૨૩ માતાજીને દર્શન
શાળામાં પ્રવાસનું આયોજન થયું. નક્કી થયું કે, આ વર્ષે પાવાગઢ જઈશું. ભાઈને વાત કરી. ભાઈ કહે, 'તમે બધા જઈ આવો. મને બહુ નહીં ફાવે.' શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ખૂબ આગ્રહ કર્યો. બધાનો પ્રેમ જોઈ ભાઈ કહે, 'ભલે. આપણે બધા જઈશું.' બધા ખુશ થઈ ગયા. પ્રવાસ ઉપડ્યો. બસ સવારમાં પાવાગઢ પહોંચી ગઈ. વિદ્યાર્થીઓ આનંદમાં હતા. બધા પર્વત ચડવાની ઉતાવળમાં હતા. એકબીજાને કહેવા લાગ્યા, 'હું સૌથી પહેલા ચડી જઈશ.' ભાઈ કહે, 'ભગવાનનું નામ લઈ સૌએ ચડવાની શરૂઆત કરવાની છે.' બધાએ ભગવાનને યાદ કર્યા અને ચડવા લાગ્યા. સૌથી છેલ્લા મંદિરના પગથિયા આવ્યા. ભાઈ એક ઝાડ નીચે બેસી ગયા.
સાથેના શિક્ષક કહે, 'ભાઈ હવે તો થોડાંક દાદરા જ રહ્યા છે. ચડી જવાશે.' ભાઈ કહે, 'તમે બધા દર્શન કરી આવો. હું અહીં જ બેઠો છું.' શિક્ષકોએ ઘણું કહ્યું, પણ ભાઈએ ના પાડી. ધીરે ધીરે શિક્ષકો મંદિરના પગથિયા ચડવા લાગ્યા. શિક્ષક અને વિદ્યાર્થીઓને એક સ્ત્રી દાદરા ઉતરતી દેખાઈ. તેણે સફેદ વસ્ત્રો પહેર્યાં હતાં. તેનું સ્વરૂપ સુંદર અને સૌમ્ય હતું. બધા તેને જોઈ રહ્યા. સ્ત્રી દાદરા ઉતરી ભાઈ પાસે આવી. શિક્ષક અને વિદ્યાર્થી દાદરા ચડતા અટકી ગયા. સ્ત્રી ભાઈ પાસે શા માટે ગઈ? સ્ત્રી ભાઈને પગે લાગી. ભાઈને કહે, 'તમે અત્યંત તેજસ્વી, મહાન આત્મા છો. આપનામાં પરમાત્માના અદ્ભુત સામર્થ્યના મને દર્શન થાય છે. આપના જેવા દિવ્ય પુરુષના મેં ક્યારેય દર્શન નથી કર્યા. તમે મહાન છો. મારું કલ્યાણ થાય તેવા આશીર્વાદ આપો. મારો મોક્ષ કરો.' ભાઈએ તેને આશીર્વાદ આપ્યા. અને કહ્યું, 'માતાજી! આપનું કાર્ય હજુ બાકી છે. તે પૂરું થતાં પૂર્ણ પુરુષોત્તમ પરમાત્મા આપનો મોક્ષ કરશે.' તે અત્યંત રાજી થઈ. ભાઈને ફરી પાછા વંદન કર્યા અને અદૃશ્ય થઈ ગઈ. બધા દોડતા ભાઈ પાસે આવ્યા. ભાઈને પૂછવા લાગ્યા, 'કોણ હતી એ! અમને તો એમ કે કોઈક સ્ત્રી આપને પગે લાગે છે. આશીર્વાદ માંગે છે. આ તો અદૃશ્ય થઈ ગયા.' ભાઈ કહે, 'એ પાવાગઢના માતાજી મહાકાળી હતા. અહીં દર્શન કરવા આવ્યા હતા. ભગવાનના આશીર્વાદ લઈ અદૃશ્ય થઈ ગયા.'
એક વિદ્યાર્થીએ પૂછ્યું, 'આ તો કેટલા સુંદર હતા! મંદિરમાં તો આવું સુંદર સ્વરૂપ નથી.' ભાઈ કહે, 'મંદિરમાં ભલે ગમે તેવું સ્વરૂપ હોય, ખરેખર માતાજી આવું સૌમ્ય અને સુંદર સ્વરૂપ ધરાવે છે.' એક શિક્ષક કહે, 'ભાઈ, અમે માતાજીના દર્શન કરવા ગયા અને માતાજી આપના દર્શન કરવા અહીં નીચે સુધી આવ્યા!' ભાઈ કહે, 'સ્વામિનારાયણ ભગવાનના આશીર્વાદ લેવા તો દરેક દેવી-દેવતાઓ આવે.' વિદ્યાર્થીઓ કહે, 'પણ તેઓ તો આપની પાસે આવ્યા હતા.' ભાઈ કહે, 'હા. હું સ્વામિનારાયણ ભગવાનનો દૃઢ આશ્રિત છું. મારી સાથે ભગવાન સદાય હોય છે. એટલે તેઓ આવ્યા હતા. મેં તેમને ભગવાન સંભારી આશીર્વાદ આપ્યા.' બધા વાત સાંભળી દિગ્મૂઢ બની ગયા. વિચારવા લાગ્યા. ઓ હો! ભાઈ કેવા મહાન છે!! દેવી-દેવતાઓ પણ તેમના દર્શન કરવા આવે છે! આપણા મોટા ભાગ્ય કે, આપણને ભાઈ સાથે રહેવા મળે છે. બધાએ ભાઈને ગદગદ ભાવે વંદન કર્યા.
---------
અઘરા શબ્દો
દિગ્મૂઢ = ચકિત, છક, સ્તબ્ધ
દાદરા = પગથિયા
→ અનાદિમુક્તનું સાર્મથ્ય જોઈ દેવી-દેવતાઓ પણ પોતાના કલ્યાણના આશીર્વાદ લેવા આવે છે.
→ અનાદિમુક્તના આશીર્વાદ ભગવાનના આશીર્વાદ જેવું જ કામ કરે છે. કારણ કે અનાદિમુક્ત દ્વારા આશીર્વાદ આપનાર ભગવાન પોતે છે.
સ્વાધ્યાય
પ્રશ્નોના ઉત્તર આપો.
(૧) શાળાનો પ્રવાસ ક્યાં ગયો હતો?
(૨) મંદિરના દાદરા ચડતા શિક્ષક અને વિદ્યાર્થીઓએ શું જોયું?
(૩) બધા ભાઈને શું પૂછવા લાગ્યા? ભાઈએ શો ઉત્તર આપ્યો?
ખાલી જગ્યા પૂરો.
(૧) તમે અત્યંત ---------- મહાન આત્મા છો.
(૨) આપનામાં અદ્ભુત ---------- મને દર્શન થાય છે.
(૩) આવા ---------- પુરુષના મેં ક્યારેય ---------- કર્યા નથી.
(૪) મારું ---------- થાય તેવા આશીર્વાદ આપો. મારો---------કરો.
(૫) એ પાવાગઢના ---------- હતા.