૫ સાદા ભોજનમાં આનંદ

એક દિવસની વાત છે. શાકુબા સવારે કામે જવા તૈયાર થયાં. નારાયણ પણ તૈયાર થઈ ગયા. શાકુબા કહે, 'નારાયણ, હું તમને રોજ ના પાડું છું, મારી સાથે કામ કરવા ન આવો. તમારા જેવડા બાળકો કેવી સરસ રમતો રમે છે. તમે પણ તેમની સાથે રમવા જાઓ.' નારાયણ કહે, 'મા, સાંજે કામેથી આવીને પછી જઈશ. હું તો નાનો છું. તમને કામમાં થોડીક જ મદદ કરી શકું છું. મોટો થઈશ ત્યારે તમારે કામ કરવું નહીં પડે. બધું કામ હું કરીશ.' શાકુબાને નાનકડા નારાયણ પર બહુ વહાલ ઉપજ્યું. બન્ને સાથે કામે ગયા. સાંજે પાછા આવ્યા. નારાયણે હાથ-મોઢું ધોયાં. માને કહે, 'મા, આજે તો બહુ ભૂખ લાગી છે, ખાવા આપો.' શાકુબા કહે, 'હમણાં જ આપું છું. આજે તો તમે ઘણું કામ કર્યું છે તેથી થાકી ગયા હશો.' થાળી પીરસતા શાકુબાની આંખો ભીની થઈ ગઈ. નારાયણ કહે, 'શું થયું મા? કેમ રડો છો?' શાકુબા કહે, 'બેટા! અબજીબાપાશ્રીએ કહ્યું હતું, તમે અનાદિમુક્ત છો. અનેક જીવોના કલ્યાણ કરવા આવ્યા છો. સ્વતંત્ર છો.' નારાયણ મા સામે જોઈ રહ્યો. શાકુબા કહે, 'અરે નારાયણ! તમે અમારા જેવા નિર્ધન કુટુંબમાં કેમ આવ્યા? કોઈ શ્રીમંતને ત્યાં આવી શાંતિથી કલ્યાણનું કાર્ય કરતા હોત તો? હું તો તમને સારું ભોજન પણ નથી આપી શકતી. સારું ભોજન ક્યાં, શાક પણ નથી આપી શકતી. આજે તો ફક્ત છાશ ને રોટલા જ ખાવામાં છે.' અને શાકુબા રડી પડ્યાં.

નારાયણ શાકુબાની બાજુમાં બેઠા. શાકુબાને કહે, 'મા, તમને કોણે કહ્યું અહીં દુઃખ છે? છાશ અને રોટલા મને બહુ ભાવે છે. સાદું ભોજન જમીએ તો ભગવાન સરસ ભજાય.' શાકુબા કહે, 'બેટા, એ તો મને આશ્વાસન આપવા તમે આવું કહો છો. ફક્ત છાશ ને રોટલા કાંઈ ભાવતું હશે?' નારાયણ કહે, 'મા, શ્રીમંતાઈને લીધે રજોગુણી થઈ જવાય. દરરોજ સ્વાદુ ભોજન જમવાથી સ્વાદિયા થઈ જવાય. ભગવાન ભજવામાં આનંદ ન આવે. જે વસ્તુ ભગવાન ભજવામાં આનંદ ન આપે તે શા કામની? મને તો છાશ-રોટલા જ બહુ ભાવે છે. તમે મનમાં જરા ય શોક રાખશો નહીં. મા, તમે તો આ પૃથ્વી પરના શ્રેષ્ઠ માતા છો. એટલે જ હું તમારા પુત્રરૂપે આવ્યો છું.' શાકુબા આવા પુત્ર પ્રાપ્ત થયા બદલ પોતાના અહોભાગ્ય માનવા લાગ્યાં.

---------

→ મુક્તરાજ આપણને શીખવે છે કે આપણાથી બનતી મદદ-સેવા માતા-પિતાને કરવી.

→ અનાદિમુક્ત દાખલો બેસાડવા જ આર્થિક સંકડામણ ભોગવે છે.

→ ભગવાન ભજવામાં આ લોકની કહેવાતી મુશ્કેલી ક્યારેય બાધ્ય થતી નથી.

→ ભગવાનની મરજી જાણી જેવું ભોજન મળે તે આનંદ સહિત ને ભગવાનની સ્મૃતિએ સહિત જમવું.

સ્વાધ્યાય

પ્રશ્નોના ઉત્તર આપો.

(૧) શાકુબા શા માટે રડતા હતાં?

(૨) સાદા ભોજન માટે નારાયણે શાકુબાને શું કહ્યું?

ખાલી જગ્યા પૂરો.

(૧) શ્રીમંતાઈને લીધે ---------- થઈ જવાય.

(૨) દરરોજ---------- ભોજન જમવાથી ---------- થઈ જવાય.

(૩) જે વસ્તુ ---------- ભજવામાં આનંદ ન આપે તે શા કામની?

(૪) તમે તો આ ---------- પરના ---------- માતા છો.