૨૫ દયાળુ શિક્ષક

શાળામાં રિસેસનો સમય હતો. બાળકો મેદાનમાં રમતા હતા. એવામાં એક છોકરાને પગમાં કાચ વાગી ગયો. લોહી નીકળવા લાગ્યું. છોકરાને સ્ટાફ રૂમમાં લઈ આવ્યા. ચપરાસી છોકરાને દવા લગાવી આપતો હતો. ભાઈની નજર ત્યાં પડી. ભાઈ કહે, 'શું થયું? શું વાગ્યું આને?' ચપરાસી કહે, 'સાહેબ, એ તો છોકરાને વાગી ગયું છે. હું દવા લગાડી આપું છું.' ભાઈ છોકરા પાસે આવ્યા. તેને લોહી નીકળતું હતું. ભાઈ કહે, 'આને તો પાટો બાંધવો પડશે. લાવ હું પાટો બાંધી આપું.' ભાઈએ છોકરાને પૂછ્યું, 'આટલું બધું શું વાગી ગયું?' છોકરો કહે, 'સાહેબ કાચ વાગી ગયો.' ભાઈ કહે, 'કાચ ક્યાંથી આવ્યો?' છોકરો કહે, 'ખબર નહીં સાહેબ. કોઈની બાટલી ફૂટી ગઈ હશે.'

ભાઈએ ચપરાસીને કહ્યું, 'બધા કાચ વાળી લો. નહીં તો બીજાને વાગી જશે.' ભાઈએ છોકરાને પૂછ્યું, 'તને કાચ કેવી રીતે વાગી ગયો? ચંપલ નહોતા પહેર્યાં?' છોકરો કાંઈ બોલ્યા વગર નીચું જોઈ ગયો. ભાઈએ ફરી પૂછ્યું, 'શું થયું? જવાબ આપ.' છોકરો કહે, 'સાહેબ, મારી પાસે ચંપલ નથી. અમે બહુ ગરીબ છીએ. મને ભણવું બહુ ગમે છે. એટલે માતા-પિતા માંડ-માંડ ભણાવે છે, અમારી પાસે ચંપલ લેવાના પૈસા ન હોય.' છોકરાની સાથે ભાઈ પણ જાણે દિલગીર થઈ ગયા. તેમને થયું નાનપણથી જ બાળકોને કેવી-કેવી મુશ્કેલીઓ જોવી પડે છે! ભાઈએ ચપરાસીને બોલાવ્યો. અને કહ્યું, 'લ્યો આ પૈસા અને છોકરાને ચંપલ લાવી આપો.' ચપરાસી કહે, 'જરૂરથી. સાહેબ, તમે બહુ સારું કામ કર્યું. આ છોકરો ભણવામાં ખૂબ હોશિયાર છે. પણ તેના માતા-પિતા બહુ જ ગરીબ છે.' છોકરો કહે, 'સાહેબ, તમારો ખૂબ આભાર, પણ મારે ચંપલ નથી જોઈતા. મારી પાસે તમને પાછા આપવા માટે પૈસા ન હોય.'

ભાઈ કહે, 'મારે પૈસા પાછા નથી જોઈતા.' છોકરો કહે, તો પછી મારે ચંપલ જોઈતા જ નથી. મારી માતાએ શીખવાડ્યું છે કે, કોઈ પાસે કંઈ માંગવું નહીં.' ભાઈ કહે, 'તારી વાતથી હું ખૂબ ખુશ થયો છું. તારી માતાએ તને ખૂબ સારા સંસ્કાર આપ્યા છે. તું ક્યાં માંગે છે? આ તો હું તને પ્રેમથી આપું છું. તે માગ્યું ન કહેવાય.' છોકરો ઉદાસ થઈ ગયો. ભાઈ કહે, 'શું થયું? કાંઈ કહેવું છે?' છોકરો કહેવામાં સંકોચ અનુભવતો હતો. ભાઈ કહે, 'નિઃસંકોચ તું મને કહે. હું તારું દુઃખ બરાબર સમજી શકું છું.' છોકરો કહે, 'સાહેબ, તમે મદદ જ કરવા માંગતા હો તો મારી પરીક્ષાની ફી આપો. હું એ નહીં ભરું તો મારું વરસ બગડશે. પછી મારા પિતા મને આગળ ભણાવશે નહીં. મારે ચંપલ નથી જોઈતા. તમે મારી ફી આપો.' ભાઈને છોકરા માટે ગર્વ થયો. છોકરાને ભણવાની કેટલી ગરજ છે! ભાઈ કહે, 'હું તને ચંપલ પણ આપીશ અને તારી ફીના પૈસા પણ આપીશ.' છોકરો ભાવુક થઈ ગયો. ભાઈના ચરણોમાં ઝૂકી ગયો. કહે, 'સાહેબ, હું ખૂબ ખંતપૂર્વક અભ્યાસ કરીશ. આપે મારું વરસ નહીં પણ જિંદગી બચાવી લીધી છે.' ભાઈ કહે, 'કોઈ વખત મદદની જરૂર હોય તો જરૂરથી આવજે.' છોકરો ગળગળો થઈ ગયો. ફરીથી ભાઈને પગે લાગી પોતાના વર્ગમાં ગયો.

બીજા શિક્ષકો આ બધું જોતા હતા. ભાઈ પાસે આવીને કહે, 'સાહેબ, આપણા શિક્ષકોની આવક જ મહિને રૂ. ૮૦ છે. તેમાં આપણું માંડ પૂરું થાય છે, ત્યાં આને ક્યાં મદદ કરી.' ભાઈ કહે, 'આવી પરિસ્થિતિમાંથી હું પસાર થઈ ચૂક્યો છું. મને ખબર છે. ભણવું હોય અને પૈસા ન હોય ત્યારે બહુ મૂંઝવણ થાય.' શિક્ષક કહે, 'આપણી પાસે પણ ક્યાં વધારાના પૈસા છે?' ભાઈ કહે, 'આપણાથી શક્ય હોય તેટલી મદદ કરી શકાય. આપણે એકાદ મહિનો કરકસર કરવી પડે એટલું જ. આવી રીતે જરૂરિયાતવાળાને મદદ કરવાથી ભગવાન પણ રાજી થાય છે. આશીર્વાદ આપે છે.' શિક્ષક કહે, 'આવું તો તમારાથી જ થઈ શકે. ટૂંકી આવકમાં પણ બીજાને મદદ કરવી.' ભાઈ કહે, 'તે તેજસ્વી વિદ્યાર્થી છે. તેને ભણતરની કિંમત છે. તે લાયક છે માટે જ મેં તેની મદદ કરી છે.' શિક્ષક કહે, 'તમારા જેવું દયાળુ બધાથી ન થવાય. તમને ધન્ય છે.'

---------

→ ‘કોઈને દુઃખીયો રે દેખી ન ખમાય.’ ભાઈનો દયાળુ સ્વભાવ અહીં પ્રદર્શિત થાય છે.

→ યોગ્ય વ્યક્તિને આપણાથી બનતી મદદ હંમેશાં કરવી જોઈએ.

સ્વાધ્યાય

પ્રશ્નોના ઉત્તર આપો.

(૧) છોકરાને શું વાગ્યું? શા માટે વાગ્યું?

(૨) છોકરાએ ચંપલની શા માટે ના પાડી?

(૩) ચંપલની સાથે ભાઈએ બીજી શેની મદદ કરી?

(૪) બીજા શિક્ષકે ભાઈને શું કહ્યું?

(૫) મદદ કરવા માટે ભાઈએ શું કારણ આપ્યું?

ખાલી જગ્યા પૂરો.

(૧) મારી પાસે ---------- નથી અમે બહુ ---------- છીએ.

(૨) મારી ---------- ની ફી આપો.

(૩) આપણા શિક્ષકોની આવક જ મહિને ---------- છે.

(૪) આવી રીતે જરૂરિયાતવાળાને ---------- કરવાથી ------- રાજી થાય છે.

યોગ્ય ક્રમમાં ગોઠવો.

(૧) છે કોઈ મારી કંઈ માતાએ પાસે શીખવાડ્યું નહીં માંગવું કે.

(૨) અને ભણવું ન હોય બહુ પૈસા હોય મૂંઝવણ થાય ત્યારે.

(૩) થાય પણ આવી. જરૂરિયાતવાળાને ભગવાન રીતે મદદ છે રાજી કરવાથી.

(૪) તમને દયાળુ જેવું છે. તમારા ધન્ય ન થવાય બધાથી.