૧૮ સાદો ને સાત્વિક નાસ્તો
હોસ્ટેલની રૂમમાં નારાયણ બેઠા હતા. બપોરનો સમય હોવાથી નાસ્તો કરતા હતા. નારાયણનો મિત્ર આવ્યો. નારાયણને ખાતાં જોઈ પૂછ્યુ, 'શું ખાવ છો નારાયણ?' નારાયણ કહે, 'મગફળી અને ગોળ.' મિત્ર મોઢું બગાડીને બોલ્યો, 'આને તે કાંઈ નાસ્તો કહેવાય?' નારાયણ કહે, 'કેમ? આમાં શું વાંધો છે?' મિત્ર કહે, 'આમાં તો કાંઈ સ્વાદ ન હોય.' નારાયણે પૂછ્યું, 'તું કેવો નાસ્તો કરે છે?' મિત્ર કહે, 'હોટલમાં નાસ્તો કેવો સ્વાદિષ્ટ મળે છે. હું તો એ ખાઉં છું.' નારાયણ કહે, 'તને જે સ્વાદિષ્ટ લાગે છે, તે કેટલો અશુદ્ધ છે તે તને ખબર છે?' મિત્ર કહે, 'જરા પણ અશુદ્ધ દેખાતો નથી. એકદમ ચોખ્ખો હોય છે.' નારાયણ કહે, 'બહારથી ચોખ્ખો દેખાય, પણ એ અનાજ, ચટણી, પાણી બધું જ અશુદ્ધ હોય. અનાજ જૂનું, સડેલું અને વીણ્યા વગરનું હોય ચટણી વાસી હોય. પાણી ગાળ્યા વગરનું હોય.'
મિત્ર કહે, 'હા નારાયણ, તમારી આ વાત તો સાચી. એ રીતે બધું અશુદ્ધ હોય ખરું!' નારાયણ કહે, 'એવા ખરાબ તેલમાં તળેલા, તીખા, વાસી ખોરાક શરીરને શું પોષણ આપે? તેવા ખોરાક જરા પણ પૌષ્ટિક ન હોય. સીંગ અને ગોળ સાદો નાસ્તો છે અને તે પૌષ્ટિક પણ છે. આવા નાસ્તાથી શરીરમાં તાકાત આવે.' મિત્ર નારાયણને સાંભળી રહ્યો. નારાયણ આગળ કહેવા લાગ્યા. 'એવા સડેલા, વાસી ખોરાક ખાવાથી તબિયત ખરાબ થાય, ભણતર બગડે, અને સૌથી મહત્વનું, એવા ખોરાક ખાવાથી આપણું મન પણ બગડે.' મિત્ર કહે, 'આમાં મન કેવી રીતે બગડે?' નારાયણ કહે, 'જો સડેલા વાસી ખોરાક અશુદ્ધ હોય. તેમાં રોગના કીટાણુઓ હોય, જેનાથી શરીરમાં રોગ થાય, જેથી મન નબળું પડે. મન નબળું પડે એટલે સારા વિચારો ન આવે. કહેવત છે ને 'અન્ન તેવો ઓડકાર.' એટલે જેવું ખાઈએ તેવા વિચારો આવે. સારું, સાદું, સાત્વિક અને પૌષ્ટિક ખાવાથી સારા, ઉત્તમ અને રચનાત્મક વિચારો આવે. માટે હંમેશાં સાદો, સાત્વિક અને પૌષ્ટિક ખોરાક ખાવો જોઈએ. મિત્ર કહે, 'ખોરાકની અસર મન પર પડે તે તો મને આજે જ ખબર પડી. હવેથી હું પણ બહારનું ખાવાનું ટાળીશ.' નારાયણ ખુશ થયા. મિત્રને સીંગ ને ગોળ ખાવા આપ્યા. મિત્રને તેમાં અનેરો સ્વાદ આવ્યો.
---------
અઘરા શબ્દો
મગફળી = સીંગ
સાત્વિક = શુદ્ધ, પવિત્ર
→ બહારના સ્વાદિષ્ટ લાગતા ખોરાક ખરેખર અશુદ્ધ અને બિન પૌષ્ટિક હોય છે.
→ મુક્તરાજ શીખવે છે કે, બહારના ખોરાક ખાવાથી શરીર અને મન બન્ને બગડે છે.
સ્વાધ્યાય
પ્રશ્નોના ઉત્તર આપો.
(૧) મિત્ર હોસ્ટેલ પર આવ્યો ત્યારે નારાયણ શું કરતા હતા?
(૨) મિત્રએ શા માટે મોઢું બગાડ્યું?
(૩) સાદા નાસ્તા માટે નારાયણે શું કહ્યું?
(૪) બહારના નાસ્તા કેવા હોય છે. નારાયણના મતે સમજાવો?
ખાલી જગ્યા પૂરો.
(૧) એ સ્વાદિષ્ટ નાસ્તો ---------- હોય.
(૨) સીંગ અને ગોળ ---------- અને---------- છે.
(૩) એવા ખોરાક ખાવાથી આપણું ---------- પણ બગડે.
વાક્ય પૂર્તિ કરો.
(૧) જેવું ખાઈએ તેવા .......... આવે.