૯ કીર્તન ભક્તિ
એક દિવસની વાત છે. નારાયણ મંદિરમાં ઘનશ્યામ મહારાજ પાસે બેસી કીર્તન ગાતા હતા. આંખો બંધ કરી એકાગ્ર ચિત્તે ગાતા હતા. તેમની વૃત્તિ ભગવાનમાં જ હતી. નારાયણનો અવાજ ખૂબ જ મધુર અને સૂરીલો હતો. તેમાં પાછી ભક્તિ ભળે, પછી પૂછવું જ શું? મંદિરમાં જે કોઈ દર્શન કરવા આવે તેઓ અનેરું આકર્ષણ અનુભવતાં. બધાથી નારાયણના કીર્તન સાંભળવા બેસી જવાય. નારાયણ એક પછી એક એવા સરસ કીર્તન ગાય કે, લોકો ભક્તિરસમાં તરબોળ થઈ જાય. કોઈ હરિભક્ત સ્વામી ભક્તિજીવનદાસજીને પૂછી આવે, 'આ બાળમુક્ત કોણ છે? પહેલા તો ક્યારેય જોયા નથી. કેવા સરસ કીર્તનો ગાય છે. મન મોહી પડે છે.' સ્વામી કહે, 'એ તો નારાયણ છે. શ્રીજીમહારાજના મહામુક્ત છે. ઘનશ્યામ મહારાજ તેમની સાથે દરરોજ વાતો કરે છે. એ મહારાજમાં વૃત્તિ રાખી સુંદર કીર્તનો ગાય છે.' હરિભક્ત કહે, 'વાહ! વાહ! શું આ બાળકની ભક્તિ છે. મહારાજ વાતો કરે વાહ ભાઈ વાહ!
એકવાર આચાર્ય મહારાજ દર્શન કરવા આવ્યા. નારાયણનો અવાજ સાંભળી ત્યાં જ ઊભા રહી ગયા. ભગવાનના દર્શન કરવામાં ગુલતાન બની ગયા. નારાયણનું કીર્તન પૂરું થયું. આચાર્યએ નારાયણને તેમની પાસે બોલાવ્યા. નારાયણ પગે લાગી પાસે બેસી ગયા. આચાર્ય કહે, 'બાલમુક્તરાજ, તમારું નામ શું છે?' નારાયણે કહ્યું, 'નારાયણ.' આચાર્ય કહે, 'તમને આવી સુંદર કીર્તનભક્તિ કોણે શિખવાડી?' નારાયણ કહે, 'કોઈએ નહીં.' આચાર્ય આશ્ચર્યમાં પડી ગયા. કહે, 'અરે વાહ! શું મધુર કંઠ ભગવાને તમને આપ્યો છે. કીર્તન ગાવામાં તમારી એકાગ્રતા અદ્ભુત છે. નારાયણ, તમે તો આંખો બંધ કરી બધા કીર્તનો ગાતા હતા. તમને કેટલા કીર્તનો મોઢે આવડે છે?' નારાયણ કહે, 'મહારાજની દયાથી મને એકસો કીર્તનો મોઢે છે.' આચાર્યને નવાઈ લાગી કહે, 'નારાયણ, તમારી ઉંમર કેવડી?'
નારાયણ કહે, 'મને આઠ વર્ષ થયા છે.' આચાર્ય તથા ત્યાં બેઠેલા બધા આશ્ચર્યમાં પડી ગયા. આઠ વર્ષની નાની ઉંમરમાં એકસો કીર્તન કંઠસ્થ છે!!! આચાર્ય કહે, 'નારાયણ, તમારી કીર્તનભક્તિને ધન્ય છે અને ધન્ય છે તમારા માતા-પિતાને જેમને આવા ગુણિયલ પુત્ર પ્રાપ્ત થયા.'
---------
→ શ્રીજીમહારાજના અનાદિમુક્તને આ લોકની ઉંમર સાથે કોઈ નિસ્બત હોતી નથી.
→ મુક્તરાજ શીખવે છે કે, ભગવાનની ભક્તિ કરતા ચિત્ત ભગવાનના સ્વરૂપમાં જ પરોવેલું રાખવું.
સ્વાધ્યાય
પ્રશ્નોના ઉત્તર આપો.
(૧) નારાયણ ભગવાન પાસે કેવી રીતે કીર્તન ગાતા હતા?
(૨) હરિભક્તો નારાયણની આજુ-બાજુ શા માટે બેસી ગયા?
(૩) નારાયણને કેટલા કીર્તનો મોઢે આવડતા હતા? ત્યારે તેમની ઉંમર કેવડી હતી?
(૪) હરિભક્તોને સ્વામીએ શો જવાબ આપ્યો હતો?
ખાલી જગ્યા પૂરો.
(૧) વાહ શું મધુર ---------- ભગવાને તમને આપ્યો છે.
(૨) તમે તો ---------- બંધ કરીને ગાતા હતા, તમને કેટલા ---------- મોઢે આવડે છે?
(૩) મારી ઉંમર ---------- વર્ષની છે.