૨૯ નીતિવાન
એક વખત રીસેસના સમયે ભાઈ ઑૅફિસમાં એક શિક્ષક સાથે બેઠા હતા. ત્યાં તે શિક્ષકે ચપરાસીને બોલાવ્યો અને પોતાના માટે કંઈક વસ્તુ બજારમાંથી લાવવાનું કહ્યું. ચપરાસીએ ભાઈ પાસે આવી કહ્યું, 'સાહેબ, હું બજારમાં જાઉં છું તો આપને કંઈ મંગાવવું છે?' ભાઈએ કહ્યું, 'રિસેસનો સમય છે અને તમે આ સાહેબ માટે જાવ છો એટલે કહું છું..... આ પૈસા લ્યો.' ચપરાસી કહે, 'શું લાવવાનું છે?' ભાઈ કહે, 'બે કવર અને થોડી ટાંકણી.' આવું સાંભળી એક શિક્ષક કહે, 'અરે! ભાઈ કબાટમાં ઘણા કવર પડ્યા છે અને ટાંકણી તો આ રહી.' ભાઈ કહે, 'મને એની ખબર છે.' શિક્ષક કહે, 'તો બીજા વધારે કેમ મંગાવ્યા? અને તમારા પૈસા શા માટે આપો છો?' ભાઈ કહે, 'મારે અંગત કામ છે.'
શિક્ષક કહે, 'એમાં બહારથી કવર શા માટે મંગાવો છો? કબાટમાંથી લઈ લ્યો.' ચપરાસી કહે, 'સાહેબ તો કાયમ મારી પાસે મંગાવે છે.' ભાઈ કહે, 'શાળાનું કામ નથી. મારું અંગત કામ છે. મારા કામ માટે હું શાળાની વસ્તુઓ ન વાપરી શકું.' શિક્ષક કહે, 'એમાં શું? આપણે અહીં કામ કરીએ છીએ. એવી નાની વસ્તુ વાપરીએ તેમાં ક્યાં કાંઈ બગડી જાય છે?' ભાઈ કહે, 'અહીં કામ કરીએ તેથી શું? આપણને અંગત કામ માટે શાળાની વસ્તુ વાપરવાનો અધિકાર નથી મળી જતો.' શિક્ષક કહે, 'આમાં ક્યાં ખોટી રીતે અધિકાર ભોગવ્યાની વાત આવી? એકાદ કવર કે ટાંકણી વાપરીએ એમાં શાળાને શું નુકસાન થવાનું છે?' ભાઈ કહે, 'હું તેમાં માનતો નથી. મારી નીતિમત્તાના સિદ્ધાંતમાં એ વાત ન આવે. કાગળ, કવર તો શું હું તો શાળામાં હોઉં ત્યારે અંગત કામ માટે શાળાની પેન-પેન્સીલ પણ નથી વાપરતો. શાળામાં તો આપણા ઉપયોગની ઘણી વસ્તુઓ હોય. આપણે આપણા અંગત ઉપયોગ માટે તે ન વપરાય. વાપરવા માંડીએ તો શાળાને નુકસાન થયા વગર ન રહે.
હું તો માનું છું કે, જ્યાં કામ કરતા હોઈએ ત્યાં પૂરી નીતિથી કાર્ય કરવું. નીતિ એટલે ફક્ત બરોબર ભણાવવું એટલું જ નહીં. દરેક વાતમાં નીતિમત્તા જળવાવી જોઈએ. આપણા વર્તન દ્વારા પણ વિદ્યાર્થીને શીખવી શકીએ. વાણી અને વર્તન સરખા હોય તો જ વિદ્યાર્થી પર તેની અસર થાય. આપણો આદર્શ તેઓ પોતાના જીવનમાં ઉતારે. ભવિષ્યમાં નીતિવાન ને ચારિત્ર્યવાન વિદ્યાર્થીઓ બહાર આવે.' શિક્ષક કહે, 'નીતિમત્તાની આટલી ઝીણી વાત તો તમારી પાસેથી જ શીખવા મળે. ભાઈ તમે એક આદર્શ શિક્ષક છો.'
---------
અઘરા શબ્દો
અંગત = પોતાનું
આદર્શ = સૌથી ઊંચું લક્ષ્ય
ચપરાશી = પટાવાળો
→ ભાઈ શીખવે છે કે, જ્યાં કામ કરતા હોઈએ, ત્યાં પૂર્ણ નીતિમત્તાથી કામ કરવું.
→ વાણી અને વર્તન સમાન હોય તો જ વ્યક્તિ પર તેની અસર થાય.
સ્વાધ્યાય
પ્રશ્નોના ઉત્તર આપો.
(૧) ભાઈએ ચપરાસી પાસે શું મંગાવ્યું? શા માટે?
(૨) બહારથી વસ્તુ મંગાવવા વિશે શિક્ષકે ભાઈને શું કહ્યું?
(૩) ભાઈ શા માટે શાળાની વસ્તુ નહોતા વાપરતા?
(૪) નીતિમત્તા માટે ભાઈએ શું કહ્યું?
ખાલી જગ્યા પૂરો.
(૧) મારે ---------- કામ છે.
(૨) શાળાની ---------- વાપરવાનો ---------- નથી મળી જતો.
(૩) શાળામાં હોઉં ત્યારે અંગત કામ માટે શાળાની --------- પણ નથી વાપરતો.
વાક્ય પૂર્તિ કરો.
(૧) વાણી અને વર્તન સરખા હોય ............. વિદ્યાર્થીઓ બહાર આવે.