૪૫ રોજનું કામ રોજ

આખું વૅકેશન બાળકો મામા પાસે આવે. મામા બધામાં સંસ્કારસિંચન કરે. સંપીને રહેવું. એકબીજાની ઈર્ષા ન કરવી. ઝગડવું નહીં. ખરાબ વ્યસનોથી દૂર રહેવું. પુસ્તકો તથા અન્ય વસ્તુ વ્યવસ્થિત કેવી રીતે મૂકવી વગેરે અનેક બાબતો બાળકોને સમજાવે. ભગવાનની વાતો કરી આધ્યાત્મિક પોષણ આપે. વૅકેશન પૂરું થવા આવ્યું હતું. બાળકો મામા પાસે બેઠા હતા. એક બાળક કહે, 'મામા, મઝા કરવાના હવે દસ દિવસ રહ્યા. પછી સ્કૂલ ચાલુ થઈ જશે.' બીજો કહે, 'પછી તમારી પાસે આવવાનો બહુ સમય નહીં મળે. વૅકેશનમાં આપની પાસે બહુ મઝા આવી.'

મામાએ આમ-તેમ નજર ફેરવીને પૂછ્યું, 'તમારી ટોળકીમાં એક સભ્ય કેમ ઓછો છે?' બાળકો કહે, 'મામા, હવે તે નહીં આવી શકે.' બીજો કહે, 'હવે રાત-દિવસ જાગશે ત્યારે પાર પડશે.' મામાએ પૂછ્યું, 'કેમ શું થયું!' બાળક કહે, 'મામા એ તો આળસુ છે. આખું વૅકેશન રમ્યા કર્યું. શાળાનું હોમવર્ક (ગૃહકાર્ય) કર્યું જ નહીં. નોટોને પૂઠાં પણ ન ચડાવ્યાં. હવે બધું કામ ભેગું થયું છે.' બીજો કહે, 'તેનું તો બધા વિષયોનું હોમવર્ક બાકી છે.' ત્યાં તો એ બાળક આવ્યો. મામાએ પૂછ્યું, 'કેમ નહોતા આવતા?' બાળક કહે, 'હોમવર્ક કરવાનું હતું. સ્કૂલમાંથી કેટલું બધું હોમવર્ક આપે છે. એટલું બધું કોઈ કરી શકે? અત્યારે થાકી ગયો હતો એટલે તમારી પાસે આવ્યો.' મામા કહે, 'તમારા મિત્રોનું તો હોમવર્ક પતી ગયું છે. તો પછી તમારું શા માટે નથી પત્યું?' બાળક કહે, 'ખબર નહીં. મારાથી તો થતું નથી. થાક લાગે છે.' મામા કહે, 'તમે બધું ભેગું કર્યું છે માટે થાક લાગે છે. રોજનું કામ રોજ કરીએ તો ભેગું ન થાય. નથી કર્યું એટલે કાર્યભાર વધી ગયો છે.' બાળક કહે, 'મામા એ તો હું રાત-દિવસ જાગીને પૂરું કરી લઈશ.' મામા કહે, 'આવી ટેવ સારી નથી. છેલ્લે બધું કાર્ય કરવા બેસો ત્યારે એ કાર્ય બરાબર ન થાય. કામ કરતાં પહેલાં ટાઈમટેબલ (સમયપત્રક) બનાવી લેવું જોઈએ. રોજ આટલું કામ કરીશ. એમ કરવાથી કામ સમયસર પૂરું થાય. પછી બીજા કામની ગોઠવણ કરવી હોય તો થઈ શકે. રોજ થોડું-થોડું કરીએ તો કાર્ય એકાગ્રતાપૂર્વક થાય.' બાળક કહે, 'રોજ થોડું-થોડું કરવું એટલે રોજની ચિંતા. એના કરતાં આ તો થોડા દિવસમાં બધું પતાવી દેવાનું.' મામા કહે, 'ઉતાવળથી કરેલા કામની ગુણવત્તા ઓછી હોય છે. અને કદાચ કાર્ય સમયસર પૂરું ન પણ થાય. આવી ટેવ પડે તો જીવનમાં નિયમિતતા ન આવે. પછી બધા જ કાર્યો ગમે-તેમ કરવાની ટેવ પડી જાય.' બાળક પોતાની ભૂલ સ્વીકારતો નહોતો. મામાને કહે, 'પરંતુ કાર્ય થાય તો ખરું ને!' મામા કહે, 'પછી તમને કાર્ય તપાસવાનો સમય રહે છે, જે લખ્યું છે તે બરાબર છે કે નહીં? ઉતાવળને કારણે અક્ષરો પણ ખરાબ નીકળે. જુઓ હું તમને બીજી રીતે સમજાવું. તમે રોજ કેટલી વખત ખાઓ છો?' બાળક કહે, 'બે વખત જમવાનું અને બે વખત નાસ્તો.' મામા કહે, 'હવે આ બધું ચાર દિવસનું તમને એક સાથે ખાવા આપે તો ચાલે? પછીના ચાર દિવસ કાંઈ નહીં ખાવાનું.' બાળક કહે, 'ચાર દિવસનું એક સાથે! એટલું બધું તો કેવી રીતે ખવાય? ઊલ્ટી થઈ જાય. અને પછીના દિવસોમાં ઉપવાસ! મરી જવાય.' મામા કહે, 'બરાબર છે તમારી વાત. તેવી જ રીતે બધું હોમવર્ક એક સાથે કરો તો કાંઈ ન સમજાય. જેમ એક સામટું ખાવાથી પેટમાં નથી રહેતું. પેટ બહાર કાઢી નાંખે છે. તેમ એક સામટું મગજમાં ન ઊતરે. બધું બહાર જ રહે. એટલે યોગ્ય ટાઈમ મૅનેજમેન્ટ (સમયનું યોગ્ય આયોજન) શીખવું જોઈએ. હવે સમજાયું?' બધા બાળકો પણ એક અવાજે બોલ્યા, 'કાંઈ સમજાયું? રોજનું કામ રોજ કરવાનું.' બાળકે પોતાની ભૂલ ખેલદિલીપૂર્વક સ્વીકારી. કાન પકડી મામા પાસે ઊભો રહ્યો. મામાને કહે, 'તમે મારા સાચા ગુરુ. તમે મારી ભૂલ મને સમજાવી. હવેથી હું રોજનું કામ રોજ કરી લઈશ.' મામા કહે, 'તેં બધાની વચ્ચે તારી ભૂલ સ્વીકારી છે. આ કામ સહેલું નથી. હું રાજી થયો.' મામાએ તેને આશીર્વાદ આપ્યા.

પછી તે બાળક પરીક્ષામાં સારા માર્ક્સ લાવ્યો.

---------

→ રોજનું કામ રોજ કરવાથી જીવનમાં નિયમિતતા આવે છે અને કાર્યશક્તિ વિકસે છે.

→ નાની બાબતો પણ જીવન ઘડતરમાં મહત્વનો ભાગ ભજવે છે.

સ્વાધ્યાય

પ્રશ્નોના ઉત્તર આપો.

(૧) મામા બાળકોમાં કઈ રીતે સંસ્કારસિંચન કરતા?

(૨) એક બાળક વૅકેશનના છેલ્લા દિવસોમાં મામા પાસે શા માટે નહોતો આવતો?

(૩) વહેલું હોમવર્ક ન કરવા બાળકે ક્યા કારણો આપ્યા?

(૪) રોજનું કામ રોજ કરવાના ફાયદા જણાવો?

(૫) રોજનું કામ રોજ ન કરવાના ગેરફાયદા જણાવો?

ખાલી જગ્યા પૂરો.

(૧) ભગવાનની વાતો કરી ---------- પોષણ પણ આપતા.

(૨) તમારી ---------- માં એક સભ્ય કેમ ઓછો છે?

(૩) તેનું તો બધા ---------- નું હોમવર્ક બાકી છે.

(૪) ---------- નું કામ રોજ કરીએ તો ભેગું ન થાય.

(૫) કામ કરતા પહેલા ---------- બનાવી લેવું જોઈએ.

(૬) ઉતાવળથી કરેલા કાર્યની ---------- ઓછી હોય છે.

(૭) આવી ટેવ પડે તો જીવનમાં ---------- ન આવે.

(૮) બાળકે પોતાની ભૂલ ---------- સ્વીકારી.

વાક્ય પૂર્તિ કરો.

(૧) પછી બીજા કામની ---------- કાર્ય એકાગ્રતાપૂર્વક થાય.

(૨) ઉતાવળથી કરેલા કામની ---------- નિયમિતતા ન આવે.

(૩) જેમ એક સામટું ખાવાથી ---------- ટાઈમ મૅનેજમેન્ટ શીખવું જોઈએ.