પ્રકાશકીય

'શ્રી સ્વામિનારાયણ ડિવાઇન મિશન' સંસ્થા દ્વારા પ્રકાશિત બાલસાહિત્યમાં પરમ કૃપાળુ શ્રીજીમહારાજની પ્રેરણાથી 'બાળકોના મામાશ્રી' શીર્ષક હેઠળ એક વધુ મણકો ઉમેરતાં હર્ષની લાગણી ઉદભવે તે સ્વાભાવિક છે.

મુક્તરાજ શ્રી નારાયણભાઈને બાળકો પ્રત્યે કેવો પ્રેમ હતો તે કહેવાની આવશ્યકતા નથી. તે સર્વને સુવિદિત છે. પૂજ્યશ્રી નારાયણભાઈ કહેતા કે, 'માનવજીવનનું અંતિમ સોપાન પ્રભુ પ્રાપ્તિરૂપ આત્યંતિક કલ્યાણ છે, તો પ્રથમ સોપાન તે નિર્દોષ બાલ્યાવસ્થા છે. બાલ્યાવસ્થામાં ઉત્કૃષ્ટ સંસ્કારસિંચન ભાવિ ચારિત્ર્યવાન વ્યક્તિત્વનો પાયો છે. તે દૃઢ હશે તો વ્યક્તિત્વરૂપ ઇમારત સંગીન બનશે ને પોતાના લક્ષ્યને સિદ્ધ કરી શકશે. જો એમાં ઉણપ હશે તો આત્યંતિક મોક્ષરૂપ લક્ષ્યસિદ્ધિ નહિ સંભવી શકે. માટે મનુષ્યના ચારિત્ર્યનું ઘડતર તેની બાલ્યાવસ્થાથી જ થવું અનિવાર્ય છે.' પૂજ્યશ્રી નારાયણભાઈના આ વિધાનને લક્ષ્યમાં રાખી બાળકોના પ્રેરણાસ્રોત સમાન આ મુક્તરાજના પ્રેરણાદાયી જીવનપ્રસંગોને આધારે આ પુસ્તક તૈયાર કર્યું છે. તે જરૂર આવકારપાત્ર બનશે ને બાળકોમાં ઉદ્દાત સંસ્કારસિંચનનો સંચાર કરી પોષણ આપશે, તેવી અમને શ્રદ્ધા છે.

અંતમાં પૂર્ણ પુરુષોત્તમ પરમાત્મા શ્રીજીમહારાજ, પરમ કૃપાળુ બાપાશ્રી તથા સદગુરૂવર્ય પૂજ્યશ્રી નારાયણભાઈની નિ:સીમ કૃપા આ પવિત્ર કાર્યમાં સહભાગી બનનાર સર્વ ઉપર તથા પ્રભુપ્રસન્નતાના અધિકારી એવા નિર્મળ વાચક બાલવૃંદ ઉપર નિરંતર વરસતી રહો, એ જ અભ્યર્થના!

સં. ૨૦૭૧, મહા વદ બારસ

ઈ. સ. ૨૦૧૫, ૧૬ ફેબ્રુઆરી

પ્રકાશન સમિતિ

શ્રી સ્વામિનારાયણ ડિવાઈન મિશન