૧૪ અલૌકિક રમત
એક દિવસ નારાયણના ઘરે તેમના મિત્રો આવ્યા. નારાયણને કહે, 'ચાલો નારાયણ રમવા જઈએ.' થોડું કામ પતાવી નારાયણ મિત્રો સાથે રમવા ગયા. બધા તળાવ કિનારે આવ્યા. એક મિત્ર કહે, 'ચાલો પકડદાવ રમીએ.' બીજો કહે, 'એ તો દરરોજ રમીએ છીએ. આજે કાંઈક નવું રમીએ.' નારાયણ કહે, 'આજે હું એક નવી રમત શીખવાડું?' બધા આનંદમાં આવી ગયા. 'હા-હા નવી રમત - નવી રમત' એમ બોલવા લાગ્યા. નારાયણ કહે, 'આજે ભગવાનનું ધ્યાન કરવાની રમત રમીએ.' મિત્રો કહે, 'એ કેવી રમત? એમાં શું કરવાનું?' નારાયણ કહે, 'આંખો બંધ કરી ભગવાનની મૂર્તિ અંતરમાં જોવાની.' મિત્રો કહે, 'એમાં શું મઝા આવે?' નારાયણ કહે, 'એક વખત ધ્યાન કરતાં આવડી જાય પછી તેમાં જ આનંદ આવે. બીજું કાંઈ ગમે જ નહિ.' મિત્રો કહે, 'એમ? બહુ આનંદ આવે? તો અમને બધાને શીખવાડશો?' નારાયણ કહે, 'જરૂરથી. એ શીખવાડવું મને બહુ ગમશે. પહેલા બધા પલોઠી વાળી બેસી જાવ.' બધા તેમ બેસી ગયા. નારાયણ આગળ બોલ્યા, 'હવે મન શાંત કરો. ભગવાનને યાદ કરવાનો પ્રયત્ન કરો. ભગવાન સિવાય બીજા કોઈ વિચાર કરવાના નહીં.' બધા પ્રયત્નો કરવા લાગ્યા. નારાયણ ધીમા સ્વરે બોલ્યા, 'અંતરમાં ભગવાનની મૂર્તિ જોવાનો પ્રયત્ન કર્યા કરો.' નારાયણના અવાજમાં કોમળતા હતી. બધા તેને અનુસરવા લાગ્યા. થોડીવાર બધા બેસી રહ્યા. થોડીવારે એક પછી એક બધા ઊઠી ગયા. નારાયણ બેસી રહ્યા. મિત્રોએ તેમને ઉઠાડ્યા. એક મિત્ર કહે, 'મને ભગવાન દેખાયા નહીં.' બીજો કહે, 'મને તો ફક્ત અંધારું-અંધારું દેખાતું હતું.' ત્રીજો કહે, 'હું તો રમવાના વિચારોમાં ખોવાઈ ગયો હતો.' બધાએ નારાયણને પૂછ્યું, 'નારાયણ, તમને શું દેખાતું હતું?' નારાયણ કહે, 'મને ભગવાનની તેજોમય મૂર્તિ દેખાતી હતી. એ મૂર્તિ અતિશય સુંદર છે. એકવાર તેના દર્શન થાય પછી તેને મૂકવાનું મન ન થાય.' એક મિત્રએે પૂછ્યું, 'તો અમને કોઈને કેમ એવાં દર્શન ન થયા?' નારાયણ કહે, 'એના માટે અભ્યાસ કરવો પડે. રોજ થોડીવાર મૂર્તિ સામે બેસવું પડે.' મિત્રએ પૂછ્યું, 'કઈ મૂર્તિ સામે?' નારાયણ કહે, 'ઘનશ્યામ મહારાજ, નીલકંઠવર્ણી, સહજાનંદ સ્વામી જે સ્વરૂપની મૂર્તિ ગમતી હોય તેની સામે બેસવું.' મિત્ર કહે, 'પછી શું કરવાનું?' નારાયણ કહે, 'એ મૂર્તિ સામે શાંત ચિત્તે બેસી તેને યાદ કરવી. રોજે-રોજ થોડી-થોડીવાર એમ કરવાથી મૂર્તિ યાદ રહી જાય.' મિત્ર કહે, 'એને ધ્યાન કહેવાય?' નારાયણ બોલ્યા, 'એ મૂર્તિને આંખો બંધ કરી અંતરમાં ધારવાની.' મિત્ર ફરી બોલ્યા, 'એ ધ્યાન કહેવાય?' નારાયણ હસતા-હસતા બોલ્યા, 'ભાઈ, સાંભળવાની તો ધીરજ રાખ.' મિત્રએ પાછું પૂછ્યું, 'આવું કેટલા દિવસમાં થાય?' બીજો મિત્ર કહે, 'એમાં શું ત્રણ-ચાર દિવસ કરવાનું, એટલે આવડી જાય.' નારાયણ કહે, 'ના. એ તો ધીરે ધીરે પ્રયત્ન કરે ત્યારે કેટલાય વર્ષો પછી પાકું થાય.' મિત્ર કહે, 'વર્ષો પછી! બાપ રે!' નારાયણ કહે, 'એટલે જ મેં કહ્યું નાની ઉંમરથી પ્રયત્ન કરવા માંડે, તો મોટા થતાં ભગવાનનું સુખ આવે.' મિત્રએ પૂછ્યું, 'નારાયણ, તમને મહારાજની મૂર્તિ કેટલી યાદ રહી છે?' નારાયણ કહે, 'મને તો ભગવાન સદાય તેજોમય દર્શન આપે છે.' મિત્ર કહે, 'એ કેવી રીતે? તમે તો હજુ નાના છો. તમે જ કહો છો આમાં વર્ષો લાગે છે!' નારાયણ કહે, 'ભગવાનની કૃપાથી મને હંમેશાં દિવ્ય તેજોમય દર્શન થાય છે.'
મિત્ર કહે, 'તમને ભગવાનના એવા દર્શન થાય છે, એટલે જ ઘનશ્યામ મહારાજ તમારી સાથે વાતો કરે છે અને અમારી સાથે નથી કરતા.' એક મિત્રએ પૂછ્યું, 'ભગવાન મને એવા દર્શન આપે?' નારાયણ કહે, 'કેમ નહીં? મનમાં ખરો ભાવ હોય અને ત્વરાથી ભગવાનનું ધ્યાન કરીએ તો ભગવાન જરૂરથી દર્શન આપે.' મિત્ર કહે, 'પછી મારી સાથે વાતો કરે?' નારાયણે હા પાડી. મિત્ર કહે, 'મને તેમના ખોળામાં પણ બેસાડે?' નારાયણ કહે, 'હા. બેસાડે પણ ખરા.' મિત્ર કહે, 'અને લાડુ પણ આપે?' બધા ખડખડાટ હસવા લાગ્યા કહે, 'આ તો લાડુ ભગત છે.' નારાયણે હસતા-હસતા કહ્યું, 'હા. લાડુ પણ આપે.' મિત્રો કહે, 'નારાયણ, હવે અમે જરૂરથી ધ્યાન કરવાનો અભ્યાસ કરીશું. તમે અમને શીખવાડજો.' નારાયણ ખુશ થયા અને બોલ્યા, 'જરૂરથી. એ તો મને ખૂબ ગમશે.'
---------
→ શ્રીજીમહારાજના અનાદિમુક્તોને સદાય મૂર્તિના સુખનો દિવ્ય આનંદ હોય છે.
→ મુક્તરાજ શીખવે છે કે, ધ્યાનનો અભ્યાસ નાનપણથી જ કરવામાં આવે તો મોટી ઉંમરે કાંઈક પ્રાપ્તી થાય.
→ ધ્યાનની લટક અનાદિમુક્ત પાસેથી શીખી લેવી.
સ્વાધ્યાય
પ્રશ્નોના ઉત્તર આપો.
(૧) નારાયણ અને મિત્રો ક્યાં રમવા ગયા?
(૨) નારાયણે કઈ રમત રમવાનું કહ્યું?
(૩) ધ્યાન કેવી રીતે કરવું?
ખાલી જગ્યા પૂરો.
(૧) આજે ---------- નું ધ્યાન કરવાની રમત રમીએ.
(૨) ભગવાન સિવાય બીજા કોઈ---------- કરવાના નહીં.
(૩) મને ભગવાનની ---------- મૂર્તિ દેખાતી હતી.
(૪) મનમાં ખરો ---------- હોય અને ---------- થી ભગવાનનું---------- કરીએ તો ભગવાન જરૂરથી દર્શન આપે.