૩૭ સાચા મનોચિકિત્સક
એક વખત એક દંપતી મામાના દર્શને આવ્યા. મામાને પગે લાગી બેઠાં. મામાએ પૂછ્યું, 'કેમ આવવું થયું?' થોડા ઉદાસ ચહેરે ભાઈ બોલ્યા, 'મામા, મારો પુત્ર વ્યસની થઈ ગયો છે. અમે ઘણું વઢીએ છીએ, પણ સમજતો નથી.' બહેન કહે, 'એક વખત તો માર્યો પણ હતો.' મામા કહે, 'દીકરાને મરાય નહીં.' ભાઈ કહે, 'શું કરીએ મામા? માનતો જ નથી. પહેલા ખાનગીમાં તમાકુ ખાતો હતો. હવે તો ઘરમાં અમારી સામે પણ ખાય છે. બહુ વઢીએ તો કહે છે, હવે સિગારેટ પણ પીવાનો છું. આવું બોલ્યા કરે છે.' બહેન કહે, 'મામા, આપણે સત્સંગી. આવા ખરાબ વ્યસન હોય તે સારું કહેવાય? અમે તો સમજાવીને થાકી ગયા.' બહેન દિલગીર થઈ ગયા. કહે, 'મામા, એટલે જ તમારી પાસે આવ્યા છીએ. આપ કાંઈક દયા કરો તો એનું વ્યસન છૂટે.' મામા કહે, 'કાલે મારી પાસે લઈ આવજો. હું વાત કરીશ.'
બીજે દિવસે માતા-પિતા અને પુત્ર ત્રણેય મામા પાસે હાજર થયા. મામાએ માતા-પિતાને બહાર બેસવાનું કહ્યું. યુવક મામાને પગે લાગી ત્યાં બેઠો. મામાએ પૂછ્યું, 'શું ભણો છો?' યુવક કહે, ' કૉલેજમાં છું.' મામા કહે, 'સરસ. તમારા માતા-પિતા તમારી ફરિયાદ લઈને આવ્યા છે.' યુવક કહે, 'તેઓ તો બધાને કહેતા જ ફરે છે. મને વઢ્યા કરે છે. બધાની સામે પણ વઢે છે. એટલે મેં નક્કી કર્યું છે કે, તેઓ આવું કરશે તો હું પણ તમાકુ ખાવાનું ચાલુ જ રાખીશ. બહુ થશે તો વઢશે. કાયમ વઢતા જ હોય છે. હવે મને તેની અસર નથી.' યુવકે પોતાનો આક્રોશ ઠાલવ્યો. મામા કહે, 'શાંત થઈ જાવ. તમારા માતા-પિતા યોગ્ય નથી કરતા. પુત્રને બહુ વઢવું ન જોઈએ અને બધાની વચ્ચે તો ક્યારેય નહીં.' યુવક આનંદમાં આવ્યો. તેને થયું મામા મને સમજે છે. મારી તરફેણ કરે છે. યુવક કહે, 'મામા, બધાની વચમાં કહે છે ત્યારે મને બહુ અપમાનજનક લાગે છે.' મામા કહે, 'હું તમારી વાત સમજી શકું છું. હું તેમને ના પાડીશ. આ બાબતે તેઓ તમને નહીં વઢે. બધાની વચ્ચે તો ક્યારેય નહીં.' યુવક કહે, 'તમે જરૂરથી કહેજો. તમારી વાત તેઓ જરૂર માનશે. જો એમ થશે તો હું ઘરના કામમાં પણ તેમને મદદ કરીશ.'
મામાએ જોયું યુવક હવે એકદમ શાંત થઈ ગયો છે. આથી મામાએ કહ્યું, 'તમે મારી વાત સાંભળશો?' મામાએ યુવકને માન આપ્યું. ચર્ચા માટે તેની અનુમતિ લીધી. આની યુવક પર અસર થઈ. કહે, 'હા મામા, તમારી બધી વાત સાંભળીશ અને માનીશ.' મામા કહે, 'હું તો ફક્ત તમારા વ્યસન વિશે અમુક બાબતો જાણવા માગું છું. મારે બીજું કાંઈ કહેવું નથી.' ધીરે-ધીરે મામા પોતાની વાત પર આવતા હતા. યુવકને થયું મામાને જાણકારી જોઈએ છીએ. તે ઉત્સાહમાં આવી ગયો. મામાએ પૂછ્યું, 'તમે આ વ્યસન કરો છો તેનાથી શું થાય? શા માટે તે કરો છો?' યુવક કહે, 'એ ખાઈએ એટલે શરીરમાં સ્ફૂર્તિ લાગે. મગજ સતેજ થતું હોય તેમ લાગે. નવા વિચારો આવવા લાગે. હવે તો એની ટેવ પડી ગઈ છે. તેના વગર રહેવાતું નથી. નસો ઢીલી પડી જાય. શરીરમાં તાકાત જ ન હોય તેવું લાગે. એટલે પછી લેવું જ પડે છે.' મામાએ પૂછ્યું, 'કેટલા વરસથી વ્યસન છે?' યુવક કહે, 'બે વર્ષથી.'
મામાએ કાંઈક વિચારીને તેને પૂછ્યું, 'દસમાં ધોરણમાં કેટલા ટકા આવ્યા હતા?' યુવક ગેલમાં આવી ગયો કહે, 'મામા, દસમાં ધોરણમાં ૮૫% અને બારમા ધોરણમાં ૮૦% આવ્યા હતા.' મામા કહે, 'વાહ! બહુ સુંદર. તમે તો હોંશિયાર વિદ્યાર્થી છો. હવે કેટલા ટકા આવે છે?' યુવક નીચું જોઈ ગયો કહે, 'હવે ટકા ઓછા થઈ ગયા છે. પહેલા જેવું વાંચવામાં મન નથી લાગતું. વાંચવા બેસું ને તમાકુ યાદ આવે. પછી ઊઠી જવાય. તમાકુ ખાઉં પછી થોડીવાર વંચાય. પછી ન બેસી શકાય. ભણવામાં ચિત્ત ન ચોંટે.' મામા કહે, ' આનો અર્થ તો એ થયો કે, તમને વ્યસન નહોતું ત્યારે સારું ભણી શકતા હતા.' યુવક કહે, 'હા મામા, એ વાત તો સાચી છે.' મામા કહે, 'એટલે આનો અર્થ એમ પણ થયો કે, તમાકુ ખાવાથી નવા વિચારો આવે છે, શરીરમાં સ્ફૂર્તિ લાગે છે તે વાત ખોટી છે. બરાબર? આ તો તમે પણ સ્વીકારો છો. તો હવે મને તમે તમાકુ ખાવાના ફાયદા ગણાવો. તમે જે કહેતા હતા તે તો ફાયદા ન નીકળ્યા.' યુવક હવે મૂંઝાઈ ગયો. વિચારવા લાગ્યો હું જેને ફાયદો સમજતો હતો તે તો ફાયદાકારક નથી. તો તમાકુ ખાવાના ફાયદા ક્યા? થોડીવારે મામાને કહે, 'મને એક પણ ફાયદો દેખાતો નથી.' મામા કહે, 'તમે જ માનો છો. જો ફાયદાકારક ન હોય તો તેનું વ્યસન શા માટે? તમાકુ ખાવાથી થતા નુકસાન વિશે જાણો છો? તમાકુ શરીર અને મન બન્નેને નબળું બનાવે છે. પહેલા જ્ઞાનતંતુ ઉશ્કેરાય પછી તે નબળા પડે. પછી મન નબળું પડે અને મન નબળું હોય એટલે વિચારો પણ નબળા આવે. રચનાત્મક કાર્યો બરોબર થઈ શકે નહીં. યાદશક્તિ ઘટતી જાય. એકાગ્રતા ઓછી થાય. તે તમે કબૂલ કરો છો. તંદુરસ્તી જોખમાય. શરીર રોગોનું ઘર બને. આમ થતાં ભાવિ ધૂંધળું થઈ જાય. જીવન દારીદ્રતામાં વિતાવવું પડે. અત્યારે તો પિતા પૈસા આપે.' યુવક કહે, 'મામા, મારી બધી ખિસ્સાખર્ચી તમાકુમાં જ વપરાઈ જાય છે.'
મામા કહે, 'તો પછી? શરૂઆતમાં તમે તમાકુ ખાતા હો, પછી તમાકુ તમને ખાવા લાગે. શરીરને ફોલી નાંખે. ભવિષ્યમાં બધી કમાણી તેમાં વપરાઈ જાય. જીવનમાં આગળ કેવી રીતે વધાય? કહો તો?' યુવક વિચારતો થઈ ગયો. મામાને કહે, 'આટલું બધું ઊંડાણપૂર્વક મેં ક્યારેય વિચાર્યું નહોતું. અને મને આટલી શાંતિથી પ્રેમપૂર્વક કોઈએ સમજાવ્યું પણ નહોતું.' મામા કહે, 'તો હવે તમાકુ છોડી દેશોને?' યુવક કહે, 'હું જરૂર પ્રયત્ન કરીશ.' મામા કહે, 'મનમાં દૃઢ નિશ્ચય કરીએ તો બધું શક્ય બને. વૈજ્ઞાનિકોને સફળતા ન મળે ત્યાં સુધી પ્રયત્નો ચાલુ રાખે છે. સફળ થઈને જ જંપે છે. એમ તમારે પણ સફળ થઈને બતાવવાનું. વ્યસન સારી વસ્તુનું રાખવું. ભગવાન ભજવાનું વ્યસન પાડવું. સારા વાંચનનું વ્યસન પાડવું. તો જીવનમાં આગળ વધાય.' યુવક મામાને પગે લાગ્યો અને મામાને કહે, 'મામા, તમે આશીર્વાદ આપો. તમારા આશીર્વાદથી હું જરૂર સફળ થઈશ. હું તમને વચન આપું છું. વ્યસનમુક્ત બનીને જ રહીશ.' યુવકમાં હકારાત્મક વલણ છે તે જોઈ મામા રાજી થયા. તેને આશીર્વાદ આપ્યા. યુવક પોતાનામાં નવો આત્મવિશ્વાસ લઈને બહાર આવ્યો.
---------
અઘરા શબ્દો
આક્રોશ ઠાલવવો = અણગમો વ્યક્ત કરવો
સતેજ = જાગૃત, ઉત્સાહવાળું
ચિત્ત ચોટવું = મન લાગવું.
→ જીવનને નમાલું અને વિચારોને દૂર્બળ બનાવી ભવિષ્ય ધૂંધળું બનાવી દે તેવા વ્યસનોથી દૂર રહેવું.
→ ભગવાન ભજવા, સદ્વાંચન, સદ્પ્રવૃત્તિ, જીવન ઘડતરમાં ઉપયોગી એવા વ્યસનોને જીવનમાં સ્થાન આપો.
સ્વાધ્યાય
પ્રશ્નોના ઉત્તર આપો.
(૧) માતા-પિતા મામા પાસે કઈ ફરિયાદ લઈને આવ્યા હતા?
(૨) યુવકે તમાકુ ખાવાના ક્યા ફાયદા ગણાવ્યા? ખરેખર તે ફાયદા હતા?
(૩) તમાકુ ખાવાના ગેરફાયદા જણાવો?
(૪) યુવકે મામાને શું વચન આપ્યું?
ખાલી જગ્યા પૂરો.
(૧) મારો પુત્ર ---------- થઈ ગયો છે.
(૨) આપણે ---------- આવા ખરાબ વ્યસન હોય તે સારું કહેવાય?
(૩) પુત્રને બહુ ---------- ન જોઈએ ---------- ની વચ્ચે તો ક્યારેય નહીં.
(૪) બધાની વચમાં કહે છે ત્યારે મને બહુ ---------- લાગે છે.
(૫) તમાકુ ---------- અને ---------- બન્નેને નબળું બનાવે છે.
(૬) આટલું બધું ---------- મેં ક્યારેય વિચાર્યું નહોતું.
(૭) વ્યસન---------- વસ્તુનું રાખવું.
(૮) હું તમને---------- આપું છું---------- બનીને જ રહીશ.