૪૩ ઇગો સર્જરી

મહિનાના છેલ્લા રવિવારે મિશનમાં સભા થાય. તેમાં ઘણીવાર બાળકો પણ કીર્તન ગાય. તેમાં એક બાળકનો અવાજ સારો કીર્તનો સારા ગાય. પ્રોત્સાહન આપવા મામા તેના વખાણ કરે. એનું બાળકને અભિમાન આવી ગયું. વિચારે કે મારા જેવું કોઈ ગાઈ શકતું નથી. હું સારું ગાઉં છું. મામાને પણ ગમે છે. મારા સિવાય બીજા કોઈએ સભામાં કીર્તન ગાવાનું નહીં. કોઈ બીજા બાળકો ગાવાનું કહે તો જિદ્દી થઈ ના પાડે. અને અપમાનજનક રીતે કહે, 'તને નહીં આવડે. સભામાં તો જે સરસ ગાઈ શકે તેણે જ ગાવું જોઈએ.' કાયમ તે ગાતો હોવાથી બાળકો ચૂપ થઈ જાય.

મામાને ખબર પડી ગઈ. તેમને થયું આ યોગ્ય ન કહેવાય. આથી મામાએ કહ્યું, 'આજે સભામાં બીજા બાળકો કીર્તન ગાશે. તેઓને પણ અવસર મળવો જોઈએ.' મામાએ કહ્યું એટલે તે બાળક કાંઈ બોલ્યો નહીં, પરંતુ તેનો અહમ્ ઘવાયો. બીજા બાળકો ખુશ થઈ ગયા. મામાને પગે લાગી કહે, 'મામા, અમે સારું ગાવાનો પ્રયત્ન કરીશું.' મામા કહે, 'ભગવાનને સંભળાવું છું એમ વિચારી ગાવું એટલે સરસ ગવાય.' સારું ગાનાર બાળકે તો સભામાં આવવાનું જ બંધ કરી દીધું. એક સભા ગઈ, બીજી સભા પણ ગઈ. તે તો દેખાતો બંધ થઈ ગયો. મામા સમજી ગયા. થોડા વખત પછી મિશનમાં આવ્યો. મામાએ તેને બોલાવી પાસે બેસાડ્યો અને પૂછ્યું, 'કેમ સભામાં નથી આવતો?' બાળકે જવાબ આપ્યો, 'અમસ્તો જ.' મામા કહે, 'કોઈ કારણ વગર જ સભામાં આવવાનું બંધ કરી દીધું? હું તને કહું, તું શા માટે નથી આવતો? મેં બીજા બાળકોને કીર્તન ગાવાનું કહ્યું એટલે તને ખોટું લાગ્યું. તું એમ માને છે કે, તું જ સારું ગાઈ શકે છે. તું ચોક્કસ સારું ગાય છે, પરંતુ તને તેનો અહંકાર છે. આ સૂક્ષ્મ અહંકાર તારા સદગુણોને ઢાંકી દે છે અને ઈર્ષારૂપ દુર્ગુણને ઉજાગર કરે છે. બીજા જે સારું ગાઈ શકતા હોય તેઓને પણ અવસર આપવો પડે કે નહીં?' બાળક કહે, 'જ્યારે બીજા કીર્તન ગાય ત્યારે મને નથી ગમતું. મને એમ થાય છે કે, તેના કરતાં હું વધારે સારું ગાઉ છું.'

મામા કહે, 'હું જ સારું ગાઉં છું અને બીજા નહીં એ જ અહંકાર છે.' બાળક કહે, 'હું શું કરું?' મામા કહે, 'હા. એ હું તને સમજાવી શકું. તને યોગ્ય સમાધાન બતાવી શકું. શરીરમાં કોઈ ભાગ ખરાબ થઈ ગયો હોય, સડી ગયો હોય તો ડૉક્ટર શું કરે?' બાળક કહે, 'ડૉક્ટર સર્જરી કરે છે. ઑૅપરેશન કરી એ ભાગ સાજો કરે.' મામા કહે, 'બરાબર. ડૉક્ટર તો ફક્ત શરીરની સર્જરી કરી શકે. કોઈ ડૉક્ટર મનની સર્જરી ન કરી શકે. મનમાં જે સડો હોય તેની સર્જરી તો પોતે જ કરવી પડે. તારામાં જે અહંકાર છે, તે મનનો સડો છે. તેને તારે દૂર કરવો પડે. ઇગો સર્જરી તારે જ કરવાની.' બાળક કહે, 'કેવી રીતે?' મામા કહે, 'હું બધી રીતે મદદ કરીશ. જરૂર પ્રમાણે માર્ગદર્શન પણ આપીશ. પ્રયત્નો તો તારે જ કરવાના રહેશે.' બાળક કહે, 'ભલે મામા. તમે માર્ગદર્શક છો તો હું પણ પૂરતો પ્રયત્ન કરીશ. અને અહંકારરૂપી સડાને મારા મનમાંથી દૂર કરીશ.' મામા કહે, 'તારી પાસે જે કાંઈ ગુણો છે, તે સર્વે મહારાજના છે તેમ વિચારવું. બધા સદગુણો મહારાજને સમર્પિત કરવા. હું મહારાજની મૂર્તિમાં રહેલો મુક્ત છું. મારા દ્વારા શ્રીજીમહારાજ કાર્ય કરે છે, એમ વિચારવું. જ્યારે ગુણો મહારાજના, અને કાર્ય કરનાર પણ મહારાજ હોય પછી આપણે અહંકાર કરનાર કોણ? બરાબર. આમ વિચારતા-વિચારતા સૂક્ષ્મ અહંકાર પણ જતો રહે. મહારાજ પણ રાજી થાય.'

મોટા-મોટા યોગીઓને પણ કાબુમાં ન આવતા અહંકારને જીતવાનો કેવો સરળ અને સચોટ ઉપાય! આવું સમજીને જો અહંકાર જીતવાનો પ્રયત્ન ન કરે તો બાળક તો શું પણ ગમે તેવો વિદ્વાન કે યોગી હોય તો પણ તેનું કલ્યાણ ન થાય.

---------

→ જીવોમાં રહેલી ત્રુટિઓ અનાદિમુક્ત ઓળખાવે ત્યારે દેખાય અને તેઓ કૃપા કરે ત્યારે દૂર થાય.

→ શરીર કરતાં મનના દુર્ગુણો વધુ હેરાન કરે છે તેને દૂર કરવા જ રહ્યા.

સ્વાધ્યાય

પ્રશ્નોના ઉત્તર આપો.

(૧) મિશનમાં ક્યારે સભા થાય છે?

(૨) સભામાં બાળકો શું કરતા?

(૩) બાળકને શા માટે ખોટું લાગ્યું?

(૪) ખોટું લાગવા માટે મામાએ બાળકને ક્યું કારણ કહ્યું?

(૫) મામાએ બાળકને કઈ સર્જરી કરવાનું કહ્યું?

(૬) આપણામાં રહેલા ગુણો કોને સમર્પિત કરવા?

વાક્ય પૂર્તિ કરો.

(૧) આ સૂક્ષ્મ અહંકાર...... દુર્ગુણોને ઉજાગર કરે છે.

(૨) બધા સદગુણો મહારાજને....... શ્રીજીમહારાજ કાર્ય કરે છે.