૧૯ અલૌકિક હથેવાળો

એક દિવસ મુક્તરાજ મનસુખબાપા ભાઈને(નારાયણને હવે બધા ‘ભાઈ’ કહીને જ બોલાવતા હતા. એટલે હવેથી આપણે પણ ‘ભાઈ’ ના નામથી તેમને સંબોધન કરીશું.) મળવા આવ્યા. મુક્તરાજને જોઈ ભાઈ રાજી થયા. તેમને પગે લાગ્યા. મનસુખબાપા કહે, 'ભાઈ, આજે હું તમારી પાસે એક પ્રસ્તાવ લઈને આવ્યો છું.' ભાઈ કહે, 'કેવો પ્રસ્તાવ?' મનસુખબાપા કહે, 'લગ્નનો પ્રસ્તાવ.' ભાઈ કહે, 'બાપા, મારે ગૃહસ્થાશ્રમ કરવાની જરાય મરજી નથી.' મનસુખબાપા કહે, 'ભાઈ, હું તમારી વૈરાગ્ય વૃત્તિ જાણું છું. ભાઈ કહે, 'પણ બાપા, મારે આજીવન બ્રહ્મચર્ય રાખવું છે.' મનસુખબાપા કહે, 'ભાઈ, તમે મહારાજની મરજી તો જાણો જ છો.' ભાઈ કહે, 'મારું મહાવ્રત સચવાય અને મહારાજની મરજી પણ જળવાય તેવું પાત્ર જોઈએ ને?' મનસુખબાપા કહે, 'ભાઈ એવું યોગ્ય પાત્ર જ શોધ્યું છે. તમે તે પાત્રને એક વાર મળી તો જૂઓ.' આમ કહ્યું તેથી ભાઈ કાંઈ ન બોલ્યા.

મનસુખબાપા ભાઈને લઈ ગયા. ઘર જોઈને જ ભાઈને થયું. આમાં ક્યાંથી મેળ બેસશે? મારી આર્થિક પરિસ્થિતિ સાવ દુર્બળ અને આ લોકો આર્થિક રીતે સદ્ધર છે. ભાઈ અને લીલાબહેનની મુલાકાત ગોઠવાઈ. લીલાબહેન અત્યંત સાદા, નિર્મળ અને ભોળા હતા. પ્રથમ નજરમાં જ ભાઈનું આ વિશે ધ્યાન દોરાયું. ભાઈએ લીલાબહેનને કહ્યું, 'તમે ઘણા પૈસાપાત્ર છો. ગાડી, બંગલા છે. મારી પરિસ્થિતિ આનાથી સાવ વિપરીત છે. હું એકદમ ગરીબ છું. ઉપરાંત આખું જીવન બ્રહ્મચર્ય પાળી પ્રભુપરાયણ રહેવું તે મારું લક્ષ્ય છે. આપ આવી પરિસ્થિતિમાં રહી શકશો?' લીલાબહેન કહે, 'આપની પાસે એક રોટલો હશે તો આપણે બન્ને અડધો-અડધો ખાઈશું. ગમે તેવી પરિસ્થિતિમાં આપની સાથે આનંદથી રહીશ. હું પણ પ્રભુપરાયણ જીવન વિતાવવું તે મારું લક્ષ્ય બનાવીશ.' આવા સુંદર અને વિનયી જવાબથી ભાઈને ખૂબ સંતોષ થયો. તેમને થયું જીવોના કલ્યાણ કરવા રૂપી જીવનયાત્રામાં આ મુક્તાત્માને જ મારા સાથી બનવા મહારાજે મોકલ્યા છે. ભાઈએ મનસુખબાપાને હા પાડી. અને આ લોકની દૃષ્ટિએ અશક્ય લાગતું સગપણ શક્ય બની ગયું.

---------

અઘરા શબ્દો

હથેવાળો = લગ્નગ્રંથિથી જોડાવું

મરજી = ઇચ્છા

વિપરિત = ઊંધું

અનુવૃત્તિ = આજ્ઞા

પ્રસ્તાવ = દરખાસ્ત, ઠરાવ

→ શ્રીજીમહારાજે જે સંબંધ નક્કી કર્યો હોય તેમાં આ લોકની સ્થિતિ-સમૃદ્ધિ નડતરરૂપ થતી નથી.

→ ભાઈઓ તેમ જ બહેનો બન્નેને સેવા-સમાગમનો લાભ મળે તેવા આશયથી જ ભાઈએ ગૃહસ્થાશ્રમ સ્વીકાર્યો.

→ ગૃહસ્થાશ્રમ સ્વીકાર્યો હોવા છતાં ભાઈ અને લીલાબહેન બન્નેએ આજીવન બ્રહ્મચર્ય પાળી આદર્શ જીવન જીવી બતાવ્યું.

સ્વાધ્યાય

પ્રશ્નોના ઉત્તર આપો.

(૧) મનસુખબાપા ભાઈ માટે કયો પ્રસ્તાવ લઈને આવ્યા હતા?

(૨) ભાઈએ પ્રસ્તાવ વિશે શું કહ્યું?

(૩) લીલાબહેનનું ઘર જોઈ ભાઈને શો વિચાર આવ્યો?

(૪) ભાઈના પ્રશ્નનો લીલાબહેને શો જવાબ આપ્યો?

ખાલી જગ્યા પૂરો.

(૧) હું તમારી પાસે ---------- લઈને આવ્યો છું.

(૨) બાપા મારે---------- કરવાની મરજી નથી.

(૩) મારી ---------- પરિસ્થિતિ સાવ ---------- છે.

(૪) આપની પાસે એક ---------- હશે તો આપણે બન્ને ---------- ખાઈશું.

વાક્ય પૂર્તિ કરો.

(૧) આપની પાસે એક રોટલો........ મારું લક્ષ્ય બનાવીશ.

(૨) જીવોના કલ્યાણ કરવા......... મહારાજે મોકલ્યા છે.