૧૩ અંધશ્રદ્ધા દૂર કરી

પરીક્ષાના દિવસો હતા. નારાયણ અને તેમનો મિત્ર પરીક્ષા આપવા જઈ રહ્યા હતા. મિત્ર ખૂબ ચિંતિત લાગતો હતો. નારાયણે પૂછ્યું, 'કેમ ચિંતામાં લાગે છે?' મિત્ર કહે, 'આજનો વિષય મને અઘરો લાગે છે.' નારાયણ કહે, 'ભગવાનને સંભારી પેપર લખજે એટલે બધું આવડી જશે.' વાત ચાલતી હતી ત્યાં રસ્તામાં એક બિલાડી આડી ઊતરી. મિત્ર એકદમ ગભરાઈ ગયો અને રસ્તામાં જ ઊભો રહી ગયો. નારાયણ કહે, 'શું થયું? પરીક્ષાનો સમય થવા આવ્યો છે. ચાલ નહીં તો મોડા પડીશું.' મિત્ર કહે, 'એક તો આજનો વિષય અઘરો છે, તેમાં બિલાડી આડી ઊતરી.' નારાયણ કહે, 'આ વાતમાં વચમાં બિલાડી ક્યાંથી આવી?' મિત્ર કહે, 'અપશુકન થયા. હવે જરૂર પેપર ખરાબ જશે.' નારાયણ હસવા લાગ્યા કહે, 'આ નાનકડી બિલાડી હવે તારું ભવિષ્ય નક્કી કરશે?' મિત્ર કહે, 'બિલાડી આડી ઊતરે તો અપશુકન થાય. નારાયણ કહે, 'તું આવી અંધશ્રદ્ધામાં કેમ માને છે? તને તારી મહેનત પર વિશ્વાસ નથી?' મિત્ર કહે, 'આજનું પેપર અઘરું છે અને બિલાડી આડી ઊતરી, હવે પેપર સારું નહીં જાય.' નારાયણ કહે, 'અરે... રે! તું આવું બધું કેમ માને છે? બિલાડી તો બિચારી એક જીવ છે. રસ્તામાં આમથી તેમ જાય. તેમાં આપણને શું શુકન-અપશુકન? જો સાંભળ. ભગવાનને યાદ કરી પેપર લખજે. જોજે આજનું પેપર સૌથી સારું જશે. ચાલ ચાલવા માંડ.' નારાયણે દૃઢ વિશ્વાસથી કહ્યું, એટલે મિત્રમાં હિંમત આવી ગઈ.

અને સાચે જ તેનું પેપર સૌથી સારું ગયું. અપશુકન ન થયા. દર વખતની જેમ નારાયણ પહેલે નંબરે પાસ થયા અને તેમનો મિત્ર બીજે નંબરે પાસ થયો. મિત્ર કહે, 'નારાયણ, તમે સાચું કહેતા હતા. બિલાડી કાંઈ અપશુકન કરતી નથી. હવેથી હું અંધશ્રદ્ધા બિલકુલ નહીં રાખું. તમે મારું અજ્ઞાન ટાળ્યું. હવેથી હું બધી ક્રિયામાં પહેલા ભગવાનને યાદ કરીશ, પછી કામની શરૂઆત કરીશ.' મિત્રને ભગવાનમાં વિશ્વાસ થયો અને તેને અંધશ્રદ્ધામાંથી મુક્ત કર્યાનો સંતોષ નારાયણના ચહેરા પર ઝળકી રહ્યો.

---------

→ શ્રીજીમહારાજને દરેક ક્રિયામાં સંભારવાથી તેઓ ક્રિયામાં ભળે, એટલે બધા શુકન જ થાય.

→ ખોટા અંધવિશ્વાસમાં માની જીવનનો કિંમતી સમય વેડફવો નહીં.

સ્વાધ્યાય

પ્રશ્નોના ઉત્તર આપો.

(૧) નારાયણ અને તેમનો મિત્ર ક્યાં જઈ રહ્યા હતા?

(૨) મિત્ર શા માટે ચિંતામાં હતો?

(૩) મિત્ર શા માટે રસ્તામાં ઊભો રહી ગયો?

(૪) બિલાડીના અપશુકન વિશે નારાયણે મિત્રને શું સમજાવ્યું?

ખાલી જગ્યા પૂરો.

(૧) રસ્તામાં ---------- આડી ઊતરી.

(૨) આ નાનકડી બિલાડી હવે તારું ---------- નક્કી કરશે.

(૩) તું આવી ---------- માં કેમ માને છે?

(૪) જો સાંભળ ---------- ને યાદ કરી પેપર લખજે.