૩૩. સ્ત્રી, ધનાદિકમાં ન બંધાય તેનાં લક્ષણો, એ વિષે મુક્તાનંદ સ્વામી ને ગોપાળાનંદ સ્વામીની પ્રશંસા - એકાંતિક ભક્તનું લક્ષણ - ધન, સ્ત્રી, દેહાભિમાન ને સ્વભાવ એ ચારની કાચપ ટાળવાનો ઉપાય.
સંવત 1885ના ફાગણ સુદિ 11 એકાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રી ગોપીનાથજીના મંદિરને વિષે વિરાજમાન હતા, ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
પછી શ્રીજીમહારાજે સર્વે પરમહંસ આગળ એમ વાર્તા કરી જે,
અને પછી શ્રીજીમહારાજ એમ બોલ્યા જે,
(પ્ર.૨) વાસુદેવ ભગવાનનો એકાંતિક ભક્ત કેને કહીએ? તો જેને વિષે સ્વધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને માહાત્મ્યે યુક્ત એવી વાસુદેવ ભગવાનની અનન્ય ભક્તિ એટલાં વાનાં હોય તેને એકાંતિક ભક્ત કહીએ ને એની ગતિ એમ કહી છે જે એનો વાસુદેવ ભગવાનમાં પ્રવેશ થાય. તે પ્રવેશ તે શું તો તેજના મંડળને વિષે દિવ્ય મૂર્તિ એવા જે વાસુદેવ ભગવાન તેને વિષે એ ભક્તને સ્નેહ હોય, તે સ્નેહે કરીને વાસુદેવ ભગવાનની મૂર્તિને વિષે એના મનનું નિરંતર અનુસંધાન રહે ને આસક્ત થકો વર્તે, ને એવી રીતે રહ્યો થકો એ વાસુદેવ ભગવાનની સેવાને વિષે પણ બહાર થકી રહે. જેમ લક્ષ્મીજી છે તે વાસુદેવ ભગવાનના હૃદયને વિષે ચિહ્નરૂપે સ્નેહના અધિકપણે કરીને રહ્યાં છે ને બહાર થકી સ્ત્રીરૂપે કરીને સેવામાં પણ રહ્યાં છે, તેમ એ એકાંતિક ભક્તનો વાસુદેવ ભગવાનને વિષે પ્રવેશ જાણવો.(બા.૩)
અને હમણાં પણ જે ભક્તને ભગવાનની કથા-કીર્તન, નામ-સ્મરણ ઇત્યાદિક જે દશ પ્રકારની ભક્તિ તથા ભગવાનનું માહાત્મ્ય તથા સ્વધર્મ તથા વૈરાગ્ય તથા આત્મનિષ્ઠા તથા સંતનો સમાગમ એનું બંધાણ હોય તે એવું હોય જે તે વિના કોઈ રીતે ચાલે જ નહિ, જેમ અફીણ આદિકનો બંધાણી હોય તેને તે વિના ચાલે નહિ, ને તે અફીણ તો કડવું ઝેર છે, તો પણ અફીણના બંધાણીને અફીણ વિના ચાલે નહિ, તથા દારુનું બંધાણ હોય તો તે દારુ પણ પીએ ત્યારે ગળું બળે એવો છે તો પણ તે વિના ચાલે નહિ, તે એને ઘણાક રૂપિયા આપે તો પણ તે બંધાણથી તે વહાલા ન થાય ને ન લે કેમ જે એ વ્યસન એના જીવ સંગાથે જડાઈ ગયું છે. તેમ જેને ભગવદ્ ભક્તિ આદિક ક્રિયાનું બંધાણ થયું હોય તે ગમે તેવો કુસંગ થાય તો પણ તે વિના એને ચાલે જ નહિ, ને એ વિના બીજા કાર્યમાં એનું મન રાજી થાય નહિ, ને ભગવદ્ ભક્તિ આદિક ક્રિયામાં એનો જીવ જડાઈ ગયો હોય ને એનો જ એને અતિ ઇશક હોય એવો જે ભગવાનનો ભક્ત તેનો પણ વાસુદેવ ભગવાનને વિષે પ્રવેશ છે એમ જાણવું. અને તે ભગવદ્ ભક્ત કેવો હોય તો ભગવાનની સેવા વિના ચતુર્ધા મુક્તિને પણ ન ઇચ્છે તો બીજાની શી વાર્તા? એવો હોય તે ભગવાનનો એકાંતિક ભક્ત જાણવો ને એને કોઈ પદાર્થમાં ઇશક ન હોય.(બા.૪)
અને એવો ન હોય ને ક્યારેક ભગવાનની ભક્તિમાંય સુવાણ થાય ને જો કુસંગનો યોગ થાય તો ભક્તિને ભૂલી જાય ને તે ચાળે ચડી જાય, એને તો પ્રાકૃત દેહાભિમાની કહીએ પણ એ ભક્ત ખરો નહિ ને એનો વિશ્વાસ નહિ.(બા.૫)
અને વળી શ્રીજીમહારાજે એમ વાર્તા કરી જે,
(પ્ર.૩) જે ભગવાનના ભક્તને સ્ત્રી, ધન, દેહાભિમાન ને સ્વભાવ એ ચાર વાનામાં કાચ્યપ હોય, ને તે ભગવાનની ભક્તિ કરતો હોય તો પણ એની ભક્તિનો વિશ્વાસ નહિ, એની ભક્તિમાં જરૂર વિઘ્ન આવે. કેમ જે ક્યારેક એને સ્ત્રી-ધનનો યોગ થાય તો ભક્તિનો ઠા રહે નહિ ને તેમાં આસક્ત થઈ જાય, તથા દેહાધ્યાસ હોય તો જ્યારે દેહમાં રોગાદિક કષ્ટ પ્રાપ્ત થાય તથા અન્ન-વસ્ત્રાદિક ન મળે અથવા કોઈક કઠણ વર્તમાન પાળવાની આજ્ઞા થાય, ત્યારે પણ તેને ભક્તિમાં ભંગ થાય ને વિકળ થઈ જાય ને કાંઈ વિચાર ન રહે ને ચાળા ચૂંથવા લાગે તથા કોઈક રીતનો સ્વભાવ હોય તેને સંત ટોકવા માંડે ને તે સ્વભાવ પ્રમાણે વર્તવા ન દે ને બીજી રીતે વર્તાવે ત્યારે પણ એ મૂંઝાય, ને એને સંતના સમાજમાં રહેવાય નહિ ત્યારે ભક્તિ તે ક્યાંથી રહે? માટે જેને દૃઢ ભક્તિ ઇચ્છવી હોય તેને એ ચાર વાનામાં કાચ્યપ રાખવી નહિ ને એ ચારની કાચ્યપ હોય તો પણ સમજીને ધીરે ધીરે ત્યાગ કરવી તો વાસુદેવ ભગવાનની નિશ્ચળ ભક્તિ થાય. આ વાર્તા તે આમ જ છે, પણ એમાં કાંઈ સંશય નથી.(બા૬.)
ઇતિ વચનામૃતમ્ || 33 || (267)
રહસ્યાર્થ પ્રદી. -- આમાં કૃપાવાક્ય (3) ત્રણ છે. તેમાં પહેલામાં શ્રીજીમહારાજે કહ્યું છે જે પોતાના આત્માને પ્રકાશરૂપ અને સત્તારૂપ માને ને તેને વિષે અમારી આ પ્રત્યક્ષ મૂર્તિ વિરાજમાન છે એમ સમજે, ને આ અમારી મૂર્તિ વિના બીજા પ્રાકૃત આકારને અસત્ય ને દોષે યુક્ત સમજે તેની બુદ્ધિમાં કોઈ જાતનો ભ્રમ થાય નહિ. (1) અને એવાને પણ માન, દ્રવ્ય તથા રૂપવાન સ્ત્રીઓનો યોગ થાય તો ઠેકાણું રહે નહિ માટે એનો યોગ થવા દેવો નહિ. (2) બીજામાં સ્વધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને માહાત્મ્યે યુક્ત એવી અમારી અનન્ય ભક્તિ હોય તે અમારો એકાંતિક ભક્ત છે અને એનો અમારે વિષે પ્રવેશ થાય છે અને અમારી સેવાને વિષે બહારથી પણ રહે છે. (3) અને દેહ છતાં પણ જે ભક્તને અમારી દશ પ્રકારની ભક્તિ તથા અમારું માહાત્મ્ય તથા સ્વધર્મ, વૈરાગ્ય ને આત્મનિષ્ઠા તથા અમારા સંતનો સમાગમ તે વિના ચાલે જ નહિ. એવું બંધાણ હોય તેનો પણ અમારે વિષે પ્રવેશ જાણવો ને તે એકાંતિક છે. (4) અને જે કુસંગને યોગે અમારી ભક્તિને ભૂલી જઈને ચાળે ચડી જાય તે પ્રાકૃત દેહાભિમાની છે. (5) ત્રીજામાં સ્ત્રી, ધન, દેહાભિમાન ને સ્વભાવ એ ચારમાં કાચ્યપ હોય તેની ભક્તિ રહે નહિ એ કાચ્યપનો ત્યાગ કરે તો અમારી નિશ્ચળ ભક્તિ થાય. (6) બાબતો છે.
પ્ર.૧ (1/2 પહેલા પ્રશ્નમાં) મુક્તાનંદ સ્વામીને તથા ગોપાળાનંદ સ્વામીને માનનો તથા દ્રવ્યનો તથા સ્ત્રીઓનો યોગ થાય તો તેમનું ઠેકાણું રહે નહિ એમ કહ્યું ને (છે. 26ના બીજા પ્રશ્નમાં) મયારામ ભટ્ટ તથા મૂળજી બ્રહ્મચારી તથા નિષ્કુળાનંદ સ્વામીને સ્ત્રી આદિક કોઈ પદાર્થ બંધન કરી શકે નહિ એમ કહ્યું છે તેનું શું કારણ હશે? કેમ જે શ્રીજીમહારાજે દેહોચ્છવ વખતે સર્વ સાધુ, બ્રહ્મચારી, પાર્ષદ, હરિજનોને આજ્ઞા કરી હતી કે શ્રી ગોપાળાનંદ સ્વામીની આજ્ઞામાં રહેજો ને જે એમની આજ્ઞામાં નહિ રહે તે અમારા નથી. એમ ત્યાગી-ગૃહી સર્વને ગોપાળાનંદ સ્વામીની આજ્ઞામાં રહેવાનું કહ્યું હતું, માટે ગોપાળાનંદ સ્વામી તો સત્સંગમાં સર્વથી મોટા હતા. ને (છે. 21/6માં) અક્ષરધામમાં પરમ એકાંતિક મુક્ત રહ્યા છે તેથી પણ અધિક કહ્યા છે, ને દાસત્વ ભક્તિમાં પણ (મ. 62ના ત્રીજા પ્રશ્નમાં) ગોપાળાનંદ સ્વામીને તથા મુક્તાનંદ સ્વામીને ઉત્તમ કહ્યા છે, અને (કા. 3ના પહેલા પ્રશ્નમાં) શુકસ્વામીની પ્રશંસા કરી છે, તેમાં પણ એમને મુક્તાનંદ સ્વામી જેવા કહ્યા છે, માટે મુક્તાનંદ સ્વામી પણ ગોપાળાનંદ સ્વામીના જેવા જ મુક્ત છે તે એવા મોટા અનાદિમુક્તનું ઠેકાણું રહે નહિ એમ કહ્યું તો બીજાની તો વાત શી કહેવી? અને (લો. 13ના પહેલા પ્રશ્નમાં) પણ તુચ્છ જેવો જીવ શ્રીજીના ચરણારવિંદમાં નિમગ્ન રહે તો તેને પરાભવ ન થાય એમ કહ્યું છે તે સાધનિકને પરાભવ ન થાય તો આ તો અનંતને એવી સ્થિતિ કરાવતા એવા મોટા સિદ્ધ મુક્તને પરાભવ થાય એમ કેમ કહ્યું હશે?
ઉ.૧ ગોપાળાનંદ સ્વામી તથા મુક્તાનંદ સ્વામી તો શ્રીજીમહારાજની મૂર્તિમાં રહેનારા અનાદિમુક્ત હતા. એમના સામું તો માયા જોઈ જ શકે નહિ એવા મોટા હતા, પણ એમને મિષે કરીને સાધનિકને શિક્ષા કરી છે, કેમ જે મોટાને ઉદ્દેશીને વાત કરે ત્યારે સાધનિકને બીક લાગે જે એવા મોટાને પરાભવ થાય તો આપણને તો થાય જ એમ બીક લાગે એટલા માટે મોટાને મિષે કહ્યું છે.
પ્ર.૨ (2/3 બીજા પ્રશ્નમાં) શ્રીજીમહારાજે પોતાને વિષે પ્રવેશ કહ્યો તે તેજના મંડળમાં દિવ્ય મૂર્તિ છે ત્યાં તો માયિક મનની ગતિ હોય નહિ તે કેમ સમજવું?
ઉ.૨ જેમ લક્ષ્મીજી શ્રીકૃષ્ણવાસુદેવને વિષે રહે છે ને બહારથી સ્ત્રી રૂપે સેવામાં રહે છે તેમ જ મુક્ત પણ શ્રીજીમહારાજની મૂર્તિમાં રહે છે ને બહાર પણ રહે છે અને મનનું અનુસંધાન રહે છે એમ કહ્યું છે તે મન શબ્દ તો આ લોકની રૂઢિએ વાપર્યો છે, પણ જે મુક્ત થાય તેને મન છે જ નહિ ને એને વિષે દેહ-દેહી ભાવ પણ નથી; મુક્ત પણ શ્રીજીમહારાજની પેઠે જ દિવ્ય મૂર્તિઓ જ છે.