૫૧ પ્રાગટ્ય ને અંતર્ધાનની સરખી મહત્તા
સોળમી ફેબ્રુઆરી. મામાનો પ્રાગટ્ય દિન. મામાનું શિષ્યમંડળ સભાખંડમાં બેઠું હતું. બાળકો સભાખંડમાં વહેલા આવી ગયા. શિષ્યોએ કહ્યું, 'બાળકો આજે તો તમારો દિવસ. આજે સભામાં તમારે કાર્યક્રમ આપવાનો છે. આજના દિવસે બાળકો શા માટે કાર્યક્રમ આપે છે તે ખબર છે?' બાળકો કહે, 'આજે મામાનો જન્મદિવસ છે માટે.' શિષ્ય કહે, 'અનાદિમુક્તનો જન્મદિવસ એમ ન કહેવાય. જન્મદિવસ, મરણદિવસ એવા શબ્દો આ લોકના જીવો માટે વપરાય. જેઓને કર્મબંધન લાગતું હોય તેઓ માટે. અનાદિમક્તને એવું કાંઈ હોતું નથી. તેમના પૃથ્વી પર આગમનના દિવસને પ્રાગટ્ય દિન કહેવાય. અને પૃથ્વી પરથી વિદાય થાય તે દિવસને અંતર્ધાન દિવસ કહેવાય.
મામાને બાળકો બહુ વહાલા હતા. તેઓ કહેતા, બાળકો નિર્દોષ અને સરળ હોય છે. એવા બાળકો પ્રભુજીને પણ પ્યારા હોય છે. માટે જ તેમણે પોતાનો પ્રાગટ્ય દિવસ બાળકોને સમર્પિત કર્યો છે. એ દિવસને આપણે સૌ બાલદિન તરીકે ઉજવીએ છીએ. અને એટલે જ આજે તમારે બધાએ કાર્યક્રમ આપવાનો છે.'
એક બાળકે પૂછ્યું, 'હવે મામા તો રહ્યા નહીં, તો પછી તેમનો જન્મદિવસ.... અરે! ભૂલી ગયો. તેમનો પ્રાગટ્ય દિન શા માટે ઉજવીએ છીએ?' શિષ્ય કહે, 'સરસ પ્રશ્ન પૂછ્યો છે. અનાદિમુક્તમાં શ્રીજીમહારાજના કલ્યાણકારી ગુણો હોય છે. પૃથ્વી પર તેઓએ આદર્શ જીવન વિતાવ્યું હોય છે. આ દિવસે તેમના ગુણોની આપણે સ્મૃતિ કરીએ છીએ. તેમના જેવા ગુણો આપણામાં આવે તેવા સંકલ્પ કરીએ છીએ. મામા જેવું આદર્શ જીવન જીવવાના પ્રયત્નો કરવા માટે મહારાજ અને મામાને પ્રાર્થના કરીએ છીએ. તેમનું જીવન, તેમના ગુણો, તેમના આદર્શો યાદ કરવાથી આપણને પ્રેરણા મળે, બળ મળે તેવા મામા પાસે આશીર્વાદ માંગીએ છીએ. આ બધા કારણોને લીધે આપણે પ્રાગટ્ય દિન ઉજવીએ છીએ.'
બાળકે પૂછ્યું, 'અત્યારે તો મામા નથી. તો પછી મામા કેવી રીતે આશીર્વાદ આપે?' શિષ્ય કહે, 'મામા હવે નથી તેવું તો ક્યારેય માનવું નહીં. તેઓ દિવ્યરૂપે સદાય આપણી સાથે છે. મિશનમાં શ્રીજીમહારાજ, બાપાશ્રી અને મામાની મૂર્તિ પાસે પ્રાર્થના કરવાની. તેઓ આપણી પ્રાર્થના સાંભળી આશીર્વાદ આપે.' બાળક કહે, 'જેમ પહેલા મામા આશીર્વાદ આપતા અને તકલીફ દૂર થઈ જતી, તેવું જ અત્યારે પણ થાય?' શિષ્ય કહે, 'કેમ નહીં? ખરા ભાવથી પ્રાર્થના કરીએ તો મામા જરૂરથી પ્રાર્થના સાંભળે. અને પહેલાં જેવા જ આશીર્વાદ ફળે. મામાને બાળકો બહુ વહાલા હતા. બાળકોની પ્રાર્થના તો જરૂરથી સાંભળે.' એક બાળક કહે, 'મામાનો પ્રાગટ્ય દિન ઉજવવાનો એ ખબર પડી, પરંતુ મામાનો અંતર્ધાન દિવસ શા માટે ધામધૂમથી ઉજવીએ છીએ?' શિષ્ય કહે, 'અનાદિમુક્તને આવવા-જવાપણું હોતું જ નથી.' બાળકે પૂછ્યું, 'એટલે શું? સમજ ન પડી.' શિષ્ય કહે, 'અનાદિમુક્ત સદાય ભગવાનની દિવ્ય મૂર્તિમાં રહી સુખ ભોગવતા હોય છે. પૃથ્વી પર તેઓ સંકલ્પરૂપે પ્રગટે છે. ત્યારે પણ મહારાજનું સુખ તો માણતા જ હોય છે. પૃથ્વી પરથી વિદાય લે એટલે મૂર્તિમાં એ સંકલ્પસ્વરૂપ લીન થાય. આમ તેઓ મૂર્તિના સુખમાં સદાય હોય છે જ. માટે તેમને આવવા-જવાપણું નથી એમ કહેવાય. મુક્ત પ્રગટ થાય કે અંતર્ધાન થાય, બન્નેનું સરખું મહત્વ છે. બન્ને દિવસની સ્મૃતિ કલ્યાણકારી છે.
પૃથ્વી પર પ્રગટ થવું એ એમની લીલા છે. તો અંતર્ધાન થવું એ પણ એમની દિવ્ય લીલા જ છે. બન્ને દિવસ સરખી અગત્ય ધરાવે છે. બન્ને દિવસની સ્મૃતિમાં અનાદિમુક્તની સ્મૃતિ છે. અનાદિમુક્તની સ્મૃતિ જીવનમાં નવી પ્રેરણા, સમજ, આદર્શ ઉચ્ચ ગુણો કેળવવામાં મદદ કરે છે. આપણને ભગવાન તરફ વળવા પ્રેરણા આપે છે. માટે જ બન્ને દિવસો યાદ રાખવા અને બન્ને દિવસોની ઉજવણી બ્રહ્મયજ્ઞ કરીને કરવી. તમને બધાને મામાના અંતર્ધાન થયાની તિથિ-તારીખ યાદ છે?' બાળકો કહે, '૨૦ સપ્ટેમ્બર ઈ.સ. ૧૯૯૭.' શિષ્યએ પૂછ્યું, 'ગુજરાતી સંવત, મહિનો યાદ છે?' બાળકો કહે, 'એ યાદ નથી.' શિષ્ય કહે, 'સંવત ૨૦૫૩, ભાદરવા વદ પાંચમ. શનિવારે બપોરે ૧૨:૨૫ મિનિટ. આ બધું યાદ રાખવાનું. આપણને આપણો જન્મદિવસ યાદ હોય છે. આપણા સગા-વહાલા મિત્રો બધાના જન્મદિવસ યાદ રાખીએ છીએ. તો પછી મામા તો આપણા ગુરુ છે. આપણા પર અનેક ઉપકાર કર્યા છે. આપણને જીવન-જીવતાં શિખવાડ્યું છે. સારા-સારા આશીર્વાદ આપ્યા છે. કેટલીય વખત મુશ્કેલીઓમાંથી ઉગારી લીધા છે. આપણી કુટેવો સુધારી છે. ભૂલો માફ કરી છે. આપણા માટે થઈને પોતે અનેક મુશ્કેલીઓ સહન કરી છે. આપણા પર અનહદ પ્રેમ વરસાવ્યો છે. અત્યારે પણ વરસાવી રહ્યા છે.
મામાનો સૌથી મોટો ઉપકાર તેમણે આપણા માટે 'શ્રી સ્વામિનારાયણ ડિવાઇન મિશન'ની સ્થાપના કરી તે છે. જેમાં સર્વજીવહિતાવહ કાર્યો થાય છે. પ્રાર્થના હૉલમાં જ્ઞાન, ધ્યાન, પ્રાર્થના, કીર્તન જેવા બ્રહ્મયજ્ઞ આપણે કરીએ છીએ. બાળકો માટેની સભા પણ અહીં જ થાય છે. અહીં બાળકો પોતાની સુષુપ્ત શક્તિઓનો વિકાસ કરી શકે છે. કલ્યાણકારી ગુણો ખીલવે છે. નવું-નવું જાણવા મળે છે. મામાએ પુસ્તકાલય પણ કર્યું. જેમાં બાળકોના જીવન ઘડતરના પુસ્તકો, ભગવાનનું સાચું જ્ઞાન મળે તેવા પુસ્તકો, બોધ કથાઓ મહાપુરુષોના જીવનચરિત્રો, બહેનો માટે પાક શાસ્ત્રના પુસ્તકો, આરોગ્યના પુસ્તકો, શિક્ષણને લગતા પુસ્તકો એમ બધા પ્રકારના પુસ્તકો વસાવ્યા. મિશનમાં મૂર્તિઓ પધરાવી અને આશીર્વાદ આપ્યા કે, અહીં આવી પ્રાર્થના કરજો. ભગવાન તમારી બધી શુભ પ્રાર્થનાઓ સ્વીકારશે. કેવા અદ્ભુત આશીર્વાદ! આવા અનેક ઉપકારો જે આપણે ક્યારેય ભૂલી ન શકીએ. એવા મહાન ગુરુની દિવ્ય લીલાના દિવસો ક્યારેય ભૂલવા નહીં. સગા-વહાલાના જન્મદિવસો યાદ રાખવાથી કોઈ ફાયદો ન થાય. અનાદિમુક્તના પ્રાગટ્ય અને અંતર્ધાન દિવસો યાદ રાખવાથી કલ્યાણ થાય.
એ દિવસોએ એમણે આપેલ ઉપદેશ જીવનમાં ઉતારવા પ્રયત્ન કરવો. તેમના જેવું આદર્શ જીવન જીવવા પ્રયત્ન કરીએ, તેમણે સુધારેલી ભૂલોનું પુનરાવર્તન ન થાય ત્યારે જ આપણે મામાશ્રીના વહાલા બાળકો કહેવાઈશું.'
બાળકોને આજે મામાનો ખરો મહિમા સમજાયો હતો. બધા બાળકોએ ખૂબ જ ભક્તિભાવથી બ્રહ્મયજ્ઞનો કાર્યક્રમ આપ્યો.
---------
→ અનાદિમુક્તનું પ્રાગટ્ય અને અંતર્ધાન બન્ને દિવસનું સરખું મહત્ત્વ છે. માટે બન્ને દિવસો યાદ રાખી આનંદથી તેની ઉજવણી કરવી. તેમાં મહારાજનો અતિ રાજીપો છે.
→ અનાદિમુક્તનું આગમન જીવોના કલ્યાણ માટે જ હોય છે. તેમનું જીવન આદર્શ જીવન છે. તેમની સ્મૃતિ પણ કલ્યાણકારી હોય છે.
→ અનાદિમુક્તોએ આપણા પર કરેલા ઉપકારો ક્યારેય ભૂલવા નહીં. તેમણે આપેલો ઉપદેશ જીવનમાં ઉતારવા ખંતપૂર્વક પ્રયત્ન કરવો.
સ્વાધ્યાય
પ્રશ્નોના ઉત્તર આપો.
(૧) મામાનો પ્રાગટ્ય દિવસ ક્યારે છે તે કહો?
(૨) મામાનો અંતર્ધાન દિવસ, મહિનો, સાલ, ઈ.સ. પ્રમાણે અને સંવત પ્રમાણે કહો.
(૩) મામાએ પોતાનો પ્રાગટ્ય દિન કોને સમર્પિત કર્યો છે? શા માટે?
(૪) મામાના પ્રાગટ્ય દિનને જન્મદિવસ કેમ ન કહેવાય?
(૫) અત્યારે મામા કેવી રીતે આશીર્વાદ વરસાવે છે?
(૬) મામાએ શેની સ્થાપના કરી આપણા પર મોટો ઉપકાર કર્યો છે?
(૭) પ્રાર્થના હૉલમાં ક્યા-ક્યા કાર્યક્રમો થાય છે?
(૮) પુસ્તકાલયમાં કેવા પુસ્તકો છે?
(૯) મામાએ મૂર્તિ પધરાવી ક્યા આશીર્વાદ આપ્યા છે?
(૧૦) મામાશ્રીના વહાલા બાળકો ક્યારે કહેવાઈએ?