૩૮ અહંકાર ઓગાળ્યો

મામાને એક વખત મિશનનું કામ હતું. થોડું લખાણ ટાઈપ કરવાનું હતું. મામાએ એક યુવકને બોલાવ્યો. ટાઈપ કેમ કરવું તે સમજાવવા લાગ્યા. યુવકની બાજુમાં એક બીજો યુવક પણ ઊભો હતો. તે અહંકારથી બોલ્યો, 'મામા, લાવો હું ટાઈપ કરી લાવું.' મામા કહે, 'આ ભાઈ કરી આપશે.' તો કહે, 'મામા, મારી ટાઈપિંગ સ્પીડ ઘણી છે. ટાઈપ પણ સરસ કરું છું. થોડીવારમાં જ ટાઈપ કરી લાવીશ.' મામા કહે, 'સારું. તમે કરી લાવો.' મામાએ પહેલા યુવકને કહ્યું, 'તમે થોડીવાર અહીં જ બેસો.' બીજા ભાઈ મનમાં વિચારતા જાય કે, જલદી ટાઈપ કરી મામાને મારી ઝડપ બતાવી આપું. આવું વિચારતા-વિચારતા ટાઈપ કરતા જાય. થોડીવારમાં તો કાગળો સાથે મામા પાસે હાજર થઈ ગયા. મામા કહે, 'અરે! આટલી જ વારમાં ટાઈપ કરી નાંખ્યું? ઝડપ ઘણી કહેવાય.' યુવક રાજી થઈ ફૂલાઈ ગયો. કહે, 'હા મામા. મારી ઝડપ ઘણી છે.' મામાએ કાગળો જોયા. જોતા જ કહે, 'આ શું? આ કેવું ટાઈપ કરી લાવ્યા? બન્ને બાજુ હાંસિયા ક્યાં બરાબર રાખ્યા છે?' યુવક કહે, 'કદાચ એવું રહી ગયું હશે. બીજી કોઈ ભૂલ નહીં હોય.' મામા કહે, 'અરે! તમે તો સ્પેલિંગમાં પણ ભૂલો કરી છે. તમને કોણે કહ્યું તમે સારું ટાઈપ કરો છો?' યુવક કાંઈ બોલી શક્યો નહીં. નીચું જોઈ ઊભો રહ્યો. મામાએ પહેલા યુવકને કાગળો આપ્યા અને કહ્યું, 'વ્યવસ્થિત ટાઈપ કરી લાવજો. ભલે થોડી વાર લાગે.' યુવક કાગળો લઈ ગયો. મામા ટાઈપ કરી લાવેલા યુવક તરફ વળ્યા કહે, 'બેસો. તમે ભૂલો કરી અને કાગળો પણ બગાડ્યા. તમે અહંકારથી બોલ્યા. પેલા ભાઈને નીચું દેખાડવા માંગતા હતા. તમે કદાચ સારું ટાઈપ કરતા હશો, પરંતુ અહંકાર ભગવાનને ગમતો નથી. તમારો અહંકાર દૂર કરવા ભગવાને આવું દેખાડ્યું. આપણામાં કોઈ ગુણ હોય તો તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવો. બીજાને નીચું દેખાડવાનો આશય રાખવો નહીં. તે ગુણનું અભિમાન કરવું નહીં.' યુવક કહે, 'મામા, મારી ભૂલ થઈ. અભિમાન કરવાનું ફળ ભગવાને મને આપ્યું. હું તમને રાજી કરવા માંગતો હતો.' મામા કહે, 'તમારો ભાવ સારો હતો, પરંતુ તેમાં અહંકાર ભળ્યો હતો.' યુવક કહે, 'હા મામા, હવે ક્યારેય ખોટું અભિમાન નહીં કરું.' યુવક મામાને પગે લાગ્યો. મામાએ આશીર્વાદ આપ્યા. યુવકને આજે સાચું જ્ઞાન પ્રાપ્ત થયું હતું.

---------

→ મોટા પુરુષ આગળ પોતાની આવડતનું અભિમાન ક્યારેય ન કરવું. નિર્માની થઈ રહેવું.

→ બીજાને નીચું દેખાડવાની ભાવના રાખ્યા સિવાય પોતાની આવડતનો ઉપયોગ કરવો.

સ્વાધ્યાય

પ્રશ્નોના ઉત્તર આપો.

(૧) મામાને શું કામ હતું?

(૨) ટાઈપિંગ જાણનાર યુવકે મામાને શું કહ્યું?

(૩) યુવક કેવું ટાઈપ કરી લાવ્યો હતો?

(૪) ભૂલો પડવા માટે મામાએ ક્યું કારણ આપ્યું?

(૫) યુવકને મામાએ શું સમજાવ્યું?

ખાલી જગ્યા પૂરો.

(૧) મારી ---------- ની સ્પીડ ઘણી સારી છે.

(૨) બન્ને બાજુ ---------- ક્યાં બરાબર રાખ્યા છે?

(૩) ---------- ભગવાનને ગમતો નથી.

વાક્ય પૂર્તિ કરો.

(૧) તમે ભૂલો કરી અને .......... નીચું દેખાડવા માંગતા હતા.

(૨) તમારો ભાવ......... ભળ્યો હતો.

યોગ્ય ક્રમમાં ગોઠવો.

(૧) હોય યોગ્ય કરવો આપણામાં રીતે ઉપયોગ કોઈ તો ગુણ તેનો.

(૨) હવે અભિમાન કરું ખોટું ક્યારેય નહીં.