૭. અયોગ્ય સ્વભાવ રહેવાનું કારણ - વૈરાગ્યની દૂર્બળતા હોય તો વિકાર ટાળવા માટે બતાવેલ માર્ગ.
સંવત 1878ના શ્રાવણ સુદિ 11 એકાદશીને દિવસ રાત્રિને સમે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિર આગળ વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
પછી મુક્તાનંદ સ્વામીએ શ્રીજીમહારાજને પ્રશ્ન પૂછ્યો જે,
(પ્ર.૧) ભગવાનનો ભક્ત હોય તેના મનમાં તો એમ હોય જે ભગવાનના ભજનમાં અંતરાય કરે એવો એકે સ્વભાવ રાખવો નથી, તો ય પણ અયોગ્ય સ્વભાવ રહી જાય તેનું શું કારણ છે? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, જેને વૈરાગ્યની દુર્બળતા હોય તેને ટાળ્યાની શ્રદ્ધા હોય તો ય સ્વભાવ ટળે નહિ, જેમ દરિદ્રી હોય તે ઘણો સારાં સારાં ભોજન ને સારાં સારાં વસ્ત્રને ઇચ્છે પણ તે ક્યાંથી મળે? તેમ વૈરાગ્યહીન હોય તેના હૃદયમાં ઇચ્છા તો હોય પણ સાધુતાના ગુણ આવવા ઘણા દુર્લભ છે.(બા.૧)
પછી વળી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે,
(પ્ર.૨) જેને વૈરાગ્ય ન હોય તે શો ઉપાય કરે ત્યારે વિકાર ટળે? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, જે વૈરાગ્યહીન હોય તે તો કોઈ મોટા સંત હોય તેની અતિશે સેવા કરે અને પરમેશ્વરની આજ્ઞામાં જેમ કહે તેમ મંડ્યો રહે પછી પરમેશ્વર તેને કૃપાદૃષ્ટિએ કરીને જુએ જે, આ બિચારો વૈરાગ્ય રહિત છે તેને કામ-ક્રોધાદિક બહુ પીડે છે, માટે એના એ સર્વે વિકાર ટળો, તો તત્કાળ ટળી જાય અને સાધને કરીને તો બહુ કાળ મહેનત કરતાં કરતાં આ જન્મે ટળે અથવા બીજે જન્મે ટળે અને તરત જે વિકાર માત્ર ટળે તે તો પરમેશ્વરની કૃપાએ કરીને ટળે.(બા.૨)
ઇતિ વચનામૃતમ્ || 7 || (140)
રહસ્યાર્થ પ્રદી. -- આમાં પ્રશ્ન (૨) છે. તેમાં પહેલામાં વૈરાગ્ય ન હોય તો અયોગ્ય સ્વભાવ ટળે નહિ. (1) બીજામાં અમારી આજ્ઞામાં વર્તનારા અને અમારી મૂર્તિમાં નિમગ્ન એવા સંતની સેવા કરે ને અમારી આજ્ઞામાં વર્તે તો અમારી કૃપા થાય ને તત્કાળ વિકાર ટળી જાય અને સાધને કરીને તો બહુ કાળે ટળે એમ શ્રીજીમહારાજે કહ્યું છે. (2) બાબતો છે.
પ્ર.૧ પહેલા પ્રશ્નમાં વૈરાગ્ય નથી તેથી વિકાર ટળતા નથી એમ કહ્યું અને (મ. 6નાં બીજા પ્રશ્નમાં) વૈરાગ્ય હોય તો પણ પદાર્થ સ્ફુરી આવે છે એમ કહ્યું છે તે કેવી રીતે સમજવું?
ઉ.૧ (મ. 6માં) નવા આદરવાળાને હિંમત દેવા સારુ એમ કહ્યું છે પણ વૈરાગ્ય હોય તો બીજાં પદાર્થ સાંભરે જ નહિ.