૪૮. 'વંદુ સહજાનંદ રસરૂપ' એ કીર્તન પ્રમાણે ભગવાનના અખંડ ચિંતવનવાળો દેહ છતાં જ પરમપદનો અધિકારી છે - શ્રીહરિએ સંતના મધ્યે ફરી પ્રગટ થવાની ઇચ્છા વ્યક્ત કરી છે.
સંવત 1880ના મહા વદિ 14 ચૌદશને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, અને તુળસીની નવી શ્વેત કંઠીઓ કંઠને વિષે ધારણ કરી હતી, ને પાઘને વિષે પીળા પુષ્પનો તોરો વિરાજમાન હતો, ને કંઠને વિષે પુષ્પના હાર ધારણ કર્યા હતા, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી, ને સાધુ પ્રેમાનંદ સ્વામી ભગવાનના ધ્યાનના અંગની ગરબીઓ જે 'વંદુ સહજાનંદ રસરૂપ અનુપમ સારને રે લોલ' એ ગાવતા હતા.
પછી જ્યારે ગાઈ રહ્યા ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે,
(પ્ર.૧) બહુ સારાં કીર્તન ગાયાં, આ કીર્તનને સાંભળીને તો અમારા મનમાં એમ વિચાર થયો જે આવી રીતે એને ભગવાનની મૂર્તિનું ચિંતવન છે, માટે એ સાધુને તો ઊઠીને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરીએ. અને જેને આવી રીતે અંત:કરણમાં ભગવાનનું ચિંતવન થાતું હોય, ને એવી વાસનાએ યુક્ત જો દેહ મૂકે તો તેને ફરીને ગર્ભવાસમાં આવવું પડે જ નહિ, અને એવી રીતે ભગવાનનું ચિંતવન કરતાં જીવતો હોય તો પણ એ પરમપદને પામ્યો જ છે, અને જેવા શ્વેતદ્વીપમાં નિરન્ન મુક્ત છે તેવો જ એ પણ નિરન્ન મુક્ત થઈ રહ્યો છે, અને દેહ ક્રિયા તો યોગ્ય હોય એટલી સહેજે જ થાય છે, અને જેને ભગવાનના સ્વરૂપનું એવી રીતે ચિંતવન થાય છે તે તો કૃતાર્થ થયો છે, ને તેને કાંઈ કરવું બાકી રહ્યું નથી.(બા.૧)
અને જેને ભગવાન વિના બીજા પદાર્થનું ચિંતવન કરતે થકે દેહ પડ્યો તેને કોટી કલ્પે દુ:ખનો અંત આવતો નથી, માટે આવો અવસર આવ્યો છે તેને પામીને ભગવાન વિના બીજા પદાર્થનું ચિંતવન મૂકીને એક ભગવાનના સ્વરૂપનું જ ચિંતવન કરવું.(બા.૨)
અને જો ભગવાનના સ્વરૂપનું ચિંતવન થઈ ન શકે તો પણ ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિ તેણે યુક્ત એવા જે આ સાધુ તેને મધ્યે પડી રહેવું.(બા.૩)
અને અમારે પણ એ જ અંતરમાં વાસના છે જે આ દેહને મૂકશું પછી કોઈ રીતનો જન્મ થાવાનું નિમિત્ત તો નથી, પણ અંતરમાં એમ વિચારીએ છીએ જે જન્મ ધર્યાનું કોઈક કારણ ઉત્પન્ન કરીને પણ સંતના મધ્યમાં જન્મ ધરવો એમ ઇચ્છીએ છીએ.(બા.૪)
અને જેને એ કીર્તનમાં કહ્યું એવી રીતનું ચિંતવન થતું હોય તે તો કાળ, કર્મ ને માયાના પાસ થકી મુકાણો છે અને જેને ઘેર એવા પુરુષે જન્મ ધર્યો તેનાં માબાપ પણ કૃતાર્થ થયાં જાણવાં.(બા.૫)
અને ભગવાન વિના બીજા વિષયનું જે ચિંતવન કરે છે તે તો અતિશે ભૂલ્યો જાણવો.(બા.૬)
અને સ્ત્રી, પુત્ર ને ધનાદિક પદાર્થ તો જે જે યોનિમાં જાય છે તે સર્વેમાં મળે છે, પણ આવા બ્રહ્મવેત્તા સંતનો સંગ ને શ્રી વાસુદેવ ભગવાનનું સાક્ષાત્કાર દર્શન ને ચિંતવન તે તો અતિશે દુર્લભ છે, માટે જેમ વિષયી જનને પંચવિષયનું ચિંતવન અંત:કરણમાં થયા કરે છે તેમ જેના અંતરમાં અખંડ ભગવાનનું ચિંતવન થયા કરે એથી ઉપરાંત મનુષ્ય દેહનો બીજો લાભ નથી, અને એ તો સર્વે હરિભક્તમાં મુખિયો છે અને એ ભક્તને શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ એ પંચવિષય હોય તો પણ ભગવાન સંબંધી જ હોય ને તેના શ્રવણ તે અખંડ ભગવાનની કથા સાંભળવાને ઇચ્છે ને ત્વચા તે ભગવાનનો સ્પર્શ કરવા ઇચ્છે, ને નેત્ર તે ભગવાન ને ભગવાનના સંતનાં દર્શન કરવાને ઇચ્છે ને રસના તે ભગવાનના મહાપ્રસાદના સ્વાદને ઇચ્છે, અને નાસિકા તે ભગવાનને ચડ્યાં જે પુષ્પ-તુળસી તેના સુગંધને ઇચ્છે, પણ પરમેશ્વર વિના અન્ય વસ્તુને સુખદાયી જાણે જ નહિ, એવી રીતે જે વર્તે તે ભગવાનનો એકાંતિક ભક્ત કહેવાય.(બા.૭)
ઇતિ વચનામૃતમ્ || 48 || (181)
રહસ્યાર્થ પ્રદી. -- આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે, જેને અંતઃકરણમાં અમારું ચિંતવન રહે, તેને ફરીને ગર્ભવાસમાં જવું પડે નહિ, અને દેહમાં રહ્યો થકો પણ મુક્ત થઈ રહ્યો છે, ને તેને કાંઈ પણ બાકી રહ્યું નથી. (1) અને જેને બીજા પદાર્થનું ચિંતવન કરતાં દેહ પડે તેને દુઃખનો અંત આવતો નથી. (2) અને જેને અમારું ચિંતવન થઈ ન શકે તેને ધર્મ-જ્ઞાનાદિક સાધને યુક્ત એવા અમારા સાધુના સંગમાં એટલે મન-કર્મ-વચને અનુવૃત્તિમાં રહેવું એમ સંતમાં પડી રહેવું, તેણે કરીને એ સંતના જેવા ગુણ આવે ને મોક્ષ થાય. (3) અને અમારે ફેર જન્મ ધરવાનું નિમિત્ત નથી તો પણ કોઈક કારણ ઉત્પન્ન કરીને પણ સંતના મધ્યમાં જન્મ ધરવા ઇચ્છીએ છીએ. (4) અને જેને અમારું ચિંતવન થાય તેનાં માબાપ પણ કૃતાર્થ છે. (5) અને જે અમારા વિના બીજું ચિંતવન કરે છે તે તો અતિશે ભૂલ્યો છે. (6) અને અમારા બ્રહ્મવેત્તા સાધુનો સંગ ને અમારું સાક્ષાત્ દર્શન તે તો મહા દુર્લભ છે, માટે અમારા વિના અન્ય વસ્તુને સુખદાયી જાણે જ નહિ, એ અમારો એકાંતિક ભક્ત છે. (7) બાબતો છે.
પ્ર.૧ પહેલી બાબતમાં જે અમારું ચિંતવન કરે તે શ્વેતદ્વીપમાં નિરન્ન મુક્ત છે તેવો છે એમ કહ્યું તે જે શ્રીજીમહારાજનું ચિંતવન કરે તે તો શ્રીજીમહારાજનો મુક્ત થાય તેને નિરન્ન મુક્ત જેવો કહેવાનું શું કારણ હશે?
ઉ.૧ આમાં શ્રીજીમહારાજે પોતાના તેજરૂપ અક્ષરધામને શ્વેતદ્વીપ નામે કહ્યું છે, જે શ્વેત એવું તેજ તેનો દ્વીપ એટલે સમૂહ માટે તેજનો સમૂહ જે અક્ષરધામ તેને આ ઠેકાણે શ્વેતદ્વીપ નામે કહ્યું છે, અને પોતાના મુક્તને નિરન્નમુક્ત નામે કહ્યા છે, પણ વાસુદેવબ્રહ્મના સાધનિક મુક્તોનું ધામ છે તે નથી કહ્યું, કેમ જે એ શ્વેતદ્વીપ તો પ્રલય સમે નાશ પામે છે, અને સાતમી બાબતમાં વાસુદેવ નામે કહ્યા છે તે પણ પોતાને જ કહ્યા છે.
પ્ર.૨ ચોથી બાબતમાં શ્રીજીમહારાજે સંતના મધ્યમાં જન્મ ધર્યાનું કહ્યું તે કેવી રીતે સમજવું?
ઉ.૨ વૈરાજપુરુષની આયુષ્યમાં એકવાર આ બ્રહ્માંડમાં દર્શન દેવાં એવું નિમિત્ત છે, તેથી હવે આ વૈરાજની આયુષ્યમાં ફેર આવવાનું નિમિત્ત તો નથી પણ કોઈક કારણ ઉત્પન્ન કરીને પણ સંતના મધ્યમાં એટલે સત્પુરુષરૂપે ફેર આવવાની ઇચ્છા જણાવી છે. અને મુમુક્ષુને ઉપદેશ કર્યો છે જે અમે અમારા પરમ એકાંતિક તથા અનાદિમુક્ત ભેળા સદાય વિચરીએ છીએ, પણ એક ક્ષણમાત્ર એવા સંતથી જુદા રહેતા નથી, માટે તમારે પણ એવા સંત ભેળું સદા રહેવું એમ સૂચવ્યું છે.