૩૩ ચરણરજથી સારવાર

બપોરનો સમય હતો. એક છોકરો મામાના ઘરની બહાર બેઠો હતો. મામાનું ઘર બંધ હતું. મામા દરરોજ સાડાચાર - પાંચ વાગ્યે બારણું ખોલે અને હજી સમય થયો નહોતો. છોકરો ખૂબ ચિંતિત હતો, છતાંય બારણું ખખડાવવાની તેની હિંમત ચાલતી નહોતી. તે મામાને ખલેલ પહોંચાડવા માગતો નહોતો. ભગવાનનું નામ લેતો તે બહાર જ બેસી રહ્યો.

મામાને જાણે ખબર પડી ગઈ હોય ને શું!! મામાએ એ દિવસે બારણું વહેલું ખોલ્યું. છોકરાના જીવમાં જીવ આવ્યો. છોકરો મામાને પગે લાગ્યો. મામાએ તેને અંદર બોલાવ્યો. પૂછ્યું, 'કેમ આવવું થયું?' છોકરો ચિંતિત હતો. મામાએ પ્રેમથી તેને પાસે બેસાર્યો. અને ફરી પૂછ્યું, 'શું વાત છે? મને કહો.' છોકરો રડી પડ્યો. મામાએ તેને શાંત પાડ્યો. પાણી આપ્યું. છોકરો શાંત થયો. મામાએ પૂછ્યું, 'હવે કહો શું વાત છે?' છોકરો કહે, 'મામા, મારી નાની બહેન ઘણા દિવસથી હૉસ્પિટલમાં છે.' મામાએ પૂછ્યું, 'શું થયું છે તેને?' છોકરો કહે, 'મામા ખબર નહીં. ઘરમાં અચાનક બેભાન થઈ ગઈ હતી. પછી ખૂબ તાવ આવતો હતો. હૉસ્પિટલમાં દાખલ કરી, પણ તાવ ઉતરતો જ નથી. આજે તો સવારથી બેભાન થઈ ગઈ છે. કાંઈ બોલતી જ નથી.' મામા કહે, 'ડૉક્ટર શું કહે છે?' છોકરો કહે, 'અત્યારે ડૉક્ટરે હાથ ઊંચા કરી દીધા છે. કહે છે, બહેનને બીજી હૉસ્પિટલમાં લઈ જાઓ. આને કાંઈ થઈ જાય તો મારી હૉસ્પિટલનું નામ બદનામ થાય, બીજી હૉસ્પિટલવાળા પણ કાંઈ જવાબ નથી આપતા. હવે શું કરવું? મામા, હું તમારે શરણે આવ્યો છું. મારી બહેનને બચાવી લ્યો.' છોકરો ધ્રુસકે-ધ્રુસકે રડવા લાગ્યો.

મામાનું દિલ દ્રવી ઊઠ્યું. તેમને બહેનની બહુ દયા આવી. તેઓ ભગવાન પાસે ગયા. ડબ્બીમાંથી મહારાજની પ્રસાદીની ચરણરજ કાઢી. મહારાજને પ્રાર્થના કરી. છોકરાને ચરણરજ આપી કહ્યું, 'લ્યો આ ચરણરજ. તમારી બહેન ભાનમાં હોય તો થોડી મોઢામાં આપજો, નહીં તો શરીરે ચોપડી દેજો. બધા ભગવાનનું નામ લેજો. ભગવાનને બાળકો બહુ વહાલા છે. ભગવાન તમારી બહેનને જરૂરથી સારું કરી દેશે. હું પણ ભગવાનને પ્રાર્થના કરીશ.' છોકરાને મામાનો બહુ દિવ્યભાવ હતો. મામાના વચનમાં વિશ્વાસ પણ ખૂબ હતો. મામાના વચન સાંભળી ખુશ થઈ ગયો. મામાને કહે, 'મામા, તમારા આશીર્વાદથી મારી બહેન હવે જરૂર સારી થઈ જશે. ડૉક્ટરે ભલે ના પાડી, પણ હવે તે બચી જશે.'

છોકરો ઝડપથી હૉસ્પિટલ પહોંચ્યો. છોકરાના માતા-પિતા આતૂરતાપૂર્વક તેની રાહ જોતા હતા. છોકરાને જોઈ તરત પૂછ્યું, 'મામાએ શું કહ્યું?' છોકરો આનંદમાં હતો. કહે, 'હવે બહેન જરૂર સાજી થઈ જશે.' છોકરાએ ચરણરજ માતાને આપી. માતાએ આખા શરીરે દીકરીને ચરણરજ ચોપડી દીધી. ડૉક્ટર નર્સ ત્યાં જ ઊભા હતા કહે, 'આ શું કરો છો? આમ કરવાથી દર્દીને તકલીફ થશે.' છોકરો કહે, 'આ અમારી દવા છે.' ડૉક્ટર કહે, 'આ ક્યાં દવા છે? માટી જેવું કાંઈક લાગે છે.' છોકરો કહે, 'એ જ સાચી દવા છે. તમે તમારી દવા કરી, પણ ફરક ન પડ્યો. આ અમારા ગુરુજીએ આપેલી દવા છે. તે નિષ્ફળ નહીં થાય. મારી બહેન હવે ચોક્કસ સારી જઈ જશે.' છોકરો એટલા વિશ્વાસથી બોલ્યો કે ડૉક્ટરને નવાઈ લાગી. છોકરી સારી થાય છે કે નહીં તે જોવા ડૉક્ટર ત્યાં જ બેસી રહ્યા. બધાના આશ્ચર્ય વચ્ચે છોકરી થોડીવારમાં જ ભાનમાં આવી ગઈ. ધીરે ધીરે તે સારી થવા લાગી. ડૉક્ટરો નવાઈ પામી ગયા. આ કઈ રીતે શક્ય બન્યું? જરાક અમસ્તી માટી જેવું શરીર પર લગાડ્યું ને દર્દી મોતના મુખમાંથી પાછો આવ્યો! આ તો ચમત્કાર થયો છે!

છોકરો ખૂબ ખુશ થઈ ગયો. તુરત મામા પાસે આવ્યો. મામાના પગમાં પડી ગયો. કહેવા લાગ્યો, 'મામા, તમારા આશીર્વાદથી મારી બહેન બચી ગઈ. તે હવે સારી થવા લાગી છે.' મામા કહે, 'એકાગ્ર મનથી કરેલી પ્રાર્થના મહારાજ જરૂર સાંભળે છે.' છોકરો કહે, 'મામા, અમે દરરોજ પ્રાર્થના કરતા હતા. પણ આપે ચરણરજ આપી, આશીર્વાદ આપ્યા ત્યારે જ તે સાજી થઈ.' મામા કહે, 'મહારાજે મુક્તની પ્રાર્થના સાંભળી. કર્તા મહારાજ છે. તેમણે સાજી કરી.' છોકરો કહે, 'મામા, મને તો એટલી ખબર છે કે, આપે આશીર્વાદ આપ્યા પછી જ મારી બહેન સાજી થઈ. બાકી ડૉક્ટરોએ તો ના પાડી દીધી હતી.' મામા કહે, 'દરેક વાતમાં કર્તા મહારાજને રાખવા. મહારાજ કરે ત્યારે જ કાર્ય સફળ થાય.' છોકરો કહે, 'મામા, મને તો આપના વચનમાં વિશ્વાસ છે. બીજી વધારે મને ખબર ન પડે.' મામા હસવા લાગ્યા કહે, 'સારું. હવે બહેનને મહારાજની વાતો કરજો એટલે જલદી સારી થઈ જશે.' છોકરો મામાને પગે લાગી રાજી થતો ઘરે ગયો.

---------

અઘરા શબ્દો

દ્રવિ ઉઠવું = કરુણાથી ભરાઈ જવું

અપ્રતિમ = જેની તુલનામાં કોઈ નથી તેવું, અજોડ

હાથ ઊંચા કરવા = આશા છોડી દેવી

→ અનાદિમુક્તનું સામર્થ્ય ચમત્કારો ર્સજી શકે છે.

→ અનાદિમુક્ત પોતાનામાં અપ્રતિમ સામર્થ્ય હોવા છતાં શ્રીજીમહારાજનું મુખ્યપણું રાખે છે.

સ્વાધ્યાય

પ્રશ્નોના ઉત્તર આપો.

(૧) છોકરો કયા સમયે મામાના ઘરે આવ્યો હતો?

(૨) છોકરો મામાના ઘરે શા માટે આવ્યો હતો?

(૩) મામાએ છોકરાને શું આપ્યું? તેનું શું પરિણામ આવ્યું?

(૪) ડૉક્ટરો શા માટે નવાઈ પામી ગયા.

ખાલી જગ્યા પૂરો.

(૧) ડૉક્ટરોએ ---------- ઊંચા કરી દીધા છે.

(૨) મહારાજને પ્રાર્થના કરી છોકરાને ---------- આપી.

(૩) ભગવાનને બાળકો બહુ ---------- છે.

(૪) છોકરો મામાના---------- માં પડી ગયો.

વાક્ય પૂર્તિ કરો.

(૧) છોકરાને મામાનો........... વચન સાંભળી ખુશ થઈ ગયો.

(૨) એ જ સાચી દવા............ મારી બહેન ચોક્કસ સારી થઈ જશે.

(૩) દરેક વાતમાં કર્તા............. કાર્ય સફળ થાય.