વચનામૃત

૭. ગૃહસ્થને ભગવાનમાં અખંડ વૃત્તિ રાખવાનો ઉપાય - વૈરાગ્ય ઉદય થવાનું કારણ - આત્યંતિક કલ્યાણનું રૂપ - સિદ્ધદશાનું લક્ષણ.

0:000:00

 

સંવત 1877ના કાર્તિક સુદિ 1 પડવાને દિવસ રાત્રિને સમે ગામ શ્રી કારિયાણી મધ્યે વસ્તાખાચરના દરબારમાં ઉત્તરાદે બાર ઓરડાની આગળ દીપમાળા પૂરી હતી, અને તે દીપમાળા મધ્યે મંચ હતો, ને તે ઉપર પલંગ બિછાવ્યો હતો, ને તે પલંગ ઉપર શ્રીજીમહારાજ વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

પછી ગામ બોચાસણવાળા કાશીદાસે શ્રીજીમહારાજને પ્રશ્ન પૂછ્યો જે,

(પ્ર.૧) હે મહારાજ! ત્યાગી હોય તે તો નિવૃત્તિ માર્ગને અનુસર્યા છે તે અખંડ ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખે છે અને જે ગૃહસ્થાશ્રમી છે તે તો પ્રવૃત્તિ માર્ગને અનુસર્યા છે માટે તેને તો સંસારની અનંત વિટમણા વળગી છે માટે તે ગૃહસ્થાશ્રમી કેમ સમજે તો અખંડ ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રહે? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, ગૃહસ્થને તો એમ સમજવું જે, જેમ પૂર્વે ચોરાશી લાખ જાતનાં મારે માબાપ તથા સ્ત્રી-છોકરાં થયાં હતાં તેવાં ને તેવાં જ આ દેહનાં પણ છે ને કેટલાક જન્મની મા-બોન-દીકરીઓ તે કેટલીક રઝળતી હશે તેની જેમ મારે મમતા નથી તેમ આ દેહનાં સંબંધી તેની પણ મારે મમતા ન રાખવી, એવી રીતે વિચાર કરીને સર્વમાંથી પ્રીતિ તોડીને ભગવાનને વિષે દૃઢ પ્રીતિ કરે ને સાધુનો સમાગમ રાખે તો ગૃહસ્થને પણ ત્યાગીની પેઠે અખંડ ભગવાનમાં વૃત્તિ રહે.(બા.૧)

 

પછી એવી રીતે શ્રીજીમહારાજની વાત સાંભળીને જે ગૃહસ્થ સર્વે સભામાં બેઠા હતા તેમણે હાથ જોડીને પૂછ્યું જે,

(પ્ર.૨) હે મહારાજ! જે ગૃહસ્થને એવી રીતે ન વર્તાય તેના શા હાલ થાશે? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, એ તો જે ભગવાન વિના અન્ય પદાર્થમાંથી વાસના માત્રને ટાળીને ભગવાનમાં અખંડ વૃત્તિ રાખે તેની વાત કહી છે અને જે એવો બળિયો ન હોય તેને તો સત્સંગની ધર્મ-મર્યાદામાં રહેવું ને સંતનો ને નરનારાયણનો જે પોતાને આશરો છે તેનું બળ રાખવું જે, ભગવાન તો અધમ-ઉદ્ધારણ ને પતિતપાવન છે તે મુને સાક્ષાત્ મળ્યા છે.(બા.૨)

 

પછી એવાં શ્રીજીમહારાજનાં વચન સાંભળીને સર્વ હરિજન અતિશે રાજી થયા. પછી શ્રીજીમહારાજે સંતને પ્રશ્ન પૂછ્યો જે,

(પ્ર.૩) વૈરાગ્ય ઉદય થવાનું શું કારણ છે? પછી જેને જેવો ભાસ્યો તેવો ઉત્તર કર્યો પણ શ્રીજીમહારાજના પ્રશ્નનું સમાધાન થયું નહિ, પછી સર્વે મુનિ બોલ્યા જે, હે મહારાજ! એનો ઉત્તર તમે કરો. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, વૈરાગ્યનું કારણ તો એ છે જે, સદ્‌ગ્રંથ ને સત્પુરુષનાં વચન તેને સાંભળીને જેને ચટકી લાગે અને ચટકી લાગે તે પાછી મટે જ નહિ એવી જે ચટકી તે જ વૈરાગ્યનો હેતુ છે; બીજો વૈરાગ્યનો હેતુ નથી અને જેને ચટકી લાગતી હોય ને તે તામસી હોય તથા રાજસી હોય તથા સાત્વિકિ હોય તે સર્વેને વૈરાગ્ય ઊપજે અને જેને ચટકી લાગતી ન હોય તેને વૈરાગ્ય ન ઊપજે અને જેને ચટકી લાગી ને થોડા દિવસ કેડે ટળી જાતી હોય તેને તો એ ચટકીનો વૈરાગ્ય અતિશે ખુવાર કરે, કેમ જે જ્યારે ચટકી લાગે ત્યારે ઘર મૂકીને જાતો રહે ને પછી ભેખ લીધા કેડે જે ચટકી લાગી હોય તે ઊતરી જાય અને પછવાડે ઘર તો ધૂળધાણી થઈ ગયું હોય, પછી જેમ ધોબીનો કૂતરો વાટનો નહિ ને ઘાટનો નહિ તેમ તે પુરુષ ઉભય ભ્રષ્ટ થાય છે અને જે દૃઢ વૈરાગ્યવાળા હોય છે તે પરમપદને પામે છે.(બા.૩)

 

પછી શ્રીજીમહારાજ અતિ પ્રસન્ન થકા બીજો પ્રશ્ન પરમહંસ પ્રત્યે પૂછતા હવા જે,

(પ્ર.૪) આત્યંતિક કલ્યાણ તે કેને કહીએ? અને આત્યંતિક કલ્યાણને પામીને જે સિદ્ધદશાને પામ્યો હોય તે પુરુષની સર્વ ક્રિયાને વિષે કેવી દશા વર્તતી હોય? પછી જેને જેવો ભાસ્યો તેવો સર્વે મુનિએ ઉત્તર કર્યો પણ શ્રીજીમહારાજના પ્રશ્નનું સમાધાન થયું નહિ પછી સર્વે મુનિ હાથ જોડીને શ્રીજીમહારાજ પ્રત્યે બોલ્યા જે, હે મહારાજ! એનો ઉત્તર તમે કરો. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, જ્યારે બ્રહ્માંડોનો પ્રલય થાય છે ત્યારે પ્રકૃતિનાં કાર્ય જે ચોવીશ તત્વ તે સર્વે પ્રકૃતિને વિષે લીન થઈ જાય છે અને તે પ્રકૃતિપુરુષ પણ અક્ષરબ્રહ્મના તેજમાં અદૃશ્ય થઈ જાય છે અને પછી એકલું સચ્ચિદાનંદ ચિદ્‌ઘન જે તેજ તે રહે છે અને તે તેજને વિષે દિવ્યમૂર્તિ એવા જે પુરૂષોત્તમ ભગવાન વાસુદેવ તે અખંડ વિરાજમાન રહે છે અને તે જ પોતે દિવ્યમૂર્તિ થકા જીવના કલ્યાણને અર્થે રામકૃષ્ણાદિક અવતાર ધારણ કરે છે ત્યારે જે જગતમાં અણસમજુ મૂર્ખ જીવ છે તે ભગવાનને માયિક ગુણે યુક્ત કહે છે પણ એ માયિક ગુણે યુક્ત નથી; એ તો સદા ગુણાતીત દિવ્ય મૂર્તિ જ છે અને તેનું તે જ ભગવાનનું સાકાર દિવ્ય સ્વરૂપ તેને જે વેદાંત શાસ્ત્ર છે તે નિર્ગુણ, અછેદ્ય, અભેદ્ય, સર્વત્ર વ્યાપક એવી રીતે કરીને પ્રતિપાદન કરે છે તે જીવની બુદ્ધિમાંથી માયિકભાવ ટાળવાને અર્થે નિર્ગુણપણે કરીને પ્રતિપાદન કરે છે અને એ ભગવાન તો ઉત્પત્તિ, સ્થિતિ ને પ્રલય એ સર્વે કાળને વિષે એકરૂપે કરીને જ વિરાજમાન છે પણ માયિક પદાર્થની પેઠે વિકારને પામતા નથી; સદા દિવ્યરૂપે કરીને વિરાજમાન રહે છે, એવી રીતે પ્રત્યક્ષ પુરૂષોત્તમને વિષે જે દૃઢ નિષ્ઠા તેને આત્યંતિક કલ્યાણ કહીએ.(બા.૪)

અને એવી નિષ્ઠાને પામીને જે સિદ્ધદશાને પામ્યો હોય તેની આવી દશા હોય જે પિંડ-બ્રહ્માંડનો તથા પ્રકૃતિપુરુષનો પ્રલય થયા પછી અક્ષરધામને વિષે જે ભગવાનની મૂર્તિ અખંડ વિરાજમાન રહે છે તે મૂર્તિને સ્થાવર-જંગમ સર્વે આકારને વિષે જ્યાં જ્યાં દૃષ્ટિ જાય ત્યાં ત્યાં સાક્ષાત્કાર દેખે ને એ મૂર્તિ વિના બીજું અણુમાત્ર પણ ભાસે નહિ એ સિદ્ધદશાનું લક્ષણ છે.(બા.૫)

 

ઇતિ વચનામૃતમ્ || 7 || (103)

 

રહસ્યાર્થ પ્રદી. -- આમાં પ્રશ્ન (૪) છે. તેમાં પહેલામાં શ્રીજીમહારાજે કહ્યું છે જે, દેહનાં સંબંધીની મમતા ન રાખે અને અમારે વિષે દૃઢ પ્રીતિ કરે અને અમારા સંતનો સમાગમ રાખે તો ગૃહસ્થને અમારી મૂર્તિમાં અખંડ વૃત્તિ રહે. (1) બીજામાં જે નિર્બળ ભક્ત હોય તેમણે સાક્ષાત્ ભગવાન જે અમે તે અમારા આશરાનું બળ રાખવું. (2) ત્રીજામાં ચટકીનો વૈરાગ્ય ટળી જાય તો ખુવાર થાય છે અને એ વૈરાગ્ય દૃઢ રહે તો પરમપદને પામે છે. (3) ચોથામાં આત્યંતિક પ્રલયને વિષે અમે અમારા ચિદ્‌ઘન તેજમાં સદા દિવ્ય મૂર્તિમાન વિરાજમાન છીએ અને જીવોના કલ્યાણને અર્થે અમે રામકૃષ્ણાદિક અવતાર ધારણ કરીએ છીએ. તે અવતારોને મૂર્ખ જીવ માયિક ગુણે યુક્ત કહે છે અને અમે આત્યંતિક કલ્યાણ કરવાને અર્થે મનુષ્યરૂપે વિચરીએ છીએ તે અમને પણ મૂર્ખ જીવ માયિક ગુણે યુક્ત સમજે છે પણ અમે ગુણાતીત દિવ્ય મૂર્તિ જ છીએ, એમ કહીને પછી વેદાંતના દૃષ્ટાંત પૂર્વક પોતાનું દિવ્ય નિર્ગુણપણું ને સાકારપણું કહ્યું છે જે, અમે ઉત્પત્તિ, સ્થિતિ, પ્રલય સર્વ કાળને વિષે એકરૂપે સદા વિરાજમાન છીએ, એવી રીતે પ્રત્યક્ષ જે અમે તે અમારે વિષે દૃઢ નિષ્ઠા એટલે સાક્ષાત્કાર સ્થિતિ એ જ આત્યંતિક કલ્યાણ છે. (4) અને એવીનિષ્ઠાને પામીને સ્થાવર-જંગમમાં જ્યાં જ્યાં જુએ ત્યાં અમારી મૂર્તિને જ દેખે તે સિદ્ધદશાનું લક્ષણ છે. (5) બાબતો છે.

 

પ્ર.૧ ચોથા પ્રશ્નમાં પ્રકૃતિપુરુષ અક્ષરબ્રહ્મના તેજમાં અદૃશ્ય થઈ જાય છે, એમ કહ્યું તે અક્ષરબ્રહ્મ કિયા જાણવા?

ઉ.૧ ચિદ્ઘન તેજ જે શ્રીજીમહારાજનો પ્રકાશ તેને આ ઠેકાણે અક્ષરબ્રહ્મ કહ્યા છે. આ અક્ષરબ્રહ્મના તેજમાં એટલે કિરણોમાં મૂર્તિમાન અક્ષરની તથા બ્રહ્મની કોટીઓ સદા અચળ રહી છે અને પુરુષ પણ પ્રકૃતિને પોતાને વિષે લીન કરીને પોતે વાસુદેવબ્રહ્મના સમીપે રહે છે પણ જેમ તારા-ચંદ્રાદિ સૂર્યના તેજમાં રહે છે પણ જે સૂર્યના રથમાં બેઠા હોય તે તારા-ચંદ્રને દેખે નહિ તેમ શ્રીજીમહારાજને સમીપે રહ્યા જે મુક્ત તેની દૃષ્ટિમાં આવતા નથી; એકલું શ્રીજીમહારાજનું તેજ ને મૂર્તિ એ બે જ રહે છે તેથી તેમને ગણ્યા નથી અને પાધરું જ શ્રીજીમહારાજનું ચિદ્ઘન તેજ ને દિવ્ય મૂર્તિ એવા અમે રહીએ છીએ એમ કહ્યું છે.

પ્ર.૨ આમાં ચોથા પ્રશ્નમાં તથા (કા. 1ના ત્રીજા પ્રશ્નમાં) શ્રીજીમહારાજને ગુણાતીત કહ્યા અને (સા. 11ના 2/3 બીજા પ્રશ્નમાં, મ. 11/1માં તથા છે. 31માં) શ્રીજીમહારાજના તેજરૂપ અક્ષરધામને ગુણાતીત કહ્યું છે તે કેવી રીતે સમજવું?

ઉ.૨ ગુણાતીત શબ્દ ઘણે ઠેકાણે વપરાય છે. ભગવાનને પણ ગુણાતીત કહેવાય છે, અક્ષરધામને પણ ગુણાતીત કહેવાય છે અને ઈશ્વરને પણ ગુણાતીત કહેવાય છે, તથા જે ત્રણ ગુણથી પર હોય તે સર્વેને ગુણાતીત કહેવાય છે. માટે આમાં તથા (કા. 1માં) શ્રીજીમહારાજને ગુણાતીત કહ્યા છે ને (સા. 11ના 2/3 બીજા પ્રશ્નમાં, મ. 11/1માં તથા છે. 31માં) એ ત્રણમાં અક્ષરધામને ગુણાતીત કહ્યું છે અને (પ્ર. 42/3માં) શ્રીકૃષ્ણને તથા ગોપીઓને પણ ગુણાતીત કહેલ છે અને (મ. 43ના પહેલા પ્રશ્નમાં) ભક્તની સ્થિતિને પણ ગુણાતીત કહી છે ને (વ. 1ના પહેલા પ્રશ્નમાં) નિર્વિકલ્પ સમાધિને પણ ગુણાતીત કહી છે, માટે ગુણાતીત એવાં નામ વડે કરીને અક્ષરધામ જ કહ્યું છે એમ જ ન જાણવું; જે માયાથી પર હોય તે સર્વેને ગુણાતીત કહેવાય છે, માટે જે ઠેકાણે જેનું પ્રકરણ આવે તેને ગુણાતીત કહ્યા હોય માટે ગુણાતીત શબ્દ તે વિશેષણ છે.

પ્ર.૩ ચિદ્‌ઘન તેજને વિષે દિવ્યમૂર્તિ એવા શ્રીજીમહારાજ અખંડ વિરાજમાન રહે છે અને એવા ને એવા દિવ્યમૂર્તિ થકા જીવના કલ્યાણને અર્થે મનુષ્યરૂપે દેખાય છે અને સર્વે કાળે એકરૂપે વિરાજમાન છે, એવી પ્રત્યક્ષ શ્રીજીમહારાજને વિષે દૃઢ નિષ્ઠા તેને આત્યંતિક કલ્યાણ કહ્યું અને (સા. 11ના પહેલા પ્રશ્નમાં) વૈરાગ્યાદિક પાંચ સાધને યુક્ત થાય તો આત્યંતિક કલ્યાણને પામે એમ કહ્યું છે તે કેવી રીતે સમજવું?

ઉ.૩ જેને આમાં કહ્યું એવું શ્રીજીમહારાજના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન થયું હોય તે શ્રીજીમહારાજને સદાય સર્વત્ર પ્રત્યક્ષ જાણે છે ને દેખે છે તેણે કરીને શ્રીજીમહારાજની મર્યાદા યથાર્થ રહે છે અને શ્રીજીમહારાજ વિના માયિક વિષય તથા ઐશ્વર્ય તે સર્વે તુચ્છ જણાય છે માટે તેને વિષે વૈરાગ્યાદિક સર્વે ગુણ સહજે જ આવી જાય છે માટે જેમાં આવું જ્ઞાન હોય તેમાં એવા ગુણ હોય જ.

પ્ર.૪ (4/5 ચોથા પ્રશ્નમાં) સિદ્ધદશાનું લક્ષણ કહ્યું તેમાં તો મૂર્તિને સદાય દેખે એમ કહ્યું અને (પ્ર. 24ના પહેલા પ્રશ્નમાં) ક્યારેક મૂર્તિ દેખાય ને ક્યારેક એકલું તેજ દેખાય એમ કહ્યું છેતેનું શું કારણ હશે?

ઉ.૪ (પ્ર. 24માં) થતી સ્થિતિવાળાની વાત છે અને આમાં પરિપક્વ સિદ્ધદશાવાળાની વાત છે.