૩૫ અભિષેકનું રહસ્ય

એક વખત એક બાળક મામાના દર્શન કરવા આવ્યો. મામાને પગે લાગી આશીર્વાદ માગ્યા. મામાએ આશીર્વાદ આપ્યા. બાળક મામા પાસે બેસી ગયો. મામા પાસે બીજા હરિભક્તો બેઠા હતા. મામા સાથે ધાર્મિક વાતો કરતા હતા. મામાએ છોકરા સામે જોયું. તેના ચહેરા પર અસમંજસના ભાવ હતા. થોડીવાર તો છોકરો ચૂપ રહ્યો. મામા વાત કરતા રહી ગયા એટલે મામાને કહે, 'મામા તમને એક પ્રશ્ન પૂછું?' મામા કહે, 'પૂછ બેટા, તારે જે પૂછવું હોય તે વિના સંકોચે પૂછ.' બાળક કહે, 'મામા, હરિકૃષ્ણમહારાજની મૂર્તિમાં ખરેખર ભગવાન હોય?' મામા કહે, 'હા. હોય.' બાળકે પૂછ્યું, 'તેમાં રહીને આપણને બધાને જુએ ખરા!' મામા કહે, 'હા. ભગવાન મૂર્તિમાં રહીને આપણને જુએ છે.' બાળકે પૂછ્યું, 'તો પછી ભગવાન મૂર્તિમાં રહી સાંભળતા પણ હશે?' મામા કહે, 'આપણો ભાવ સાચો હોય તો સાંભળે પણ ખરા.' છોકરો પ્રશ્ન પૂછવા જતો હતો. ત્યાં એક હરિભક્ત કહે, 'હવે બસ કર. બહુ પૂછ-પૂછ ન કર.' મામા કહે, 'તેને વારશો નહીં. બાળકોની જિજ્ઞાસા વૃત્તિને સાચી રીતે સંતોષવી જોઈએ.' બાળકને કહે, 'તારે જે કાંઈ પૂછવું હોય તે પૂછ. હું તને તેના સંતોષકારક ઉત્તર આપીશ.'

બાળક કહે, 'હું સવારે મંદિરે દર્શન કરવા ગયો હતો. ત્યાં ભગવાનના અભિષેકના દર્શન કર્યાં. ભગવાનને દહીં, દૂધ, ઘી એવા બધાથી કેમ નવડાવે છે? એવું ચીકણું - ચીકણું ભગવાનને ગમતું હશે? આપણા પર કોઈ એવું ચીકણું નાંખે તો આપણને ક્યાં ગમે છે? તો પછી ભગવાનને એવું કેમ ગમે? મૂર્તિમાં રહીને ભગવાન બધું કરે તો પછી તેમને આવું કેમ ગમે?' મામા કહે, 'ખૂબ સરસ સવાલ પૂછ્યો છે. આનો જવાબ તો મોટાઓએ પણ સાંભળવા જેવો છે. બેટા, તારી વાત સાચી છે. એવું ચીકણું કોઈને ન ગમે.' બાળક કહે, 'તો પછી ભગવાનને એવું શા માટે કરીએ છીએ?' મામા કહે, 'તે બધી વસ્તુઓ પાછળ રહસ્ય છૂપાયેલું છે. આજે એ વિશે તને કહીશ. તું ધ્યાન રાખી સાંભળજે.'

'પંચામૃત એટલે અમૃત તુલ્ય જુદા જુદા પાંચ પદાર્થોથી આપણે અભિષેક કરીએ છીએ બરાબર? તે દરેક વસ્તુ પાછળ ચોક્કસ ભાવનાઓ રહેલી છે. તે દરેક વસ્તુનો ભાવ તને કહું છું.

મધ : મધ કોણ બનાવે છે?' બાળક કહે, 'મધમાખી.' મામા કહે, 'બરાબર. અનેક ફૂલો પર મધમાખી બેસે છે, પરંતુ ફક્ત મીઠો રસ જ ભેગો કરે છે. અને મીઠું મધ બનાવે છે. મીઠા મધની જેમ આપણે પણ જીવનમાં બધાના સદગુણો જ ગ્રહણ કરવાના. જીવન મધ જેવું મધુર બનાવવાનું. આવા અનેક સદગુણોના અર્કરૂપ મધ, તે આવા પ્રેમભાવનું પ્રતિક છે. તે પ્રેમ-ભક્તિના ભાવથી ભગવાનનો અભિષેક થાય છે. પછી આવે છે.

દૂધ : 'દૂધ કેવું?' બાળક કહે, 'દૂધ પૌષ્ટિક છે. શક્તિ આપે છે.' મામા કહે, 'તારી વાત બરાબર છે. દૂધમાં વિટામીન છે, કાર્બોહાઈડ્રેટ છે, પ્રોટીન છે, બધું જ છે. એટલે તેને સંપૂર્ણ આહાર કહેવાય છે. તે શરીરને પોષણ આપે છે. એવી રીતે પ્રભુના સાચા ભક્તોએ જીવોને પોષણ આપવું જોઈએ. સત્યજ્ઞાન સમજાવવું જોઈએ. યોગ્ય માર્ગદર્શન આપવું જોઈએ. એવો ભાવ સમાયેલો છે.' બાળક કહે, 'મામા, તમે જેમ બધાને પોષણ આપો છો. સાચું માર્ગદર્શન આપો છો તેમ?' મામાએ બાળકના માથા પર સ્નેહપૂર્વક હાથ ફેરવ્યો. મામા આગળ બોલ્યા. 'ત્રીજો નંબર છે.

દહીં : દહીં પણ દૂધની જેમ પૌષ્ટિક તત્વોનું બનેલું છે. દૂધમાં જે ભાવ રહેલો છે. દહીંમાં પણ એ જ ભાવ છે. દૂધ-દહીં સફેદ છે તેમ આપણું ચારિત્ર્ય ઉજ્જવલ અને નિષ્કલંક હોવું જોઈએ.

સાકર : સાકર કોઈ પણ પ્રવાહીમાં નાંખીએ તો શું થાય?' બાળક કહે, 'ઓગળી જાય.' મામાએ પછ્યું, 'પછી એ પ્રવાહી કેવું થઈ જાય?' બાળક કહે, 'સાકરવાળું તો ગળ્યું લાગે' મામા કહે, 'એવી જ રીતે દરેક જીવો સાથે આત્મીયતા અને પ્રેમભાવ કેળવવો અને પ્રભુના દિવ્ય સ્વરૂપમાં જોડાઈ જવું. આવો સુંદર ભાવ રહેલો છે. તેના પ્રતીકરૂપે સાકર છે. અને છેલ્લે છે.

ઘી : દૂધના અર્ક સમાન ઘી છે. એવી રીતે દરેક શાસ્ત્રનો અભ્યાસ કરવાનો. એનું જ્ઞાન મેળવવાનું. તેમાંથી આત્મા પરમાત્માનો સાક્ષાત્કાર કરવાનું જ્ઞાન અર્ક સમાન છે. એ જ્ઞાન મેળવી લેવાનું. આ જ્ઞાન પણ પ્રભુના ચરણોમાં અર્પણ કરી દેવાનું. અહંકાર ટાળી પ્રભુમય બની જવું એવો ભાવ સૂચવે છે.

આ દરેક પદાર્થ તો ફક્ત માધ્યમ છે. તેની પાછળ રહેલો ભાવ જ અગત્યનો છે. આવા ભાવ સાથે આપણે ભગવાનને અભિષેક કરીએ છીએ. હવે સમજ પડી. અભિષેક શા માટે છે?' બાળક કહે, 'મામા, આજે જ મને બરાબર સમજ પડી. મેં ઘણા બધાને આ પ્રશ્ન પૂછ્યો હતો, પરંતુ કોઈ બરાબર સમજાવી શકતું ન હતું. આજે બરાબર સમાધાન થયું.' ત્યાં બેઠેલા મોટા હરિભક્ત પણ કહેવા લાગ્યા, 'અભિષેકનું આવું રહસ્ય તો આજે સમજાયું. કેવો સુંદર ભાવ સમાયેલો છે!'

---------

અઘરા શબ્દો

અસમંજસ = મૂંઝવણ, ગૂંચવણ, અસ્પષ્ટ

આત્મીયતા = પોતાપણું, પોતાના જેવું

જિજ્ઞાસા = જાણવાની ઇચ્છા

ઉજ્જવલ = તેજસ્વી

નિષ્કલંક = કલંક વગરનું, શુદ્ધ

→ મામા જેવા અનુભવી અનાદિમુક્ત જ આવા રહસ્યો સમજાવી શકે.

સ્વાધ્યાય

પ્રશ્નોના ઉત્તર આપો.

(૧) બાળક મંદિરમાં શેના દર્શન કરીને આવ્યો હતો?

(૨) બાળકે મામાને ક્યો પ્રશ્ન પૂછ્યો?

(૩) અભિષેકમાં દૂધનો ક્યો ભાવ સમાયેલો છે?

(૪) અભિષેકમાં ઘીનો ક્યો ભાવ છે?

(૫) અભિષેક કઈ-કઈ વસ્તુથી કરવામાં આવે છે?

ખાલી જગ્યા પૂરો.

(૧) મૂર્તિમાં ખરેખર ---------- હોય.

(૨) આપણો ---------- સાચો હોય તો સાંભળે પણ ખરા.

(૩) દરેક પદાર્થ તો ફક્ત ---------- છે. તેની પાછળ રહેલો---------- જ અગત્યનો છે.

(૪) ---------- ટાળી ---------- મય બની જવું. એવો ભાવ સૂચવે છે.