાને હૉસ્પિટલમાં પહોંચાડ્યો. તમારી ફરજ પૂરી થઈ. હવે લોહી આપવાની જરૂર નથી.' નારાયણ કહે, 'થોડું લોહી આપવાથી છોકરાનો જીવ બચી જતો હોય તો હું જરૂરથી તેમ કરીશ.' જોગાનુજોગ નારાયણનું લોહી મેચ થઈ ગયું. નારાયણ છોકરાને લોહી આપી બહાર બેઠા. મિત્ર કહે, 'ચાલ હવે હોસ્ટેલ જઈએ.' નારાયણ કહે, 'છોકરાના માતા-પિતા આવે પછી જઈશું. છોકરાને એકલો ન મૂકાય.' નારાયણના બીજા મિત્રોને ખબર પડતાં તેઓ પણ હૉસ્પિટલમાં પહોંચી ગયા. છોકરાના માતા-પિતા પણ આવી ગયા. નારાયણને બતાવી ડૉક્ટરે માતા-પિતાને કહ્યું, 'આ યુવકે તમારા દીકરાનો જીવ બચાવ્યો છે. એ સમયસર છોકરાને હૉસ્પિટલમાં લઈ આવ્યો. નહીં તો છોકરાને બચાવવો મુશ્કેલ પડત. તેણે આપના દીકરાને લોહી આપી જીવ બચાવ્યો છે.'

છોકરાના માતા-પિતા ગદગદિત થઈ ગયા. નારાયણને કહે, 'અમે તમારો ઉપકાર જીવનભર નહીં ભૂલીએ. તમારે કારણે આજે અમારો પુત્ર બચી ગયો.' નારાયણ કહે, 'એમાં કાંઈ નહીં. મેં તો મારો ધર્મ નિભાવ્યો છે.' માતા-પિતા નારાયણને બક્ષિશરૂપે પૈસા આપવા લાગ્યા. નારાયણ કહે, 'મારે પૈસા નથી જોઈતા, માતાપિતા કહે, 'તમે હોસ્ટેલમાં રહો છો. કામ આવશે. નારાયણ કહે, 'મેં મારી ફરજ બજાવી છે. ફરજ બજાવવાના પૈસા ન લેવાય.' માતા-પિતાએ હાથ જોડી નારાયણને પ્રણામ કર્યા. નારાયણે તેમની રજા લીધી. મિત્રો કહે, 'વાહ નારાયણ! તમે તો કમાલ કરી.' મિત્રોએ નારાયણના કાર્યને બિરદાવ્યું. નારાયણના મુખ પર એક કિશોરનો જીવ બચાવ્યાનો આત્મસંતોષ ઝળકી રહ્યો હતો.

---------

→ મુક્તરાજ શીખવે છે કે મુસીબતના વખતમાં અન્યને મદદ કરવી તે માનવ ધર્મ છે.

→ મુક્તરાજ એ પણ શીખવે છે કે કોઈ પણ જાતના સ્વાર્થ કે બદલાની ભાવના વગર મદદ કરવી.

સ્વાધ્યાય

પ્રશ્નોના ઉત્તર આપો.

(૧) નારાયણ મિત્રને શેની વાતો કરતા હતા?

(૨) કિશોર ક્યાંથી પડી ગયો?

(૩) નારાયણે કિશોરને કેવી રીતે મદદ કરી?

(૪) કિશોરના માતા-પિતા નારાયણને શું આપવા માંગતા હતા?

(૫) નારાયણે પૈસા લેવાની શા માટે ના પાડી?

ખાલી જગ્યા પૂરો.

(૧) મુસીબતમાં મદદ કરવી એ---------- છે.

(૨) હું કોઈ --------- કે ---------- નથી.

(૩) તાત્કાલિક ---------- નહીં મળે તો ----------જોખમ થઈ જશે.

(૪) અમે તમારો ઉપકાર ---------- નહીં ભૂલીએ.

(૫) ---------- બજાવવાના પૈસા ન લેવાય.