૬ માતા બન્યા સાચા શિક્ષક
શાકુબાને ધીરે-ધીરે સારું કામ મળવા લાગ્યું. ઘરમાં થોડીક આવક થઈ. શાકુબા નારાયણને કહે, 'નારાયણ, બેટા મારી પાસે આવો.' નારાયણ શાકુબા પાસે આવ્યા. શાકુબા કહે, 'બેટા, મારી ઇચ્છા તમને ખૂબ ભણાવવાની છે. હવે ફરીથી તમારે શાળાએ ભણવા જવાનું છે.' નારાયણ કહે, 'ભલે મા હું શાળાએ જઈશ.'
શાકુબા કહે, 'બેટા, મારી એક વાત હંમેશાં યાદ રાખજો. શાળામાં શિક્ષક ભણાવે ત્યારે બરોબર ધ્યાન રાખીને ભણવું.'
નારાયણ કહે, 'ભલે. હું બરોબર ભણીશ.' શાકુબા કહે, 'શાળાએ જતા-આવતા મહારાજની સ્મૃતિ રાખવી અને સ્વામિનારાયણ-સ્વામિનારાયણ ભજન કરવું. આડું-અવળું બહુ જોવું નહીં.'
નારાયણ કહે, 'આવું હું ચોક્કસ કરીશ.' શાકુબા કહે, 'જાણીને કોઈ સ્ત્રીનો સ્પર્શ કરવો નહીં. અજાણતા સ્પર્શ થઈ જાય તો ઘરે આવી ભગવાનની સ્મૃતિ સાથે સ્નાન કરવું.' નારાયણે દૃઢપણે કહ્યું, 'મા, તમારી આ વાત તો હું જીવનભર યાદ રાખી તે પ્રમાણે જ વર્તીશ.' નારાયણના આવા વિશ્વાસપૂર્ણ વચન સાંભળી શાકુબા બહુ જ ખુશ થયાં.
નારાયણને માથે વહાલથી હાથ ફેરવ્યો અને શાળામાં દાખલ કરી આવ્યા. (માતાને આપેલું વચન નારાયણમામાએ જીવનપર્યંત પાળ્યું.)
---------
→ દરેક ક્રિયામાં શ્રીજીમહારાજનું અનુસંધાન રાખવું.
→ એક ચિત્ત રાખી શિક્ષણ ગ્રહણ કરવું.
સ્વાધ્યાય
પ્રશ્નોના ઉત્તર આપો.
(૧) શાળાએ જતા પહેલા શાકુબાએ નારાયણને કઈ શિખામણ આપી?
(૨) શિખામણનો નારાયણે શો ઉત્તર આપ્યો?
ખાલી જગ્યા પૂરો.
(૧) શાળાએ જતા-આવતા ---------- ની સ્મૃતિ રાખવી અને ---------- ભજન કરવું.
(૨) જાણીને કોઈ ---------- નો સ્પર્શ કરવો નહીં.
(૩) તમારી આ વાત હું ---------- યાદ રાખીશ.